લોકડાઉન દરમિયાન દેશને રૂ.૭ થી ૮ લાખ કરોડના તોતીંગ નુકશાનની દહેશત વ્યકત કરતા નિષ્ણાંતો
કોરોના વાયરસને રોકવા માટે અમલમાં મુકાયેલા ૨૧ દિવસના લોકડાઉનના કારણે ટ્રાન્સપોર્ટ, હોટલ-રેસ્ટોરન્ટ અને રિયલ એસ્ટેટ સેકટર મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. ૨૧ દિવસના લોકડાઉનના પગલે દેશના કરોડરજ્જુ સમાન આ સેકટરની કમર ભાંગી ચૂકી છે. આંકડા મુજબ ૨૧ દિવસમાં ભારતીય અર્થતંત્રને રૂા.૭ થી ૮ લાખ કરોડ જેટલી તોતીંગ નુકશાની થઈ છે. જનજીવન થંભી ગયું હોવાથી દેશમાં વેપાર-ઉદ્યોગોને ભારે ગંભીર અસર થઈ છે.
ગત તા.૨૫ માર્ચના રોજ વડાપ્રધાન મોદીએ દેશ વ્યાપી લોકડાઉનની જાહેરાત કરી હતી. આ લોકડાઉનના કારણે દેશના અર્થતંત્રને લગતી ૭૦ ટકા ગતિવિધિઓ પણ લોક થઈ ગઈ હતી. મુડી રોકાણ, આયાત-નિકાસને ગંભીર ફટકો પડ્યો હતો. કૃષિ, ખાણ ખનીજ અને યુટીલીટીને સંલગ્ન સેવાઓને જ લોકડાઉનમાં રાહત મળી હતી. જો કે, આઈટી સેવાઓ અને ફાયનાન્સીયલ સેકટર શરૂ હોવા છતાં મંદી જોવા મળી હતી. અલબત થોડા સમય પૂર્વે મોનેટરી અને ફિશ્કલ મુદ્દે સરકારે લીધેલા પગલાના કારણે ઈકોનોમી મરણ પથારીએ પટકાતા અટકી હતી. આવા સંજોગોમાં એપ્રીલ ૨૦૨૦થી માર્ચ ૨૦૨૧ સુધીના નાણાકીય વર્ષમાં વિકાસદર એક આંકડાનો રહે તેવી દહેશત છે.
તાજેતરમાં એક્વિટ રેટીંગ એન્ડ રિસર્ચ લીમીટેડ દ્વારા ભારતીય અર્થતંત્રને લોકડાઉનના કારણે થનારા નુકશાન અંગે સર્વે કરવામાં આવ્યો હતો. આ સર્વે પરથી ફલીત થયું હતું કે, દેશના અર્થતંત્રને ૨૧ દિવસના લોકડાઉન દરમિયાન દરરોજ રૂા.૩૫ હજાર કરોડનું નુકશાન થઈ રહ્યું હતું. ૨૧ દિવસમાં સરેરાશ રૂા.૭.૫ લાખ કરોડની ખોટ અર્થતંત્રને ગઈ હતી. લોકડાઉનની અમલવારી પૂર્ણ થશે કે નહીં તેવી ગડમથલ વચ્ચે ટ્રાન્સપોર્ટ, હોટલ-રેસ્ટોરન્ટ અને રિયલ એસ્ટેટ સેકટરને ભારે નુકશાન થયું છે. લોકડાઉનના પ્રથમ ૧૫ દિવસમાં ટ્રાન્સપોર્ટ ઈન્ડસ્ટ્રીઝને ૩૫૨૦૦ કરોડનું નુકશાન થયું હોવાનું આંકડા કહી રહ્યાં છે.
રિયલ એસ્ટેટ સેકટરને રૂ.૧ લાખ કરોડનો ફટકો
નેશનલ રિયલ એસ્ટેટ ડેવલોપમેન્ટ કાઉન્સીલના મત મુજબ રિયલ એસ્ટેટ સેકટરને રૂા.૧ લાખ કરોડનું નુકશાન કોરોનાના કારણે થયું છે. આ નુકશાનનો આંકડો વધુ પણ હોય શકે તેવી દહેશત ડેવલોપમેન્ટ કાઉન્સીલના પ્રમુખ નિરંજન હિરાનંદાણી વ્યકત કરી ચૂકયા છે. કોરોના વાયરસના કારણે રિયલ એસ્ટેટ સેકટર સદંતર મંદીમાં ધકેલાઈ ગયું છે. આ સેકટરના લગભગ તમામ પ્રોજેકટ લોકડાઉનના કારણે ૨૧ દિવસથી બંધ હોવાથી હાલત કફોડી બની ચૂકી છે.
વિકાસદર ૧.૫ ટકાથી ૨.૮ ટકા વચ્ચે રહેશે: વર્લ્ડ બેંક
કોરોનાની મહામારીના કારણે ભારતીય અર્થતંત્રનો વિકાસદર ૧.૫ ટકાથી ૨.૮ ટકા વચ્ચે રહેશે તેવો દાવો વર્લ્ડ બેંક દ્વારા થયો છે. ૨૦૨૦-૨૧ નાણાકીય વર્ષમાં ભારતીય અર્થતંત્ર ૧૯૯૧ બાદ સૌથી નીચો વિકાસદરનો અનુભવ કરશે તેવું પણ નિષ્ણાંતોનું માનવું છે. વિકાસદર ઘટશે તો આગામી સમય ભારતીય અર્થતંત્ર માટે ખુબજ મોટી મુશ્કેલી ઉભી કરશે.