ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં રેકોર્ડ બ્રેક જીત બાદ સત્તાધારી પક્ષ ભાજપે ચૂંટણીમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિઓ કરનારાઓ સામે આકરા પગલાં લેવાનું નિર્ણય લીધો છે. જે અંતર્ગત પ્રદેશ શિસ્ત સમિતિ દ્વારા રાજ્યના એક પછી એક જિલ્લાના ગદ્ારોને બોલાવી તેઓને સાંભળવામાં આવી રહ્યાં છે. દરમિયાન આજે રાજકોટ શહેર અને જિલ્લાનો વારો લેવામાં આવ્યો હતો. ચૂંટણીમાં પક્ષમાં રહી પક્ષના સત્તાવાર ઉમેદવારોને હરાવવાનો પ્રયાસ કરનાર લોકો સામે આકરી કાર્યવાહી તોળાઇ રહી છે. વિધાનસભા-68 અને 70ના જીતેલા ઉમેદવારોએ નામજોગ ગદ્ારોની યાદી પ્રદેશમાં રજૂ કરી હતી. આજે એકાદ ડઝનથી વધુ લોકો શિસ્ત સમિતિ સમક્ષ હાજર થયા હતાં. આગામી દિવસોમાં મોટા કડાકા-ભડાકાના એંધાણ વર્તાઇ રહ્યા છે.
ભાજપ માટે પોલીટીકલી લેબસમા રાજકોટ શહેરમાં પક્ષે નવો અખતરો કરતા પૂર્વ મુખ્યમંત્રી અને વર્તમાન મંત્રી સહિત ચારેય સિટીંગ ધારાસભ્યોની ટિકિટ પર કાતર ફેરવી દીધી હતી. તેઓના સ્થાને બે મહિલા સહિત કુલ ચારેય નવા ચહેરાને મેદાન ઉતારવામાં આવ્યા હતાં. ગુજરાતના ઇતિહાસમાં ભાજપને ઐતિહાસિક વિજય મળ્યાં બાદ હવે ચૂંટણી પક્ષ વિરોધી પ્રવૃત્તિઓ કરનારાઓને તેઓનું સ્થાન બતાવી દેવા પગલાં લેવામાં આવશે. તે નિશ્ર્ચિત બની ગયું છે.
રાજકોટની ચાર બેઠકો પૈકી 68-રાજકોટ પૂર્વ વિધાનસભા અને 70-રાજકોટ દક્ષિણ વિધાનસભા બેઠકમાં જીતેલા ઉમેદવાર, ધારાસભ્ય ઉદય કાનગઢ અને રમેશભાઇ ટીલાળા દ્વારા પ્રદેશ સમક્ષ પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનારાઓ અને ભાજપના સત્તાવાર ઉમેદવારને હરાવવાનો પ્રયાસ કરનાર ગદ્દારોના નામ સોંપ્યા હતા. આજે બપોરે પ્રદેશ ભાજપ શિસ્ત સમિતિ દ્વારા શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીની હાજરીમાં ગદ્ારોને સાંભળવામાં આવ્યા હતા અને તેઓની પાસેથી ખુલાસા પૂછવામાં આવ્યા છે. શહેરની ચાર બેઠકો પૈકી માત્ર 68 અને 70 વિધાનસભામાંથી જ ગદ્ારોના નામ પ્રદેશ સમક્ષ ગયા હતાં. જ્યારે 69ના ધારાસભ્ય ડો.દર્શિતા શાહ અને 71ના ધારાસભ્ય-કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયાએ આવા કોઇ જ નામ પ્રદેશમાં આપ્યા ન હતાં. આજે ગદ્ારોનું હિયરીંગ ગાંધીનગરમાં ચાલી રહ્યું છે. જેમાં પૂર્વ મંત્રી અને ધારાસભ્ય સહિત કેટલાંક વર્તમાન કોર્પોરેટરો સામે આકરા પગલાં તોળાઇ રહ્યાં છે.
શિસ્ત સમિતિની બેઠક પૂર્ણ થયાં બાદ પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ દ્વારા પક્ષ વિરોધી પ્રવૃત્તિઓ કરનાર પૂર્વ ધારાસભ્યો, મંત્રીઓ અને કોર્પોરેટરો સામે સસ્પેન્સન સહિતના આકરા પગલાં લેવામાં આવે તેવી સંભાવના નકારી શકાતી નથી. ચૂંટણી સમયે હવામાં ઉડતાં ગદ્ારો હવે ભાજપની ઐતિહાસિક જીત બાદ ઢીલાઢપ થઇ ગયા છે અને એક ભૂલ માફ કરી કોઇ આકરી કાર્યવાહી ન કરવા પણ શિસ્ત સમિતિ સમક્ષ હાથ-પગ જોડી રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.