આવતીકાલે અખાડાની સંગીતમય મહા ઓમકાર આરતી અને બેન્ડ શો
રાજકોટ: શહેરમાં યોજાતા સાર્વજનિક ગણેશોત્સવમાં ત્રિકોણબાગ કા રાજા ‘ટોક ઓફ ધી ટાઉન છે. શહેરના દુર-દુરના વિસ્તારોમાંથી ભાવિકો ત્રિકોણબાગ કા રાજાની મનોહર મૂર્તિના દર્શનાર્થે આવે છે. આવતીકાલે શુક્રવારે અખાડાની સંગીતમય મહાઓમકાર આરતી શ્રદ્ધાળુઓનું આકર્ષણ બની રહેશે. આજે સાંજે દેવાધિદેવ ગણપતિજીના પ્રતિક ગજરાજ-હાથી ત્રિકોણબાગ કા રાજા સન્મુખ આવીને પુષ્પો અર્પણ કરીને વંદના કરશે.
આજે ગુરુવારે રાત્રે શ્રીનાથજીની ઝાંખીનો ભકિત સંગીત કાર્યક્રમ ભાવિકોને ભાવવિભોર કરશે. ત્રિકોણબાગ કા રાજાનું પવિત્ર પ્રાંગણ દુંદાળાદેવની ભકિતના રંગે રંગાશે. ગણેશોત્સવના ગઈકાલે સાતમાં દિવસે મહાઆરતીમાં અનેક આગેવાનો હાજર રહ્યા હતા. વ્યસનમુકિત અભિયાન અંતર્ગત યોજાયેલ પ્રેરક પ્રવચનમાં શ્રદ્ધાઓની વિશાળ હાજરી હતી. આ સમાજોપયોગી અભિયાનને વ્યાપક લોકપ્રતિસાદ મળ્યો હતો. રાત્રે યોજાયેલ લોકડાયરામાં વિશાળ સંખ્યામાં નગરજનોએ હાજરી આપી હતી. મોડીરાત સુધી લોકડાયરાની મોજ માણી હતી.
આ ગણપતિ મહોત્સવને સાંગોયાંગ સફળ બનાવવા જીમ્મીભાઈ અડવાણીની રાહબરીમાં તેમના સાથી મિત્રો ચંદુભાઈ પાટડીયા, પ્રભાત બાલાસરા, ભરત રેલવાણી, કમલેશભાઈ, અર્જુન બાવળીયા, કુમારપાલ ભટ્ટી, અભિષેક કણસાગરા, નિલેષ ચૌહાણ, વિમલ નૈયા, હિતેષ ધોળકિયા, નાગજી બાંભવા, બિપીન મકવાણા, ભાવિન અધ્યારુ, કશ્યપ પંડયા, જયપાલસિંહ જાડેજા, દિલીપ પાંધી, સન્ની કોટેચા, અમિત ભુવા, કાનાભાઈ સાનિયા, પ્રકાશ ઝીઝુવાડીયા, કિશન સિઘ્ધપુરા વગેરે ખડેપગે સેવાઓ આપી રહ્યા છે.