બિન અનામત આયોગ અધ્યક્ષ હંસરાજભાઈ ગજેરાના હસ્તે વૃક્ષારોપણ

કણકોટમાં ઉજવાયો જિલ્લા કક્ષાનો ૭૧મો વન મહોત્સવ

ગુજરાત રાજ્ય બિન અનામત આયોગના અધ્યક્ષ હંસરાજભાઇ ગજેરાએ રાજકોટ જિલ્લાના ૭૧માં જિલ્લા કક્ષાના વન મહોત્સવના શુભારંભ પ્રસંગે જણાવ્યું હતું કે પર્યાવરણના જતન માટે વૃક્ષોનું સંવર્ધન જરૂરી છે.

સમગ્ર રાજ્યમાં વૃક્ષોનું વાવેતર વિસ્તાર વધે અને જાહેર જનતામાં પર્યાવરણ અંગેની જાગૃતિ આવે તે હેતુસર આજે સમગ્ર રાજ્યના તમામ જિલ્લાઓમાં એકીસાથે ૭૧મો વન મહોત્સવ ઉજવાઈ રહ્યો છે જેની ઉજવણી રાજકોટના સામાજીક વનીકરણ વિભાગ દ્વારા કણકોટની આદર્શ નિવાસી શાળા ખાતે કરવામાં આવી હતી. આ પ્રસંગે અધ્યક્ષ ગજેરાએ વૃક્ષોનું મહત્વ સમજાવ્યું હતો અને ગ્લોબલ વોર્મિંગને અટકાવવા માટે વૃક્ષોના વધુને વધુ વાવેતર અને ઉછેર પર ભાર મૂક્યો હતો.

સરદાર પટેલ સહભાગી જળસંચય યોજનાના અધ્યક્ષ ડોકટર ભરત બોઘરાએ જાહેર જનતાને વન મહોત્સવમાં સામેલ થવા અનુરોધ કરતાં જણાવ્યું હતું કે પર્યાવરણની શુદ્ધિ માટે વૃક્ષોનું વાવેતર કરવું જરૂરી છે.  રાજકોટ જિલ્લામાં થઈ રહેલી વનીકરણની પ્રવૃત્તિઓની આંકડાકીય વિગતો ડોક્ટર બોઘરાએ રજૂ કરી હતી. રાજકોટ જિલ્લામાં વિવિધ સરકારી યોજનાઓ અન્વયે કુલ ૨૯, ૨૦૦ એકર જમીનમાં ૨,૭૭,૬૦૦ રોપાનું વાવેતર જુલાઈ ૨૦૨૦ સુધી કરવામાં આવ્યું છે જ્યારે વન મહોત્સવ નર્સરી યોજના હેઠળ ૧૬,૩૦,૦૦૦ રોપાઓ નો ઉછેર કરવામાં આવ્યો છે અને વિકેન્દ્રિત નર્સરી યોજના હેઠળ ૬,૭૫,૦૦૦ જાહેર જનતાના વાવેતર માટે ઉછેરવામાં આવ્યા છે.

ગાંધીનગરના અધિક અગ્ર મુખ્ય વન સંરક્ષક સંજીવ ત્યાગીએ સ્વાગત પ્રવચનમાં ઉપસ્થિત તમામ અધિકારીઓને આવકાર્યા હતા અને કાર્યક્રમની રૂપરેખા રજૂ કરી હતી. મહાનુભાવોએ કણકોટની આદર્શ નિવાસી શાળા ખાતે વૃક્ષારોપણ કર્યું હતું.

અમદાવાદ નવરંગપુરા હોસ્પિટલ ખાતે આ સર્જાયેલ દુર્ઘટનામાં અવસાન પામેલા નાગરિકો પ્રત્યે સંવેદના દર્શાવવા માટે આ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ વ્યક્તિઓએ બે મિનિટનું મૌન પાળ્યું હતું.

આ કાર્યક્રમમાં ધારાસભ્યો ગોવિંદભાઈ પટેલ અને લાખાભાઈ સાગઠીયા, અગ્રણી નાગદાનભાઈ ચાવડા, નિવાસી અધિક કલેકટર પરિમલ પંડ્યા, પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલ, તાલુકા વિકાસ અધિકારી ગણાત્રા, આસિસ્ટન્ટ ક્નઝર્વેટર ઓફ ફોરેસ્ટ તન્વાણી, રેન્જ ફોરેસ્ટ ઓફિસર જે.વી. ગાંગડીયા સહિત વનવિભાગના અધિકારીઓ તથા વૃક્ષપ્રેમી નાગરિકો ઉપસ્થિત રહ્યાં હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.