બ્લોગીંગ સહિતના સોશિયલ મીડિયા ટૂલ પર એક્ટિવ છે પાયલ
વારલી, મિથાલી, પિઠોતર, મઢ વર્ક, બામ્બુ હેન્ડવર્ક સહિતની હસ્તકલામાં પારંગત રાજકોટની યુવા ટ્રાન્સજેન્ડર પાયલ રાઠવાને કોરોનાની બે લહેર બાદ રાજકોટની પ્રખ્યાત ’ચિત્ર નગરી” સક્રિય થતા હવે દીવાલો પર ભાતીગળ કલાના કામણ પાથરવાનું કામ પુન: મળવા લાગ્યુ છે.
આજીવિકા શરુ થતા સ્વમાનભેર જીવન જીવી અન્ય ટ્રાન્સજેન્ડરને પ્રેરણા પુરી પાડી રહેલી પાયલ કહે છે કે, અમે આદિવાસી પરિવારમાથી આવતા હોઈ વારલી પેન્ટિંગ વારસામાં મળેલું. જેનો ઉપયોગ કર્યો જીવન નિર્વાહ ચલાવવા. ભાતીગળ કલા વારલી પેન્ટિંગને દીવાલો પર બોલતી કરતી પાયલને સાથ મળ્યો ચિત્ર નગરી પ્રોજેક્ટનો. સાથોસાથ પાયલને હોટેલ, રેસ્ટોરાં અને કેટલાક ઘરની દીવાલને કંડારવાની પણ તક મળી. તેને મિથાલી, પિઠોતર, મઢ વર્ક, બામ્બુ હેન્ડવર્ક સહીતની કલાની કામગીરી પણ ફાવે છે.
ભવિષ્યમાં પોતાની આર્ટ શોપ્પી ખોલવાના સ્વપ્ન સેવતી પાયલને રાજકોટની આલાપ ગ્રીન સોસાયટી ખાતે કોરોના મહામારી બાદ કામ મળ્યું છે.
રાજ્ય સરકાર દ્વારા ટ્રાન્સજેન્ડરને ખાસ ઓળખ કાર્ડ આપવામાં આવે છે. જેના થકી અમને વિશેષ ઓળખ અને સન્માન મળ્યું છે. સાથે માસિક પેન્શન પણ રાજ્યસરકાર દ્વારા આપવામાં આવે છે જેને આવકારતા તેણી રાજ્ય સરકારનો આભાર માને છે.