અમુક ઓપરેટરોને દૂરના સ્થળે મુકાયા હોય માત્ર રૂ. 9 હજારના માસિક પગારે અપડાઉન કેવી રીતે પોસાય ઓપરેટરોએ ઠાલવી વેદના : સોમવારે જિલ્લા કલેકટરને રજુઆત કરાશે
કલેકટર કચેરીના 47 ઓપરેટરોની બદલી કરવામાં આવતા તેઓએ રાજીનામાની ચીમકી ઉચ્ચારી છે. અમુક ઓપરેટરોને દૂરના સ્થળે મુકાયા હોય માત્ર રૂ. 9 હજારના માસિક પગારે અપડાઉન કેવી રીતે પોસાય તેવી ઓપરેટરોએ વેદના ઠાલવી છે. આ મામલે તેઓએ સોમવારે જિલ્લા કલેકટરને રજુઆત પણ કરશે.
તાજેતરમાં પુરવઠા મંત્રીએ ત્રણ વર્ષથી વધુ સમયથી ફરજ બજાવતા ઓપરેટરોની બદલી કરવા કલેક્ટરને પાઠવેલ પત્ર બાદ રાજકોટ કલેક્ટરે 47 કોમ્પ્યુટર ઓપરેટરની બદલી કરતા ઓપરેટરોમાં નારાજગી જોવા મળી છે અને તેઓએ સામુહિક રાજીનામાની ચીમકી ઉચ્ચારી છે.
રાજકોટ શહેરમાં જનસેવા કેન્દ્ર, રજીસ્ટ્રી શાખા, સ્થાનિક સ્વરાજ (ચૂંટણી) શાખા, પ્રાંત કચેરી, મામલતદાર કચેરીમાં ફરજ બજાવતા 19 કોમ્પ્યુટર ઓપરેટર, તાલુકા મથકમાં સહાય શાખામાં ફરજ બજાવતા 20 ઓપરેટરોની બદલીના હુકમ કરવામાં આવ્યા છે. કલેક્ટર કચેરીમાં વિવિધ શાખામાં ત્રણ વર્ષથી વધુ સમયથી ફરજ બજાવતા ઓપરેટરોની બદલીનો ઘાણવો કાઢવામાં આવતા આઉટસોર્સીંગ કર્મચારીઓમાં સોપો પડી ગયો છે. રાજકોટ પુરવઠા શાખામાં ફરજ બજાવતા ઓપરેટરોની 60-70કિ.મી. દુર તાલુકા મથક ઉપર બદલી કરવામાં આવતા ભારોભાર નારાજગી ફેલાઈ છે. ઓપરેટરોએ જણાવ્યું હતું કે 9000 રૂપિયાના માસીક પગારમાં આડેધડ બદલી કરવામાં આવતા આર્થિક બોજ વધ્યો છે. મામૂલી વેતનમાં પરીવારના માંડ બે છેડા ભેગા થાય છે. ત્યાં રાજકોટથી દુર બદલી કરવામાં આવતા પરીવહનનો ડામ પોસાય તેમ નથી. આથી તમામ ઓપરેટરોએ સામુહિક રાજીનામા આપવાની ચીમકી ઉચ્ચારી છે.
ઉલ્લેખનીય છે કે છેલ્લા ત્રણ વર્ષથી એક જ સ્થળે ફરજ બજાતા ડેટા એન્ટ્રી ઓપરેટરોની બદલી કરવામાં આવી છે. તેવી જ રીતે હબે એક જ સ્થળે વર્ષોથી ફરજ બજાવતા કાયમી કર્મચારીઓની પણ હવે બદલી થાય તો નવાઈ નહીં.