ત્રણ ઝોન દ્વારા રેલ મંત્રાલયને જુદી જુદી કેટેગરીમાં ડિસ્કાઉન્ટની બ્લૂપ્રિન્ટ પ્રસ્તાવિત કરી દેવાઈ: હવે ૩૧મી ડિસેમ્બરે ડિસ્કાઉન્ટની ઘોષણા થશે
ટ્રેનની ટિકિટમાં ભાવવધારાનીજેમ ભાવઘટાડો પણ થશે!
હવે ટ્રેનની ટીકીટમાં ભાવવધારાની જેમ ભાવઘટાડો પણ થશે !!! જી હા, જેમ સિનેમાઘરોમાં મેટીની શો (બપોરના ૧૨ વાગ્યાનો શો)માં ટીકીટના ચોકકસ ઘટાડેલા દર હોય છે તેમ તેની તર્જ પર જ હવે ભારતીય રેલવે પણ અમુક કટાણા (ઓડ અવર્સ)ની કે ચોકકસ સમયની ટ્રેનોમાં મુસાફરોને ભાવઘટાડાનો એટલે કે ડિસ્કાઉન્ટનો લાભ આપશે. ત્રણ રેલવે ઝોન દ્વારા વધુને વધુ મુસાફરો મેળવવા ઉત્સવો જેવા કે દિવાળી, દુર્ગા પુજા, ઈદ, ક્રિસમસ, બૈશાખી, પોંગલ વગેરે દરમિયાન ૧૦ થી ૨૦ના ડિસ્કાઉન્ટ સાથેનો પ્રીમીયમ ચાર્જ રાખવાની દરખાસ્ત કરવામાં આવી છે.
રેલવે મંત્રી પિયુષ ગોયલે જણાવ્યું હતું કે, ત્રણ રેલવે ઝોનનો આ પ્રસ્તાવ આવકારદાયક છે. ઓડ અવર્સ એટલે કે જયારે ટ્રેનમાં ખાસ ટ્રાફિક ન હોય તેવા સમયે પણ મુસાફરોને ડિસ્કાઉન્ટ આપવા વિચારણા ચાલી રહી છે. આ બારામાં ૩૧મી ડિસેમ્બર ૨૦૧૭ના રોજ અંતિમ નિર્ણય લેવાશે. સાથો સાથ કઈ ટ્રેનોમાં કયા સમયે કેટલું ટીકીટમાં ડિસ્કાઉન્ટ અપાશે તેની વિગતો પણ જાહેર કરાશે. જેમ એરલાઈન કંપનીઓ ફેસ્ટીવલ સીઝન દરમિયાન ટીકીટમાં સ્પેશિયલ રેટ કે ડિસ્કાઉન્ટ અથવા પેકેજ જાહેર કરે છે તે રીતે હવે રેલવેએ પણ મુસાફરોને આકર્ષીને આવક વધારવા આયોજન કર્યું છે.
રેલવેના ત્રણેય ઝોન પશ્ર્ચિમ, પૂર્વ અને ઉતર સાથે દક્ષિણ ઝોન હજુ જોડાયું નથી પરંતુ ત્રણેય ઝોને પોતાના પ્રસ્તાવમાં અલગ અલગ કેટેગરીમાં ડિસ્કાઉન્ટની બ્લુપ્રિન્ટ રેલ મંત્રાલયને સોંપી દીધી છે. હવે ૩૧મી ડિસેમ્બરે નિર્ણય લેવાઈ જશે. ટૂંકમાં રેલ મુસાફરોને બખ્ખા થઈ જવાના છે.