વિશ્વની સૌથી મોટી લોકશાહીનું માન ધરાવતા ભારતની ચૂંટણી પ્રક્રિયા દેશના આદર્શ સંચાલન વ્યવસ્થા માટે “અનિવાર્ય” છે તેવી જ રીતે વિશ્વના અનેક નવોદિત રાષ્ટ્ર માટે ભારતની આખે આખી ચૂંટણી વ્યવસ્થા આદર્શ અનુકરણનો મુસદ્દો બની ચૂકી છે.. ઘણા નવા અસ્તિત્વમાં આવેલા રાષ્ટ્રોએ પંચાયતી રાજ વ્યવસ્થા નું “પંચસ્તરીય” માળખું ધરાવતા ભારતના આખે આખા ચૂંટણી માળખા ને અપનાવ્યું છે ,ત્યારે ભારતની આઝાદીના75 માં વર્ષની આ મજલ અને દેશ જ્યારે આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યો છે ત્યારે દેશના મતદારો અને વિશ્વના લોકશાહી પ્રિય વર્ગની ભારતની ચૂંટણી પર મિટ મંડાયેલી હોય તેમાં કોઈ શંકા જ નથી.
અત્યારે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નો માહોલ જામ્યો છે અને આગામી વર્ષે લોકસભાની ચૂંટણી આવવાની છે, શાસક વિપક્ષ અને કતારમાં ઉભેલા તમામ રાજકીય પક્ષો ચૂંટણીની તૈયારીઓ માં લાગી ગયા છે ત્યારે ત્યારે મતદારોથી વધુ કસોટી તો રાજકીય પક્ષોની થવાની છે. અત્યારે રાજકીય પક્ષોની ’અગ્નિ પરીક્ષા”નો સમય ચાલી રહ્યો હોય તેમ દરેક પક્ષોને પોતાના હરીફોને મહાત્ આપવાની સાથે સાથે ઉમેદવારોની પસંદગી નો મુદ્દો મહત્વનો બન્યો છે. દરેક પક્ષ માટે “સ્વચ્છ પ્રતિભા” ધરાવતા આદર્શ દેશ પ્રેમી, ઉમેદવાર ની ખાસ જરૂર છે એ વાત અલગ છે કે, રાજકીય પક્ષો પોતાની ક્ષમતા અને શક્તિથી પરિણામ અને સત્તા પ્રાપ્તિ માટે સમર્થ હોય, પરંતુ લાંબા ગાળાની પ્રજાભિમુખ કામગીરી અને દેશની ઉન્નતી માટે કંઈક કરી છૂટવાની તમન્ના અને દેશના ભવિષ્ય નિર્માણ ની જવાબદારી ધરાવતા “રાજકીય પક્ષો” માટે પોતાનો પ્રત્યેક ઉમેદવાર મતદારો માટે ખરા અર્થમાં વિશ્વાસુ હોય તે જરૂરી છે, દેશમાં આમ પણ રાજકીય રીતે સેવા કરનારાઓમાં શિક્ષિત અને દીક્ષિત વ્યક્તિઓની મોટી ખોટ છે, રાજકીય ક્ષેત્રમાં સાચા લોક સેવક અને લોકપ્રિય આગેવાનોની મોટી ખોટ વચ્ચે સાંપ્રત સમય માં વધતા જતા રાજકીય અપરાધિકરણ જેમ બને તેમ ઓછું કરવા ચૂંટણી પંચ અને અદાલતો વારંવાર રાજકીય પક્ષોને ટકોર કરી રહી છે.
તેવા સંજોગોમાં “વિનિંગ એબિલિટી” અને પ્રજામાં આદર્શ ગણાય તેવા સંસ્કારોનું સમન્વય ધરાવતા ઉમેદવારો ની પસંદગી દરેક પક્ષ માટે એકવણ ઉકેલ પ્રશ્ન બની ગયો છે ત્યારે ઉમેદવારોની પસંદગીની “અગ્નિ પરીક્ષા”માં કયો રાજકીય પક્ષ વધુ આદર્શ સાબિત થાય છે? તે જોવાનું રહ્યું જે રાજકીય પક્ષ ઉમેદવારોની પસંદગીમાં ચરિત્રનિર્માણ અને વ્યક્તિગત સંસ્કારોથી લઈ જવાબદાર વ્યક્તિત્વ વાળા ઉમેદવારો જમા કરવામાં સફળ થશે તે રાજકીય પક્ષને કદાચ પ્રથમ પ્રયાસ જેવી ચૂંટણીમાં સફળતા ન પણ મળે તો પણ ભવિષ્યમાં તેનો જનાધાર વધે તેમાં બે મત નથી દરેક રાજકીય પક્ષોએ રાજકીય સોટકટ અને સફળતા ગણવાના બદલે પોતાના ઉમેદવારો સ્વચ્છ અને ઉચ્ચ પ્રતિભાશાળી દેશપ્રિય બિન ગુનાહિત માનસિકતા ધરાવતા હોય તેવો પસંદગીનો ક્રાઈટેરિયા જાળવી રાખવો, તેનો અમલ કરવો એ પણ લોકશાહીમાં ખરા અર્થમાં દેશ સેવા ગણાશે.