રાજકોટમાં ચોર-લૂંટારાનો પડાવ
કુવાડવામાં રૂા.11 લાખની લૂંટનો ભેદ ઉકેલાય તે પહેલાં તસ્કરોએ તરખાટ મચાવતા ગ્રામ્ય વિસ્તારના રહીશોમાં ફફડાટ
હોળી-ધૂળેટીના તહેવાર નિમિતે વતનમાં જતા પરપ્રાંતિય મજુરો લૂંટ અને ચોરી કરતા હોવાની પોલીસને શંકા
શહેરી વિસ્તારમાં લૂંટ અને ચોરીની ઘટનાનો પોલીસ સીસીટીવી ફુટેજના આધારે ભેદ ઉકેલતી હોવાથી તસ્રો અને લૂંટારાઓએ ગ્રામ્ય વિસ્તારને નિશાન બનાવી લૂંટ અને ચોરીના ગુનાને અંજામ આપતા થતા પોલીસમાં દોડધામ મચી ગઇ છે. કુવાડવા ખાતે ગઇકાલે બે મકાનમાં થયેલી રુા.11 લાખની લૂંટની ઘટનાનો પોલીસ ભેદ ઉકેલે તે પહેલાં કુવાડવાના તરઘડીયા ખાતે આવેલા જાણીતા ત્રિ મંદિરને તસ્કરો ત્રાટકયા હતા. ધર્માદા પેટી અને બે બાઇકની ચોરી કરી પોલીસને પડકાર ફેકયો છે. આ ઉપરાંત ન્યારી રોડ પર આવેલા પ્લોટમાંથી રુા.90 હજારની મત્તાની અને વાવડી ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં કારખાનાની ઓફિસમાંથી રુા.1.90 લાખની રોકડની ચોરી થયાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ કુવાડવાના તરઘડીયા ખાતે આવેલા ત્રિ મંદિરમાં ઘુસેલા તસ્કરોએ બે ધર્માદા પેટી ઉઠાવી ગયા હતા. તેમાં અંદાજે રુા.25 હજારની રોકડ હોવાની 150 ફુટ રીંગ રોડ પર નવ જયોત પાર્કમાં રહેતા ભરતસિંહ જાદવે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. તસ્કરોએ બંને દાન પેટી ખાલી કરી બાજુના ખેતરમાં ફેંકી દીધી હતી. તેમજ મંદિરની બાજુમાં આવેલા કૃષિ કેન્દ્રના સહદેવબાઇ રાઠવા અને વિનોદભાઇ સુનેરાના રુા.60 હજારની કિંમતના બાઇકની ચોરી કરી હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે.
હરી ધવા માર્ગ પર ન્યુ સુભાષનગરમાં રહેતા ધવલભાઇ કિશોરભાઇ પટેલના ન્યારી રોડ પર આવેલા માઉન્ટ વિલા પ્લોટમાંથી રુા.90 હજારની કિંમતના એલ્યુમિનિયમ ફર્માની ચોરી થયાની અને મવડી ગામ રામધણ રોડ પર રાણી પાર્કમાં રહેતા મહેશભાઇ ચંદુભાઇ વાળાના વાવડી ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં આવેલા શ્રી ખોડીયાર એન્જિીનીયરીંગ વર્કસ નામના કારખાનાની ઓફિસના તસ્કરોએ તાળા તોડી રુા.1.50 લાખની રોકડની ચોરી કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે. હોળી-ધૂળેટીના તહેવાર દરમિયાન પરપ્રાંતિય મજુરો પોતાના વતનમાં જતા હોય છે ત્યારે ચોરી અને લૂંટ કરતા હોવાની શંકા સાથે પોલીસે વિવિધ દિશામાં તપાસનો ધમધમાટ શરુ કર્યો છે.