૩૧ માર્ચે સરકારી બીલના પેમેન્ટની ચુકવણીને પણ કોરોનાનું ગ્રહણ: બેન્કીગ કામગીરી ગુરૂવારે રૂટીન બનશે
૩૧ માર્ચ એટલે નાણાકીય વર્ષનો અંતિમ દિવસ હોવાથી બેન્કના કામકાજ બંધ રાખી વાર્ષિક હિસાબ સરભર કરવામાં આવે છે અને સરકારી કોન્ટ્રાકટરોના બીલના પેમેન્ટ માટે ચેક આપવામાં આવતા હોવાથી તિજોરી કચેરી ખાતે ૩૧ માર્ચે મોટો ઘસારો રહેતો હોય છે. ત્યારે કોરોના ચેપી વાયરસના કારણે જાહેર કરાયેલા લોક ડાઉનના કારણે તિજોરી કચેરી સુમસામ બની ગઇ છે.
૩૧ માર્ચ હિસાબી વર્ષના અંતિમ દિવસ અને ૧ એપ્રિલથી નવા બજેટ અનુસારની કાર્યવાહી ચાલુ થતી હોવાથી પુરા થતા વર્ષના હિસાબો પુરા કરવા અંતિમ દિવસે સરકારી કચેરીઓની ગ્રાન્ટ રીલીઝ કરવાનીહોવાથી તિજોરી કચેરીએ મોટી સંખ્યામાં બીલો આપવા માટે અને પેમેન્ટ લેવા માટે ઘસારો થતો હોય છે. પરંતુ આ વર્ષે ૩૧ માર્ચના અંતિમ દિવસે પણ તિજોરી કચેરીએ કાગડા ઉડી રહ્યા છે. બીલો સ્વીકારવાની મુદતમાં કોઇ પ્રકારનો વધારો કરવામાં આવ્યો ન હોવાથી તિજોરી કચેરીની ઠપ થયેલી કામગીરી સાથે કરોડોના બીલ અટકી ગયા છે. કોરોના વાયરસના કારણે થયેલા લોક ડાઉની કોન્ટ્રાકટરો છેલ્લા દસેક દિવસથી ફ્રી હોવાથી તેઓએ ૩૧ માર્ચની આગોતરી તૈયારી કરી પોતાના બીલ તિજોરી કચેરીમાં મોકલાવી દીધા હતા અને તિજોરી કચેરી દ્વારા બીલના ચેક ઓન લાઇન ટ્રાન્સફર કરાવવાની કાર્યવાહી કરી હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. શહેર અને જિલ્લામાં સરકારી કચેરીના બીલના પેમેન્ટ માટે બહુમાળી ભવનમાં આવેલી તિજોરી કચેરીમાં જુદી જુદી કચેરીના કર્મચારીઓના ઘસારો થતો હોવાથી પેમેન્ટ માટે ટોકન આપવા પડે છે. અને બહુમાળી ભવનના કેમ્પર્સમાં ભારે ભીડ થતી હોય છે. તિજોરી કચેરી રાતના બાર વાગ્યા સુધી ખુલ્લી રાખી ૧૬૦ કરોડી વધુના બીલની ચુકવણી કરવામાં આવતી હોવાથી પોલીસના બંદોબસ્તની પણ જરૂર પડતી હોય છે ત્યારે કોરોનાના કારણે નાણાકીય વર્ષના અંતિમ દિવસે તિજોરી કચેરીએ કાગડા ઉડતા હતા. સરકાર દ્વારા બીલની મુદતમાં વધારાની કોઇ સુચના આપવામાં આવી ન હોવાથી પેમેન્ટ મુદે અનેક વિભાગો અવઢવમાં આવી ગયા છે.
લોક ડાઉનના કારણે કોન્ટ્રાકટરો પોતાના બીલ સમય મર્યાદામાં લાગુ કચેરી સુધી પહોચાડી શકયા ન હોવાથી તેઓના બીલ અટકી ગયાનું સુત્રો જણાવી રહ્યા છે.
બહુમાળી ભવન ખાતે આવેલી તિજોરી કચેરીમાં રૂટીન દિવસોમાં ૨૦૦૦ ચેક ક્લિયરીંગ માટે આવતા હોય છે. અને કરોડોની વ્યવહાર થતા હોય છે. ત્યારે વર્ષના અંતિમ દિવસ ૩૧ માર્ચે તિજોરી કચેરી ખાતે રાતના બાર વાગ્યા સુધી કામગીરી કરી મોટી સંખ્યામાં ચેક ક્લિયરીંગ માટે મોકલવામાં આવે છે. ત્યારે કોરોનાના કારણે દરરોજના ૫૦૦ ચેક ક્લિયરીંગમાં આવે છે. અને ૩૧ માર્ચેના દિવસે પણ ચેકની સંખ્યા ઘણી ઓછી રહી છે.
કોરોનાના કારણે તિજોરી કચેરીના કર્મચારીઓ તેમજ લાગુ કચેરીના કર્મચારીઓને સોશ્યલ ડીસ્ટન્સ જાળવવું ફરજીયાત બનાવ્યું છે. અને તિજોરી કેચરી ખાતે સેનેટાઇઝર સહિતની સુવિધા ઉભી કરવા સાથે તકેદારીના તમામ પગલા લેવામાં આવ્યા છે. તેમજ છતા દર વર્ષની સરખામણીએ તિજોરી કચેરીએ પેમેન્ટ માટે ઘસારો ઓછો રહ્યો છે. નવા નાણાકીય વર્ષ બેન્કના આખા વર્ષના હિસાબો કલોઝ કરવાના હોય છે જેની કામગીરી મંગળવાર સાંજના છ વાગ્યાથી શરૂ થશે અને જે કામગીરી બુધવારે પણ ચાલુ રાખવાની હોવાથી બુધવારે અરજદારો સાથે કોઇ લેવડ દેવડ કરવામાં આવશે નહી અને ગુરૂવારથી બેન્કીંગ કામગીરી રાબેતા મુજબ ચાલુ રાખવામાં આવનાર હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.