પેજ સમિતિના કાર્યક્રમ અંતર્ગત 67 લાખ ફોર્મ ભરાઇને આવ્યા: ધારાસભ્યો અને સંસદ સભ્યોને ગ્રાન્ટનો પ્રજાલક્ષી વિકાસકાર્યોમાં ઉપયોગ કરવાની પ્રદેશ પ્રમુખની તાકીદ
સુરત ખાતે આજે ગુજરાત પ્રદેશ ભાજપની બે દિવસીય કારોબારી બેઠકનો પ્રારંભ થઇ ચુક્યો છે. જેમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલે કારોબારીમાં ઉ5સ્થિત આગેવાનોને સંબોધતા જણાવ્યું હતું કે સંગઠનને મજબૂત બનાવવા માટે બે વર્ષના કાર્યકાળમાં તેઓએ 1.32 લાખ કિલોમીટરનો સંગઠાત્મક પ્રવાસ કર્યો છે. પૃથ્વીની પ્રદક્ષિણા કરતા 40 હજાર કિલોમીટર થાય છે. ત્રણ વખત પૃથ્વીની પ્રદક્ષિણા કરી શકાય તેટલો પ્રવાસ કરવામાં આવ્યો છે. આટલું જ નહિં ચંદ્ર ઉપર જવા કરતા ત્રીજા ભાગનું અંતર કાપ્યું છે.
તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે ભાજપની પેજ સમિતિ અને પેજ પ્રમુખ માત્ર રાજકીય વ્યવસ્થા કે ચૂંટણીલક્ષી કાર્યો માટે નહિં પરંતુ સામાજીક વ્યવસ્થામાં ઉપયોગી કાર્ય કરી શકાય તે માટે છે. રાજ્યમાંથી 68 લાખ પેજ સમિતિના ફોર્મ ભરાઇને આવ્યા છે. વન ડે, વન ડિસ્ટ્રીક્ટ પ્રયોગ દેશમાં પ્રથમવાર ગુજરાતમાં ભાજપે શરૂ કર્યો છે. જેની રાષ્ટ્રીય કાર્યકારિણીમાં ખૂદ વડાપ્રધાને સરાહના કરી છે અને રાષ્ટ્રવ્યાપી આવો કાર્યક્રમ કરવા માટે આહવાન કર્યું છે. પહેલી વખત ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા સદસ્યતા અભિયાન માટેનું નવું થીમ સોંગ લોન્ચ કરવામાં આવ્યું છે. છેલ્લા વર્ષમાં અધ્યક્ષ તરીકેના મારા કાર્યકાળમાં 1.32 લાખ કિલોમીટરનો સંગઠાત્મક પ્રવાસ ખેડવવામાં આવ્યો છે. 841 કાર્યક્રમોમાં સામેલ થયો છું. રાજ્યના 33 જિલ્લા અને 8 મહાનગરોમાં પ્રવાસ કર્યો છે.
પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે વધુમાં ઉમેર્યું હતું કે વિધાનસભાની તમામ 182 બેઠકો માટે પ્રભારીઓની નિમણૂંક કરવામાં આવી છે. પ્રદેશ આગેવાનો દ્વારા આ પ્રભારીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું છે. અલ્પકાલીન વિસ્તારકો દ્વારા 8,500 શક્તિ કેન્દ્રોમાં બૂથના કાર્યકરો અને પદાધિકારીઓ સાથે સંપર્ક કરવામાં આવ્યો છે. 35 વર્ષથી નીચેના યુવાનો વિસ્તારકો તરીકે ઉત્સાહભેર જોડાઇ રહ્યા છે. ભાજપના ધારાસભ્યો અને સાંસદોને ત્વરીત પોતાનો ગ્રાન્ટનો વિકાસ કાર્યો માટે ઉપયોગ કરવા તેઓએ અપિલ કરી હતી.
તેમણે ઉમેર્યું હતું કે પ્રદેશ સંગઠન દ્વારા ચૂંટણી પ્રક્રિયાને લગતા તમામ ડેટા બેઇઝ માહિતી એક જ સ્ક્રીન અને એક જ ક્લીક ઉપર જોઇ શકે તે માટે નવી એપ્લીકેશન બનાવવામાં આવી છે. પોલીટીકલ સંગઠનમાં દેશભરમાં આ પ્રથમ પ્રયોગ છે. સંગઠનના તમામ કાર્યકર્તાઓના અને ગુજરાતના મતદારોના ડેટા એકત્રિત કરવામાં આવ્યા છે. વડાપ્રધાન જ્યારે ગુજરાતના પ્રવાસે આવે ત્યારે પણ તેમાં જંગી ભારે મેદની ઉમટી પડે છે. માત્ર રાજકીય નહિં પરંતુ સહકારી સંસ્થાઓમાં ભાજપનો દબદબો વધી રહ્યો છે. ગુજરાતની 360માંથી 212 સહકારી સંસ્થાઓની પેનલ ભાજપ સમર્પિત છે. પ્રથમ વખત સહકારી ક્ષેત્રમાં પાર્ટીના મેન્ડેટની પ્રથા દાખલ કરવામાં આવી જેના પરિણામે 171 સંસ્થાઓમાં 170 સંસ્થાઓમાં ભાજપનો વિજય થયો હતો. વિધાનસભાની આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખી કાર્યકર્તાઓને ખંત સાથે કામે લાગી જવા તેઓએ તાકીદ કરી હતી.
બે દાયકા પૂર્વેના ગુજરાત અને આજના ગુજરાતની સમિક્ષા કરો: જીતુભાઇ વાઘાણી
રાજ્ય સરકારના શિક્ષણ મંત્રી અને પ્રવક્તા જીતુભાઇ વાઘાણીએ આજે પ્રદેશ ભાજપની કારોબારી બેઠકમાં વંદે ગુજરાત વિકાસ યાત્રા અંગે વિસ્તૃત માહિતી આપી હતી. તેઓએ જણાવ્યું હતું કે ગત 5 જુલાઇના રોજ મુખ્યમંત્રી દ્વારા વંદે ગુજરાત વિકાસ યાત્રા શરૂ કરવામાં આવી હતી. આજ સુધીમાં 2500થી વધુ વિકાસ કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા છે. વિવિધ ક્ષેત્રમાં થયેલી કામગીરીનો આ વિકાસ યાત્રામાં આવરી લેવામાં આવ્યા છે. બે દાયકા પહેલાના ગુજરાત અને હાલના ગુજરાતની સમિક્ષા કરવા માટે તેઓએ તમામને આહવાન કર્યું હતું. સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી ક્વીઝ સ્પર્ધા અંગે પણ વિસ્તૃત માહિતી તેઓએ આપી હતી.