કોરોના મહામારીને કારણે એક વર્ષ મોડેથી શરૂ થયેલા ટોક્યો ઓલિમ્પિકની ઓપનિંગ સેરેમની શરૂ થઈ ગઈ છે. સામાન્ય રીતે ઓપનિંગ સેરેમની અને તમામ દેશના ખેલાડીઓની માર્ચપાસ્ટ ઓલિમ્પિક ગેમ્સના મુખ્ય આકર્ષણમાંથી એક હોય છે. પરંતુ આ વખતે કોરોનાને કારણે માત્ર ૧૦૦૦ ખેલાડી અને અધિકારી જ આ કાર્યક્રમમાં હાજર છે. ઈન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટીના અનુમાન મુજબ વિશ્વભરમાં લગભગ ૩૫૦ કરોડ લોકો ટીવી, સ્માર્ટફોન, લેપટોપ જેવા ડિવાઈસ પર ઓપનિંગ સેરેમનીનું પ્રસારણ જોઈ રહ્યાં છે.
ખેલાડીઓની માર્ચપાસ્ટ ૧૮૯૬માં થયેલા પહેલા સમર ઓલિમ્પિક ગેમ્સના આયોજક ગ્રીસના દળની સાથે શરૂ થઈ. જે બાદ રેફ્યુજી ખેલાડીઓની માર્ચપાસ્ટ થઈ. ખેલાડીઓએ માર્ચપાસ્ટમાં ભારતીય દળના ૨૧માં નંબર પર આવ્યા. ભારતીય દળના માર્ચપાસ્ટમાં ખેલાડી અને અધિકારી મળીને ૨૫ સભ્યો સામેલ રહ્યાં.
ઓપનિંગ સેરેમની દરમિયાન ભારતીય હોકી ટીમના કેપ્ટન મનપ્રીત સિંહ અને બોક્સર એમસી મેરીકોમ ત્રિરંગો પકડીને ચાલતા હતા. આ વખતે ઓલિમ્પિકમાં લગભગ ૧૧,૨૩૮ ખેલાડીઓ ૩૩ રમતોમાં ૩૩૯ ગોલ્ડ માટે દાવેદારી રજૂ કરી રહ્યાં છે. કોરોનાના ખતરાને જોતા ઈન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનએ માત્ર ૨૦ ભારતીય એથેલીટ્સને ઓપનિંગ સેરેમનીમાં ભાગ લેવાની મંજૂરી આપવામાં આવી હતી.
આ ઉપરાંત ૬ અધિકારીઓને પણ તેમાં સામેલ થવાનું કહેવાયું હતું. સાથે જ જે ખેલાડીઓની ઈવેન્ટ ઓલિમ્પિકના પહેલાં દિવસે છે તેમને ભાગ ન લેવાનું કહેવામાં આવ્યું હતું. આ વખતે ઓલિમ્પિકમાં ભારતના ૧૨૪ એથેલીટ ભાગ લઈ રહ્યાં છે. જેમાંથી ૬૯ પુરૂષો અને ૫૫ મહિલા એથેલીટ અને બાકીના સ્ટાફ મેમ્બર્સ હશે. ભારતીય એથેલીટ આ વખતે ૮૫ મેડલ માટે પોતાની દાવેદારી રજૂ કરશે. ભારતની ઓપનિંગ સેરેમની માટે પુરુષ હોકી ટીમના કેપ્ટન મનપ્રીત સિંહ અને ૬ વખતની બોક્સિંગ વર્લ્ડ ચેમ્પિયન એમસી મેરીકોમને ધ્વજવાહક બનાવવામાં આવ્યા હતા.
ટોક્યો ઓલિમ્પિક સેરેમનીની શરૂઆત સામાન્ય ઓલિમ્પિક ગેમ્સથી બિલકુલ જ અલગ રહી. લગભગ ખાલી સ્ટેડિયમમાં સૌથી પહેલાં કોરોના મહામારીના કારણે વિશ્વભરમાં જીવ ગુમાવનારા લોકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી.
ઓલિમ્પિકમાં ભાગ લેનારા દરેક એથેલીટનું સપનું હોય છે મેડલ જીતવાનું. જીત મેળવ્યા બાદ એથેલીટને પોડિયમમાં મેડલ પહેરવામાં આવે છે. આ પ્રસંગ તેમના જીવનની સૌથી યાદગાર ક્ષણ બની જાય છે, પરંતુ કોરોના મહામારીને કારણે ટોક્યો ઓલિમ્પિકમાં આવું નહીં થાય. આ વખતે વિજેતા એથેલીટ પોતે જ પોતાના ગળામાં મેડલ પહેરવાનો રહેશે. સાથે જ મેડલ સેરેમની દરમિયાન એથેલીટના હાથ મેળવવા અને ગળે લાગવા પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.