ફ્લડ કંટ્રોલમાં કામગીરી કરી રહેલા 9 નાયબ મામલતદારોને ગ્રામ પંચાયતોની ચૂંટણીની જવાબદારી સોપાઈ
બિનખેતી શાખાના કે.જી. સખીયાને લોધિકા મુકાયા, લોધિકાથી આર.એસ. લાવડીયાને ફરી રાજકોટ મુકવામાં આવ્યા
અબતક, રાજકોટ : રાજકોટ જિલ્લાના 16 નાયબ મામલતદારોની જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુ દ્વારા બદલીનો ઘાણવો ઉતારવામાં આવ્યો છે. જેમાં ફ્લડ કંટ્રોલમાં કામગીરી કરી રહેલા 9 નાયબ મામલતદારોને ગ્રામ પંચાયતોની ચૂંટણીની જવાબદારી સોપાઈ છે. આ સાથે રાજકોટ શહેરમાં વિવિધ ફરજો બજાવતા નાયબ મામલતદારોમાં પણ મોટો ફેરફાર કરવામાં આવ્યો છે.
આગામી ડિસેમ્બર માસમાં યોજાનારી ગ્રામ પંચાયતોની ચૂંટણી સંદર્ભે પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા નવું મહેકમ જાહેર કરવામાં આવ્યું છે. સરકારે જાહેર કરેલા મહેકમના અનુસંધાને રાજકોટ શહેર જિલ્લાના ૧૬ નાયબ મામલતદારોની બદલી કરવામાં આવી છે પરંતુ તેમાં માત્ર નવ નાયબ મામલતદારોને ગ્રામ પંચાયતની ચૂંટણીની કામગીરી સોંપવામાં આવી છે. બાકીના સાત નાયબ મામલતદારોની બદલી અન્ય કારણોસર કરવામાં આવી છે.
ફ્લડ કંટ્રોલની કામગીરીમાં રોકાયેલા 9 નાયબ મામલતદારમાં રાજકોટ ખાતે ઈમરજન્સી ઓપરેશન સેન્ટરમાં ફરજ બજાવતા આર.આઈ. ઉપાધ્યાય, તાલુકા મામલતદાર કચેરીના વિજય વસાણી, પડધરીના ડી.આર. મોરડીયા, કોટડાસાંગાણીના સી.જી. પારખીયા,ગોંડલના એસ આર મણવર, જેતપુર ગ્રામ્યના બી.એન. ખાનપરા, ઉપલેટાના બી.પી. બોરખતરીયા, જામકંડોરણાના આર.જી. લુણાગરિયા અને જસદણના એલ બી ઝાલાને ઈમરજન્સી ઓપરેશન સેન્ટરની સાથો સાથ ગ્રામ પંચાયતોની ચૂંટણીની કામગીરી માટે મુકવામાં આવ્યા છે.
રાજકોટ ખાતે ઝોનલ ઓફિસર તરીકે ફરજ બજાવતા એસ આર.ગીણોયાને લોધીકા બદલવામાં આવ્યા છે લોધીકામાં ફરજ બજાવતા આર.એસ લાવડીયાને રાજકોટમા જમીન સંપાદન અને પુનર્વસવાટ કચેરીમાં મુકવામાં આવ્યા છે. લોધિકાના બીજા નાયબ મામલતદાર એમ.પી. ઉપાધ્યાયને રાજકોટ સ્ટેમ્પ ડ્યુટી મુલ્યાંકન તંત્ર માં નવી ડયુટી આપવામાં આવી છે. જમીન સંપાદન કચેરીમાં કામગીરી કરતા એમ. યુ. ઓઝાને રાજકોટ ખાતે રેકર્ડ શાખામાં મુકવામાં આવ્યા છે.
પુરવઠા વિભાગમાં ફરજ બજાવતા એસ.સી.માનસાતાને ઝોનલ ઓફિસર તરીકે નિમણૂક આપવામાં આવી છે. લોધીકા નાયબ મામલતદાર બી.બી. ગઢવી ને મધ્યાન ભોજન યોજનામાથી બદલીને લોધીકામાં જ ઈ-ધરા કેન્દ્રની જવાબદારી સોંપવામાં આવી છે. આ સાથે લોધિકામાં મહત્વની કામગીરી કરનાર આર.એસ. લાવડીયાને રાજકોટ પરત બોલાવી લેવામાં આવ્યા છે.તેઓને જમીન સંપાદન અને પુનઃ વસવાટના નાયબ કલેકટરની કચેરીમાં જવાબદારી સોંપવામાં આવી છે.