ટ્રાફિક પોલીસમેનની બેઇજ્જતી કરી ત્રણેય શખ્સો ફરાર: ફરજમાં કાવટનો નોંધાતો ગુનો
નવરાત્રી દરમિયાન નશાખોરોને ઝડપી લેવા ૨૦૦ જેટલા બ્રેથએનેલાઇઝરની મદદથી સમગ્ર શહેરમાં સઘન પેટ્રોલિંગ કરી લોકો આરામથી નવરાત્રી માણી શકે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી હોવા છતાં નશો કરેલી હાલતમાં કાર સાથે પસાર થયેલા ત્રણ શખ્સોએ ટ્રાફિક પોલીસ સાથે માથાકૂટ કરી પોલીસ દ્વારા ગોઠવાયેલી વ્યવસ્થાના ધજીયા ઉડાડયા બાદ પોલીસે ત્રણેય શખ્સો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવતા રાહુલભાઇ હરેશભાઇ જળુ ગતરાતે લીંમડા ચોકમાં ફરજ પર હતા ત્યારે જી.જે.૩જેએલ. ૧૨૩૪ નંબરની ઇનોવા કારમાં ત્રણ શખ્સો પસાર થયા બાદ લીંમડા ચોકમાં વિના કારણે કાર ઉભી રાખી દંગલ મચાવતા ટ્રાફિક જામ થઇ ગયો હતો.
ટ્રાફિક પોલીસમેન રાહુલભાઇ જળુએ ટ્રાફિક ક્લિયર કરાવવા ઇનોવાને દુર કરવાનું કહેતા કારમાં આવેલા ત્રણેય નશાખોરોએ રાહુલભાઇ જળુ સાથે માથાકૂટ કરી જેમફાવે તેમ વાણી વિલાશ કરી ભાગી ગયા હતા. લીંમડા ચોકમાં તમાસો જોવા ટોળા એકઠાં થઇ ગયા હતા. કારમાં ગુજરાત પ્રદેશ ભાજપ સભ્ય લખ્યું હોવાનું જાણવા મળે છે.
સરા જાહેર પોલીસની બેઇજ્જતી કરી ત્રણેય શખ્સો ભાગી ગયા બાદ કાર નંબરના આધારે પોલીસે તપાસ કરતા કારમાં બીશુ વાળા હોવાનું બહાર આવતા રાહુલભાઇ જળુએ ત્રણેય સામે ફરજમાં કાવટ અંગેનો ગુનો નોંધી શોધખોળ હાથધરી છે.