વૈષ્ણવાચાર્ય પૂ.પા. દ્વારકેશલાલજી પુષ્ટિતત્ત્વોનું પ્રેરણાપાન કરાવશે
ઉદયનગરમાં નવનિર્માણાધિન ચંપારણ્યધામ હવેલી ખાતે આયોજન: વૈષ્ણવો અબતકની શુભેચ્છા મુલાકાતે
રાજકોટના ૧૫૦ ફુટ રીંગ રોડ, મવડી બ્રીજ પાસેના ઉદયનગરમાં પુષ્ટિ સંસ્કારોનું સિંચન કરતી ચંપારણ્ય ધામ હવેલીના નવ નિર્માણના પરિપ્રેક્ષમાં તા. ૨૯, શુક્રવારથી તા. ૧ ડિસેમ્બર રવિવાર સુધી વ્રજના દિવ્ય પ્રેરમસની અમૃતધારા વર્ષાવતી રેણુ-વેણું-ઘેનું ત્રિદિવસીય કથાનું રાજકોટમાં પ્રથમ વખત આયોજન થયું છે. દરરોજ બપોરે ૩.૩૦ થી ૬.૩૦ જગદ્ગુરુ શ્રીમદ વલ્લભાચાર્ય પ્રાગટ્ય પીઠના ગૃહાધિપતિ પૂ. પા. ગો. ૧૦૮ દ્વારકેશલાલજી મહારાજ ભાગવતમાં પ્રતિબિંબિત થતાં પુષ્ટિ પંચતત્ત્વોને કેન્દ્રમાં રાખીને વ્રજની લીલાઓનું પ્રેમરસપાન કરાવશે.
કથા તથા અન્ય કાર્યક્રમોની વિગતો આપતાં દ્વારકેશ ગૃ્રપના વૈષ્ણવ શ્રેષ્ઠિઓ જણાવે છે કે, પૂ. પા. ગો. ૧૦૮ દ્વારકેશલાલજી મહારાજ ઉપર બિરાજતાં સ્વરૂપો ગોવર્ધનનાથજી, ગિરિરાજજી, બાલકૃષ્ણલાલજી અને મહાપ્રભુજી હાલ બેકબોન પાર્કમાં બિરાજે છે તે વાજતે ગાજતે નિજગૃહે પધારશે, તા. ૨૯ શુક્રવારે સવારે ૮.૩૦ વાગ્યે ઓમનગર સર્કલ સામે, સ્વામી નારાયણ મંદિર પાસે, ૧૫૦ ફુટ રીંગ રોડ, રાજકોટ ખાતેથી વર્ણાંગી વાજતે ગાજતે પ્રસ્થાન થશે.
સવારે ૯.૩૦ વાગ્યે નવનિર્માધિન ચંપારણ્ય ધામ હવેલી નું ભૂમિ પૂજન અને બપોરે ૩.૩૦ વાગ્યે પૂ.દ્વારકેશલાલજી મહારાજ ના હસ્તે દીપ પ્રાગટ્ય થશે.
ત્રણ દિવસના આ કથા સત્સંગ દરમ્યાન ચંપારણ્યધામ હવેલી ખાતે બ્રહ્મસંબંધ થશે. પૂ. મહારાજની પધરામણી તથા બ્રહ્મસંબંધ લેનાર ઈચ્છુક વૈષ્ણવોએ સમિતિનો સંપર્ક કરવા જણાવાયું છે.
હરિ ગુરૂ વૈષ્ણવોના સુખાર્થે ચંપારણ્યધામ હવેલીના નવ નિર્માણનો આરંભ થઈ ચૂક્યો છે, જેમાં પ્રભુના સુખાર્થે નિજમંદિર, ડોલ તિબારી, શૈયા મંદિર, ફૂલધર, રસોઈ ઘર, કૃષ્ણ ભંડાર, આચાર્ય નિવાસ, વૈષ્ણવોના ઉતારા, સત્સંગ હોલ, કિર્તન હોલ, બાલ પુષ્ટિ સિંચન પાઠશાળા, પુષ્ટિય સાહિત્ય તથા ગૌશાળા નિર્માણાધીન છે.
કાર્યક્રમની વિશેષ વિગતો માટે (મો.૯૪૨૭૨ ૨૦૮૩૯) તથા (મો. ૯૯૧૩૨ ૨૧૧૧૮) ઉપર સંપર્ક કરવો. આ કથા સત્સંગને સફળ બનાવવા વૈષ્ણવો પરસોતમભાઈ બાલઘા, ગાંડુભાઈ ડોબરીયા, વિઠલભાઈ ઉમરેટીયા, ભીખુભાઈ વીસપરા, ભરતભાઈ સાવલીયા, અમૃતલાલ કણસાગરા અને બાવનજીભાઈ ભાલોડીયાએ અબતકની શુભેચ્છા મુલાકાત લીધી હતી.