જામનગરમાં ૧૫ અને જામજોધપુરમાં ૪૫ની અટકાયત
જામનગર તથા જામજોધપુર માં મંજુરી વિના ત્રિરંગા યાત્રા તથા ટ્રેકટર રેલી કાઢનારા કોંગી આગેવાનો, કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી. જામનગરમાં ૧૫ કાર્યકરોની અને જામજોધપુરમાં ૪૫ની અટકાયત કરવામાં આવી હતી.જામનગર શહેર અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દ્વારા ૨૬મી જાન્યુઆરીના દિવસે ખેડૂતોના હિતમાં લીમડા લાઈનમાં જિલ્લા કોંગ્રેસ કાર્યાલયથી તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શહેર- જિલ્લાના કોંગ્રેસ અગ્રણીઓ ત્રિરંગા ધ્વજ સાથે જોડાયા હતા. જે તિરંગા યાત્રા કાઢવા માટે પોલીસની મંજૂરી માંગવામાં આવી હતી પરંતુ પોલીસ દ્વારા મંજૂરી અપાઈ ન હતી. તેમ છતાં પણ તિરંગા યાત્રા કાઢી હોવાથી જામનગરનું પોલીસ તંત્ર હરકતમાં આવ્યું હતું અને જામનગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જીવણભાઈ કુંભારવડીયા તેમજ શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા તથા ત્રણ પુર્વ માહિલા કોર્પોરેટરો સહિત ૧૫ કાર્યકરોની અટકાયત કરી લેવામાં આવી હતી.
આ સમયે કાર્યકરોએ ભારે સૂત્રોરચાર કર્યા હતા. પોલીસે તમામને વાહનમાં બેસાડી પોલીસ મથકે લઇ ગયા હતા અને તેઓ સામે બી.પી. એક્ટ ૬૮ મુજબ કાર્યવાહી કરવામાં આવી હતી. જોકે પાછળથી તમામને મુક્ત કરી દેવામાં આવ્યા છે. જિલ્લાના જામજોધપુરમાં ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિના નેજા હેઠળ ૨૬મી જાન્યુઆરીના દિવસે ખેડૂતોના સમર્થનમાં ટ્રેક્ટર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. અને જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્ય હેમતભાઈ ખવાની આગેવાની હેઠળ કોંગી કાર્યકરો ટ્રેક્ટર તથા અન્ય વાહનોમાં રેલી સ્વરૂપે જોડાયા હતા. જે રેલીની પોલીસ દ્વારા મંજૂરી આપવામાં આવી ન હોવાથી જામજોધપુર પોલીસ દ્વારા હેમતભાઈ ખવા સહિતના કોંગી આગેવાનો અને કાર્યકરો વગેરે મળી ૪૫ ની અટકાયત કરી લેવામાં આવી હતી અને પોલીસ મથકે લઇ જવાયા હતા. જે તમામ સામે જામજોધપુર પોલીસ મથકમાં બી.પી. એક્ટ મુજબ કાર્યવાહી કરવામાં આવી હતી. જોકે પાછળથી બાહેંધરી આપીને તમામને મુક્ત કરી દેવાયા છે.