મોરંકડાના બે ભાઇના ડુંગર પર હરીયાળીનો શ્રેય વિઠ્ઠલ મુંગરાને શીરે
આજે વિશ્વ આખું ગ્લોબલ વોર્મિંગની સમસ્યાનો સામનો કરી રહ્યું છે. ગ્લોબલ વોર્મિંગથી બચવાનો એકમાત્ર ઉપાય છે વધુમાં વધુ વૃક્ષો ઉગાડવા, જો કે કેટલાક લોકો દ્વારા માત્ર ફોટો પડાવવા કે પછી દેખાડો કરવા માટે જ વૃક્ષો વાવે છે, જો કે ખરા અર્થમાં વૃક્ષોનો ઉછેર કરવો ખુબ જ જરૂરી હોઈ છે. અનેક એવા લોકો છે જેઓએ પ્રકૃતિનું મહત્વ સમજીને આ દિશામાં કામ કર્યું છે અને અન્ય લોકોને પણ જાગૃત કરી રહ્યા છે, જેમાં જામનગરમાં રહેતા વિઠ્ઠલભાઈ મુંગરાનો પણ સમાવેશ થાય છે. વિઠ્ઠલભાઈ દરરોજ વૃક્ષોને વંદન કરીને જ પોતાના દિવસની શરૂઆત કરે છે. આ પાછળનું કારણ છે તેમનો વૃક્ષો પ્રત્યેનો પ્રેમ. વિઠ્ઠલભાઈ છેલ્લા 18 વર્ષથી વૃક્ષો ઉગાડી રહ્યા છે અને ખરા અર્થમાં તેનું જતન પણ કરી રહ્યા છે. આ અંગે શું કહેવું છે વિઠ્ઠલભાઈનું આવો જાણીએ.
જામનગરથી માત્ર 10 કિલોમીટરથી દૂર મોરકંડા ગામ આવેલું છે. આ ગામની સિમમાં બે ભાઇના ડુંગર નામનો એક પથરાળ વિસ્તાર આવેલો છે. અહીં એક ડુંગર છે જેના પર ખોડિયાર માતાજીનું મંદિર છે. આજથી 18 વર્ષ પહેલા આ વિસ્તાર એકદમ વિરાન અને સુકોભટ્ટ હતો, જો કે વિઠ્ઠલભાઈ મુંગરા અહીં આવ્યા અને તેઓએ ધીમે ધીમે એક પછી અનેક વૃક્ષો ઉગાડ્યા અને તેનું જતન પણ કર્યું. ચોમાસાની ઋતુમાં આ વિસ્તાર સોળે કળાએ ખીલી ઉઠે છે અને પ્રકૃતિની સુંદરતાના અહીં દર્શન થાય છે. વિઠ્ઠલભાઈને વૃક્ષો પ્રત્યેનો લગાવ જોઈને વન વિભાગના અધિકારીઓ ચૌહાણભાઈએ પણ બનતી તમામ મદદ કરી, તો કેટલીક સંસ્થા દ્વારા પણ નાની મોટી મદદ કરવામાં આવી. આજે આ વિસ્તારમાં ચારે બાજુ લીલાછમ વૃક્ષો અને હરિયાળી જ દેખાઈ રહી છે.
પેંડા લેવાના પૈસા વૃક્ષો પાછળ વાપર્યાં
વિઠ્ઠલભાઈએ જણાવ્યું કે હું છેલ્લા 18 વર્ષથી વૃક્ષોની સેવા કરી રહ્યો છું. મને બાળપણથી જ વૃક્ષો પ્રત્યે ખુબ જ લગાવ છે. હું બ્રાસના એક કારખાનાનો માલિક છું, જે હાલ મારો પુત્ર સંભાળી રહ્યો છે. બે ભાઈના ડુંગર વિસ્તારમાં વૃક્ષો વાવવા અથાગ મહેનત કરી છે. વિવિધ સંસ્થાઓ અહીં વૃક્ષારોપણ કરી જતા રહે છે, પરંતુ આ વૃક્ષોનું જતન હું કરું છું. થોડા દિવસ પહેલા જ માતા પુત્રના ઘરે દીકરાનો જન્મ થયો હતો, ત્યારે માતા પુત્રએ કહ્યું કે 50 હજાર રૂપિયાના પેંડા લેવાના છે, ત્યારે મે તેને કહ્યું કે પેંડા લેવા કરતા તું આ પૈસા મને આપી દે તો પુત્રએ 50 હજાર રૂપિયા મને આપ્યા જે મે અહીં વૃક્ષો પાછળ ખર્ચ કર્યો. વિઠ્ઠલભાઈનું કહેવું છે કે તેઓ સવારે 7 વાગ્યે અહીં આવી જાય છે અને શરૂઆત વૃક્ષોને ગળે લગાવીને કરે છે. ત્યારબાદ વૃક્ષોને પાણી આપવાથી લઈને તમામ સમય વૃક્ષોના ઉછેર પાછળ પસાર કરે છે. એક સમયે વિરાન પડેલા આ વિસ્તારને લીલોછમ કરનારા વિઠ્ઠલભાઈ ખારા અર્થમાં વૃક્ષપ્રેમી છે. વિઠ્ઠલભાઈના કામની નોંધ લઈને અનેક સંસ્થાઓ પણ વૃક્ષો આપી જાય છે અને કેટલીક સંસ્થાઓ તો રોકડ રૂપિયા પણ આપે છે. વિઠ્ઠલભાઈ આ મદદથી વૃક્ષોનો ઉછેર કરી રહ્યા છે.