- હાથશાળ-ગૃહ ઉદ્યોગની વસ્તુને અપાયું ખાસ પ્રાધાન્ય ‘નેશનલ હેન્ડલૂમ ડે’ની ઉજવણી
નેશનલ હેન્ડલુમ ડે નિમિતે રાજકોટમાં કેકેવી હોલ ખાતે વન ડિસ્ટ્રીકટ વન પ્રોડકટ હસ્તકલા અને સમૃધ્ધ વેચાણ એકઝીબિશન તા.27 થી 7 ઓગષ્ટ સુધી ખુલ્લુ રહેશે જે અંતર્ગત કચ્છ સહિતના પ્રદેશોમાંથી કલેકશન લઈને વેપારીઓ આવ્યા હતા જેમાં બહોળા પ્રમાણમાં વેરાયટીઓ ઉપલબ્ધ છે. સાડી ડ્રેસ ચણીયાચોલી, શાલ, વુડન આઈટમ્સ, પર્સ, કચ્છી મોજડી સહિતની અવનવી વસ્તુઓ ઉપલબ્ધ બની છે.
તેમાં પણ ખાસ કચ્છી વેરાયટી પાટણના પટોળા, બાંધણી લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યું હતુ. ખાસ તો નવરાત્રી નજીક આવી રહી છે. ત્યારે આ તહેવારને લઈને તમામ કલેકશન અહિયા જોવા મળી રહ્યું છે. વિશેષ કચ્છ, પાટણ તેમજ અન્ય શહેરોમાંથી આવેલા કારીગરો ને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ખાસ તો હેન્ડીક્રાફટની કલાને વિશેષ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે.
કચ્છી-રાજકોટીયન્સ માટે અવનવી વસ્તુનો ખજાનો લાવ્યા: કૃપા આહીર
કૃપા આહીરે જણાવ્યું હતુ કે, હું કચ્છથી અહી આવી છું જેમાં હાથેથી બનાવેલી વસ્તુઓ જે યુવાનોને પસંદ પડે એ માટે સુંદર નવરાત્રીમાં તથા વેડીંગ ફંકશનમાં પહેરી શકાય છે. શુધ્ધ કાપડનો ઉપયોગ કરવામાં આવે છે. રાજકોટની શોખીન પ્રજા માટે અવનવી ચીજ વસ્તુઓ લાવ્યા છીએ જેમાં ચણીયાચોલી જેકેટ, પટ્ટાઓ સહિતની ભાત ભાતની વસ્તુઓ આકર્ષણનું કેન્દ્ર બનશે.
સરકારની યોજના થકી અમને એક પ્લેટફોર્મ મળ્યું: શીતલ ત્રિવેદી
અબતક સાથેની વાતચીતમાં શીતલ ત્રિવેદીએ જણાવ્યું હતુ કે ગરવી ગુર્જરીના એકઝીબિશનમાં અમારી પ્રોડકટ લઈને આવ્યા છીએ. સરકારની યોજના થકી અમને એક પ્લેટફોર્મ મળ્યું છે. વસ્તુઓ જે હાથેથી બનાવી છે જેમાં મિરરવર્ક, ચણીયાચોળી બનાવી સાડીમાં હેન્ડવર્ક સહિતના કામો કરીએ છીએ. અહી અમારી વસ્તુઓનું વેચાણ સારી રીતે થાય છે. અને નફો પણ મળી રહે છે.