આગામી સમયમાં રાજકોટ સહિત દેશમાં સ્થપાનાર એઇમ્સ હોસ્પિટલમાં આયુષ હોસ્પિટલનો વિભાગ પણ કાર્યરત થશે: ડો.ઓઝા

‘અબતક’નો લોકપ્રિય કાર્યક્રમ ‘ચાય પે ચર્ચા’ અંતર્ગત જાણીતા આયુર્વેદાચાર્ય અને આયુર્વેદ યુનિવર્સિટી જામનગરના પૂર્વ કુલપતિ ડો.સંજીવ ઓઝાએ આયુર્વેદ શું છે? તેમજ આદ્યુનિક યુગમાં અતિ પ્રચલિત થયેલો શબ્દ મિક્સોપથી, આયુર્વેદ સારવાર દરમિયાન રીએક્શન ઉપરાંત બહારથી જાણેલું આયુર્વેદ અંગેનું આંધળુ અનુકરણ સહિત આયુર્વેદ સારવારને મેડિક્લેમમાં સમાવવા સહિતનો વાર્તાલાપ તાજેતરમાં ‘અબતક’ ચેનલ દ્વારા ટેલીકાસ્ટ કરવામાં આવ્યો હતો. તે વાર્તાલાપને અહીં સંક્ષિપ્તમાં રજૂ કરવામાં આવ્યો છે.

પ્રશ્ન : આયુર્વેદ શું છે?

જવાબ : ડો.સંજીવ ગુપ્તાએ આયુર્વેદના ઉદ્ભવસ્થાન અંગે પ્રકાશ પાડતાં આધ્યાત્મિકને વણી લઇ જણાવ્યું હતું કે સમુદ્ર મંથનની કથાથી મોટાભાગના લોકો જાણકાર હોય છે. જેમાં મંથન સમયે ભગવાન ધનવતરી અમૃતકુંભ સાથે ધનતેરસે પ્રગટ થયાં હતાં. ધનતેરસ એટલે ભગવાન ધનવતરીનો પ્રાગટ્ય દિવસ કે જેણે સ્વાસ્થ્ય, શાસ્ત્રો લોકો સમક્ષ મૂક્યો, જો કે સ્વાસ્થ્ય, શાસ્ત્રનો મૂળ અર્થમાં જોઇએ તો મનુષ્ય સ્વસ્થ કંઇ રીતે રહી શકે. જેમાં રોગ અને રોગીનો ઉપચારને ખાસ મહત્વ આપવામાં આવ્યું છે. સમયાંતરે ઋષિમુનિઓનું તપ અને શક્તિ સહિતનું આ આયુર્વેદ જે ચાર વેદ ઉપરાંતનો વેદ એટલે પંચમવેદ કે જેનો ઇતિહાસમાં પણ ઉલ્લેખ થયો છે. સ્વસ્થ વ્યક્તિ કોઇપણ પ્રકારે રોગી થાય, તેનો ઉપચાર યોગીકશક્તિના આધારે પ્રગટ થયો છે. આયુર્વેદ સદીઓ પૂરાણી ચિકિત્સા પદ્વતિ છે.

પ્રશ્ન : ‘મિક્સપથી’ આયુર્વેદમાં સર્જરી થઇ શકે કે કેમ?

જવાબ : તબીબી ક્ષેત્રે સાધારણ રીતે 235થી 250 વર્ષ પહેલાં એલોપેથી સારવારની શરૂઆત થઇ, તે પહેલાં સમગ્ર વિશ્ર્વમાં માનવજાતિનું જે અસ્તિત્વ હતું તેના રોગના ઉપચાર માટે જે પદ્વતિઓ અને તેમાં પણ ખાસ કરીને ભારતમાં અપનાવવામાં આવતી પરંપરાગત ચિકિત્સા એ પણ આયુર્વેદનો જ એકભાગ કહી શકાય. નેચરોપથી, નિસર્ગોપચાર વિશે મહાત્મા ગાંધીજીએ પણ પ્રચાર-પ્રસારની ઝુંબેશ શરૂ કરી હતી. જો કે, આયુર્વેદમાં મિક્સપથી શબ્દનો ઉપયોગ કરવો તે યોગ્ય ન કહી શકાય. જ્યારે આદ્યુનિક તબીબી વિજ્ઞાનના જ્ઞાતાઓને આયુર્વેદનું ઓછું જ્ઞાન હોય તો આરોપ, પ્રતિઆરોપ થઇ શકે ખરૂં. આયુર્વેદમાં આદિ અનાદીકાળથી શસ્ત્ર ક્રિયા ચાલી આવે છે. ડો.ઓઝાએ આયુર્વેદમાં શસ્ત્ર ચિકિત્સા અંગે વધુ પ્રકાશ પાડતાં જણાવ્યું હતું કે 1692માં પુના ખાતે નાકનું પ્રત્યારોપણ (ટ્રાન્સપ્લાન્ટ) થયું હતું. જે અંગ્રેજ ગેઝેટમાં પણ નોંધાયેલી ઘટના છે. તેઓએ એમ પણ કહ્યું હતું કે દરેક દેશની ચિકિત્સા પદ્વતિ સક્ષમ છે. માત્ર અંતર ઘટાડવાની આવશ્યકતા છે.

પ્રશ્ન : આયુર્વેદ સારવારમાં રિએક્શન થઇ શકે ખરીં?

જવાબ : ડો.ઓઝાએ રિએક્શન શબ્દને લઇ જણાવ્યું હતું કે કોઇપણ ક્રિયાની પ્રતિક્રિયા હોય જ છે. શરીરએ પંચમહાભૂતમાંથી બનેલું છે. તે રીતે આયુર્વેદમાં પણ (પંચમહાભૂત) પ્રાકૃતિક દ્રવ્યો બનાવવામાં આવે છે. જે દ્રવ્યો વ્યક્તિની ઉંમર, ખોરાક, વજન વગેરેના આધારે વૈદ્યના માર્ગદર્શન હેઠળ લેવામાં આવે તો રિએક્શન આવતું નથી પરંતુ કોઇપણ દ્રવ્ય, દવાનો અત્તિરેક કે સેવન કરવાથી નુકશાન થાય તે સ્વાભાવિક છે. તેમાં દ્રવ્ય કે ચિકિત્સક જવાબદાર નથી હોતા. નિષ્ણાંતોના કહેવા પ્રમાણે લેવામાં આવતા દ્રવ્યોથી ચોક્કસ ફાયદો મળે છે.

પ્રશ્ન : સોશિયલ મીડીયા કે અખબારમાં વાંચી આયુર્વેદ દવા લેવી કેટલી યોગ્ય છે?

જવાબ : આ બાબતે ડો.ઓઝાએ અનૂભૂત પ્રયોગ અને શાસ્ત્રોક્ત પ્રયોગનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે અનૂભૂત પ્રયોગમાં અનુભવના આધારે અપનાવવામાં, લેવામાં, લેવડાવવામાં આવતા દ્રવ્ય કારગત નિવડી શકે ખરા, જ્યારે શાસ્ત્રોક્ત પ્રયોગ તે વૈજ્ઞાનિક પદ્વતિને અનુસરે છે. સામાન્ય રીતે પ્રકૃતિને ધ્યાને રાખી અને અષૌધિ લેવી જોઇએ.

પ્રશ્ન : કોરોના મુક્તિમાં આયુર્વેદ કે એલોપથી વધુ કારગત?

જવાબ : ભારત કોરોના મુક્ત થવા જઇ રહ્યો છે ત્યારે એલોપથી અને આયુર્વેદ બંનેનો પુરૂષાર્થ રહ્યો છે. કોરોના કાળમાં આયુર્વેદ તજજ્ઞોએ પણ કુશળતા દાખવી છે. જો કે આ બાબતે કોરોનામાં એલોપથીની દવાઓ વધુ કારગત નિવડી કે આયુર્વેદના ઉકાળા? એવી દલીલ કરવા કરતાં બંનેએ સાથે મળી અને તેનું મૂલ્યાંકન કરી અને એ બાબતે વધુ સંશોધન કરવામાં આવે એ જરૂરી છે. જો કે, આ બાબતે ડો.ઓઝાએ વધુમાં જણાવ્યું હતું કે આગામી રાજકોટ સહિત વિવિધ સ્થળોએ સ્થપાનાર એઇમ્સ હોસ્પિટલમાં આયુષ હોસ્પિટલ પણ હશે કે જેમાં કેન્સરના દર્દીઓને અપાતી કિમોથેરાપીના રેડીએશનના સાઇડ ઇફેક્ટ કેમ ઘટાડી શકાય તે અંગે વધુ રિસર્ચ અને સારવાર થશે અને તેનો લાભ દર્દીઓને મળશે.

પ્રશ્ન : ‘આયુષ’નો મૂળ ક્ધસેપ્ટ શું?

જવાબ : 2009માં કેન્દ્ર સરકારના આરોગ્ય અને કુંટુંબ કલ્યાણ મંત્રાલયના એક વિભાગ તરીકે આયુષની સ્થાપના કરવામાં આવી હતી. સમયાંતરે 2011માં સ્વતંત્ર આયુષ મંત્રાલય કેન્દ્ર સરકાર દ્વારા બનાવવામાં આવ્યું. જેમાં ભારતની ચાર વિશેષ પદ્વતિઓ આયુર્વેદ, યોગા, પુનાની, સિદ્વ જેવી ચિકિત્સા પદ્વતિનો વ્યાપ વધારવામાં આવ્યો જ્યારે  હોમિયોપેથીનો ઉદ્ભવ ભારતમાં થયો નથી પરંતુ તેનો વ્યાપ ઘણો છે. સાધારણ રોગમાં આયુર્વેદ ઉપચાર ગ્રામીણ લોકોમાં પણ અતિ વિશ્ર્વાસુ બની રહ્યો.

પ્રશ્ન : મેડીક્લેમનો લાભ આયુર્વેદ સારવારમાં મળે છે?

જવાબ : ડો.ઓઝાએ જણાવ્યું હતું કે આ એક આનંદનો વિષય છે. એક કહેવત છે કે રાજ્યાશ્રય મળે તેનો જ્ઞાન સંપદાનો વિકાસ ઝડપી થાય. તેઓએ એમ પણ જણાવ્યું હતું કે 2014માં આયુર્વેદને વધુ પ્રાધાન્ય મળે એવા પ્રયાસો કરવામાં આવ્યા હતા, જે અવિરત ચાલુ છે. અગાઉ પંચકર્મો, નેચરોપથી વગેરે પદ્વતિમાં મેડીક્લેમ મળતો ન હતો પરંતુ હાલ આયુષ ચિકિત્સાની પાંચેય પદ્વતિઓની સારવાર મેડીક્લેમ અમલમાં આવ્યો છે. હવે આયુર્વેદ ચિકિત્સા સારવારમાં મેડીક્લેમ મળે છે. તે અંગેનો પ્રચાર-પ્રસાર છેવાડાના ગામડાંઓ સુધી પહોંચે અને લોકો તેનો લાભ લઇ શકે તેવી વ્યવસ્થા જરૂરી છે.

પ્રશ્ન : આયુર્વેદ સારવાર પ્રમાણમાં મોંઘુ છે?

જવાબ : ડો.ઓઝાએ આ બાબતે પ્રકાશ પાડતાં જણાવ્યું હતું કે સરકારી આયુર્વેદ હોસ્પિટલોમાં આ સારવાર વિનામૂલ્યે મળી રહે છે પરંતુ ખાનગી હોસ્પિટલો, દવાખાનાઓ, ચિકિત્સાલયોમાં આયુર્વેદ સારવારનો ખર્ચ ખૂબ વધુ થતો હોય તેવું લાગે તે સ્વાભાવિક છે. પરંતુ માણસ સ્વસ્થ રહે તેનાથી વિશેષ કંઇ હોય શકે નહીં અને ભારતીય ચિકિત્સાના આધારે આયુર્વેદમાં રોગને જડમૂળથી દૂર કરવાની ચિકિત્સા પ્રમાણમાં મોંઘુ કહી શકાય નહીં અને આ બાબતે સસ્તા, મોંઘામાં પડવાને બદલે સ્વસ્થતા તરફ ધ્યાન દેવું જરૂરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.