રાજકોટના ડેપ્યુટી કમિશનર ઓફ ઈન્કમટેકસ ચેતન કાચાની જામનગર ખાતે બદલી
આવકવેરા વિભાગમાં હાલ જે રીતે ધરખમ ફેરફારો થયા છે તેને ધ્યાને લઈ રાજયનાં આવકવેરા વિભાગમાં પણ ધરખમ ફેરફારો થયા છે જેમાં બોર્ડે ૯૧ આસીસ્ટન્ટ કમિશનરોની બદલી પણ કરી છે. રાજકોટ રેન્જની જો વાત કરવામાં આવે તો ડેપ્યુટી કમિશનર ઓફ ઈન્કમટેકસ તરીકે પદભાર સંભાળી રહેલા ચેતન કાચા, એચ.પી.જોશી અને રોહિત વર્માને જામનગર, જુનાગઢ અને સુરત ખાતે બદલી કરવામાં આવી છે જયારે રાજકોટમાં સમીર મેકવાણ, વિવેક જોહરી, હરિશ મિતલ, પ્રકાશ ભટ્ટ, આદર્શ તિવારી, એમ.ડી.પટેલ અને મનિષ અજુડિયાની નિમણુક પણ કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.
જે રીતે આવકવેરા વિભાગમાં બદલાવો જોવા મળ્યા છે તેને લઈ આગામી સમયમાં પણ ઘણાખરા ફેરબદલ કરવામાં આવશે તેવું માનવામાં પણ આવી રહ્યું છે.
સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેકટ ટેકસીસ એટલે કે સીબીડીટીએ આવકવેરા વિભાગનાં નિયમોમાં જે કેશલેસ અસેસમેન્ટ માટેના નવા નિયમો લાગુ કર્યા છે તેનાથી નેશનલ ઈ-અસેસમેન્ટ સેન્ટર અને રીઝયોનલ ઈ-અસેસમેન્ટ સેન્ટર ઉભા કરવા માટે અનેકવિધ કર્મચારીઓની બદલી કરવામાં આવી હોય તેવું સ્પષ્ટપણે માનવામાં આવ્યું છે. રેન્જના અધિકારીઓને અસેસમેન્ટ સેન્ટરો ખાતે બદલવા માટેની કાર્યવાહી બોર્ડ દ્વારા હાલ હાથ ધરવામાં આવી હોવાનું પણ સામે આવ્યું છે જેના પરિણામરૂપે રાજયનાં ૯૧ ઈન્કમટેકસનાં આસીસ્ટન્ટ કમિશનરોની બદલી થઈ હોવાનું પણ સામે આવ્યું છે. રાજકોટ રેન્જમાં ઘણાખરા ફેરબદલો જોવા મળતા હવે પ્રશ્ર્ન એ ઉદભવિત થયો છે કે રાજકોટ રેન્જ કર્મચારીઓની અછત હેઠળ કાર્ય કરતી હતી ત્યારે બદલીઓ થવાના કારણે સ્ટાફની ભરતી અને પડતર કામોનો નિકાલ કેવી રીતે કરવામાં આવશે તે પણ એટલું જ મહત્વનું છે.