બે માસુમ બાળકો અને દંપત્તી લાપતા બનતા કુવાડવા પોલીસે રાજયભરની પોલીસને એલર્ટ કરી: યુવકનો મોબાઇલ સ્વીચ ઓફ
કુવાડવા નજીક આવેલા હડાળા ગામે ખેત મજુરી કરતા છોટા ઉદેપુરના આદિવાસી પરિવારના બે માસુમ બાળકો સાથે દંપત્તી એક સપ્તાહથી ભેદી રીતે લાપતા બનતા કુવાડવા પોલીસે શોધખોળ હાથધરી છે. ગુમ થયેલા યુવાનનો તા.૨૪મી સાંજથી બંધ આવતા રાજયભરની પોલીસને એલર્ટ કરવામાં આવી છે.
છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના બૈડિયા ગામના વતની અને મોરબી રોડ પર આવેલા હડાળા ગામના સુરેશભાઇ પટેલની વાડીએ છેલ્લા બે વર્ષથી ચોથા ભાગે ખેત મજુરી કરતા રાઠવા શૈલેષ ધારશી (ઉ.વ.૨૧), તેની પત્ની સંગીતાબેન (ઉ.વ.૨૧), ત્રણ વર્ષનો પુત્ર યુવરાજ અને નવ માસની બાળકી સાથે તા.૨૪મીએ રાતથી ગુમ થયાની ધારશીભાઇએ કુવાડવા પોલીસ મથકમાં નોંધ કરાવી છે.
સુરેશભાઇ પટેલને સાંજે મળ્યા હતા અને સવારે તેઓ છાસ અને દુધ દેવા માટે પોતાની વાડીએ ગયા ત્યારે આદિવાસી પરિવાર જોવા ન મળતા સુરેશભાઇ પટેલે બાજુની વાડીમાં કામ કરતા શૈલેષ રાઠવાના સગા-સંબંધીઓને પૂછપરછ કર્યા બાદ તેના પિતા ધારશીભાઇ રાઠવાને જાણ કરતા તેઓએ કુવાડવા પોલીસ મથકમાં ગુમ નોંધ કરાવતા હેડ કોન્સ્ટેબલ હમીરભાઇ આહિર, કિશનભાઇ અને મહાવીરસિંહ સહિતના સ્ટાફે ભેદી રીતે ગુમ થયેલા આદિવાસી પરિવારની શોધખોળ હાથધરી તેના મોબાઇલની કોલ ડીટેલ કઢાવી છેલ્લે કોની સાથે વાત થઇ હતી તેમજ તેનું છેલ્લુ લોકેશન કયા આવે છે તે અંગે તપાસ હાથધરી છે. તેમજ રાજયભરના પોલીસને ગુમ નોંધ અંગે જાણ કરી આદિવાસી પરિવારની ભાળ મેળવવા વિવિધ દિશામાં તપાસ હાથધરી છે.