ધરમનગર, વાણિયાવાડી, પંચશીલ સોસાયટી, પંચવટી મેઇન રોડ, કલેક્ટર ઓફિસ, સરદાર નગર, પુનિત નગર, રોયલ પાર્ક, મિલપરા, કરણ પાર્ક અને ગીતા નગરમાં વૃક્ષો ધરાશાયી:
150 ફૂટ રીંગ રોડ પરની સોસાયટીઓમાં ગોઠણડૂબ પાણી ભરાયા: જૂની જેલ પાસે દિવાલ ધરાશાયી
ભારે વરસાદના કારણે આજે બપોર સુધીમાં શહેરના અલગ-અલગ વિસ્તારોમાં 12 સ્થળોએ ઘેઘૂર વૃક્ષો ધરાશાયી થઇ ગયા હતા. વરસાદી પાણી ભરાયાની ફરિયાદોનો રિતસર ધોધ છૂટ્યો હતો. જૂની જેલ પાસે એક દિવાલ ધરાશાયી થઇ જવા પામી હતી. જો કે, કોઇ જાનહાની થવા પામી નથી. વરસાદે થોડી-થોડી વારે વિરામ લેતા તંત્ર સાથે લોકોને પણ રાહત મળી હતી. હજુ બે દિવસ ભારે વરસાદની આગાહી આપવામાં આવી હોવાના કારણે ફાયર બિગ્રેડનો 250 વ્યક્તિનો સ્ટાફ એલર્ટ મોડ પર આવી ગયો છે.
શહેર ગત મધરાતથી વરસી રહેલા ભારે વરસાદના કારણે ધરમનગર, વાણિયાવાડી, પંચશીલ સોસાયટી, પંચવટી મેઇન રોડ, કલેક્ટર ઓફિસ, સરદાર નગર, ગુજરાત હાઉસીંગ બોર્ડ, પુનિત નગર, કરણ પાર્ક, મિલપરા, રોયલ પાર્ક અને ગીતા નગરમાં 12 સ્થળોએ વૃક્ષો ધરાશાયી થઇ જવા પામ્યા હતા. મેઘો મધરાતે મંડાતા પાણી ભરાયાની ફરિયાદ સામાન્ય કરતા થોડી ઓછી નોંધાઇ હતી. જો કે સવારથી ફરી મેઘાનું જોર વધતાં શહેરમાં વરસાદી પાણી ભરાવવાની ફરિયાદોથી કંટ્રોલરૂમ સતત ધમધમતો રહ્યો હતો. 150 ફૂટ રીંગ રોડ પર બંને બાજુ આવેલી સોસાયટીઓમાં ગોઠણડૂબ વરસાદી પાણી ભરાયા હતા. દરમિયાન જિલ્લા ગાર્ડન પાસે જૂની જેલ નજીક રામનાથપરા વિસ્તારમાં એક મકાનની દિવાલ ધરાશાયી જવા પામી હતી. જેમાં એક વ્યક્તિને સામાન્ય ઇજા થવા પામી હતી. ઘનશ્યામ નગર-2માં વરસાદી પાણીનો નિકાલ ન થતાં અહીં ફાયર બ્રિગેડે પમ્પીંગ મશિનરી સાથે સ્ટાફ મોકલવાની ફરજ પડી હતી.