એન. એન. શાહ સ્કૂલ ખાતે યોજાનારા ‘મેઘાણી વંદના (કસુંબલ લોકડાયરો)માં ખ્યાતનામ લોકકલાકારો અભેસિંહ રાઠોડ, રાધાબેન વ્યાસ, નીલેશ પંડ્યા, હરિસિંહ સોલંકી અને પંકજ ભટ્ટ મેઘાણી-ગીતોની રમઝટ બોલાવશે: ઐતિહાસિક જન્મસ્થળ ખાતે ભાવાંજલિ અર્પણ થશે
જન્મસ્થળની સામે આવેલ સરકારી તાલુકા પુસ્તકાલય ખાતે સમગ્ર ‘મેઘાણી-સાહિત્ય’નું પુસ્તક પ્રદર્શન યોજાશે
મહાત્મા ગાંધીએ જેમને ‘રાષ્ટ્રીય શાયર’ના ગૌરવપૂર્ણ બિરુદથી નવાજેલા તેવા સમર્થ સાહિત્યકાર, લોકસાહિત્યકાર, સ્વાતંત્ર્ય-સેનાની અને સંનિષ્ઠ પત્રકાર ઝવેરચંદ મેઘાણીની ૧૨૩મી જન્મજયંતી ૨૮ ઓગસ્ટ ૨૦૧૯ ને બુધવારે એમની જન્મભૂમિ ચોટીલા ખાતે ત્રિવિધ કાર્યક્ર્મનું ભવ્ય આયોજન થયું છે.
સવારે ૯ (નવ) કલાકે ચોટીલા સ્થિત એન. એન. શાહ સ્કૂલ (મનહર પાર્કની આગળ, જૂની રેલ્વે-લાઈન પાસે) ખાતે ‘મેઘાણી વંદના’ (કસુંબલ લોકડાયરા)નું આયોજન કરાયું છે. નવી પેઢી આપણાં ગૌરવવંતા સાહિત્ય-લોકસાહિત્ય-સંસ્કૃતિની મહામૂલી વિરાસતથી પરિચિત-પ્રેરિત થાય એ આશયથી ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી તથા ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકી નાનકભાઈ મેઘાણી સ્થાપિત ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન દ્વારા આ પ્રેરક આયોજન કરાયું છે. ચોટીલા એજ્યુકેશન એન્ડ ચેરીટી ટ્રસ્ટનો પણ સહયોગ પ્રાપ્ત થયો છે.
શાળા-કોલેજના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી શકે તે માટે આ કાર્યક્ર્મ સવારે ૯ કલાકે યોજાશે. ગુજરાતના ખ્યાતનામ લોકગાયક અભેસિંહ રાઠોડ, રાધાબેન વ્યાસ અને નીલેશ પંડ્યા ઝવેરચંદ મેઘાણી રચિત-સંપાદિત ગીતો-લોકગીતો-ભજનોની રમઝટ બોલાવશે.
હાસ્યકાર હરિસિંહ સોલંકી, પોતાની આગવી શૈલીમાં, રસપ્રદ સંચાલન કરશે. જાણીતા સંગીતકાર પંકજ ભટ્ટનું સૂરીલું સંગીત નિયોજન છે. કસુંબીનો રંગ, મોર બની થનગાટ કરે, કોઈનો લાડકવાયો, શિવાજીનું હાલરડું, ચારણ-ક્ધયા, ભેટ્યે ઝૂલે છે તલવાર, ઓતરાદા વાયરા ઊઠો ઊઠો, આષાઢી સાંજનાં અંબર ગાજે જેવી ઝવેરચંદ મેઘાણીની અમર રચનાઓ રજૂ થશે. ચાંદો ઊગ્યો ચોકમાં, જોડે રહેજો રાજ, દાદા હો દીકરી, કાન તારી મોરલી, સવા બશેરનું મારું દાતરડું, આભમાં ઝીણી ઝબૂકે વીજળી, આવી રૂડી અંજવાળી રાત, માડી હું બાર બાર વરસે આવિયો, ના છડિયાં હથિયાર જેવાં લોકપ્રિય લોકગીતો પણ તેમના સંગ્રહ ‘રઢિયાળી રાત’ માંથી રજૂ થશે. જે હજી છાપખાનામાં હતી ત્યારે ઝવેરચંદ મેઘાણી આ દુનિયા છોડી ગયા હતા તે તેમની અંતિમ કૃતિ ‘સોરઠી સંતવાણીમાંથી ગંગા સતી, જેસલ-તોરલની પ્રાચીન અમરવાણી આ પ્રસંગે ખાસ આસ્વાદ-રૂપે રજૂ થશે. કાર્યક્ર્મને માણવા સહુ રસિકજનોને જાહેર નિમંત્રણ છે. વિશ્વભરમાં વસતાં ગુજરાતીઓ આ ભાવાંજલિ કાર્યક્ર્મને ઘર બેઠા નિહાળી શકે તે માટે તેનું ઈન્ટરનેટ પર જીવંત પ્રસારણ (વેબકાસ્ટ) http://www.eevents.tv/meghani/ પર થશે.
ઝવેરચંદ મેઘાણીના ઐતિહાસિક જન્મસ્થળ ખાતે ભાવાંજલિ અર્પણ થશે. ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના ગ્રંથાલય ખાતા દ્વારા જન્મસ્થળની સામે આવેલ સરકારી તાલુકા પુસ્તકાલય ખાતે સમગ્ર ‘મેઘાણી-સાહિત્ય પુસ્તક પ્રદર્શનનું પણ ખાસ આયોજન કરવામાં આવ્યું છે. વધુ વિગત માટે પિનાકી મેઘાણી (૯૮૨૫૦૨૧૨૭૯), કિરીટસિંહ રહેવર (૯૯૭૮૧૭૦૯૩૪)નો સંપર્ક કરી શકાશે.