બાળકના સર્વાંગી વિકાસમાં સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકનમાં શિક્ષક સજ્જતાની ભૂમિકા અહમ
કેળવણીમાં નૂતન પ્રવાહોથી વાકેફ થવા તાલિમ અતિ આવશ્યક હોવાથી શહેરની ચેઇન્જ ચિલ્ડ્રન ડેવલપમેન્ટ સોસાયટી દ્વારા શહેરની સરકારી અને ખાનગી શાળાનાં શિક્ષકો માટે તાલિમ શિબિરનું આયોજન કરવામાં આવેલ છે. શાળાનાં સંચાલકો પોતાના શાળાનાં શિક્ષકો માટે આ આયોજન શૈક્ષણિક કાર્ય બગડે નહીં તેવી રીતે રજામાં ગોઠવી શકશે. આજના યુગમાં બિન તાલિમ શિક્ષકો માટે આવી તાલિમ ઘણી ઉપયોગી હોવાથી શાળાઓએ ગોઠવવા આ પરત્વે છેલ્લા 40 વર્ષથી કાર્યરત અને બાળ પ્રવૃત્તિ પ્રોજેક્ટના પ્રણેતા અરૂણ દવેએ અનુરોધ કર્યો છે. નવી શિક્ષણ નિતી-2020ના વિવિધ પાસાઓ સાથે બાળકોના પ્રારંભિક શિક્ષણમાં વાંચન, ગણન, લેખનની ક્ષમતા સિધ્ધી કરવાની તાલિમ આપવામાં આવશે. પી.ટી.સી. અને બી.એડ. કોલેજમાં પણ આવી તાલિમ ગોઠવવામાં આવશે.
આ સમગ્ર વર્ષ દરમ્યાન ચાલતા શિક્ષક સજ્જતા કાર્યક્રમમાં ડાયેટના નિવૃત પ્રાચાર્ય વી.ઓ. કાચા, ગણિત-વિજ્ઞાન ક્ષેત્રનાં નિષ્ણાંત આજીવન શિક્ષક જી.એફ. મહેતા તથા ચિત્રકલાક્ષેત્રનાં નિષ્ણાંત રજની ત્રિવેદીની પણ સેવા મળનાર છે.શાળાએ બાળકને આવવું ગમે, બેસવું ગમેને ભણવું ગમે તેવા રસ-રૂચિ-વલણો આધારિત વર્ગ વ્યવસ્થા સાથે ક્લાસરૂમ ક્લાઇમેન્ટ અને ટીચીંગ લર્નીંગ મટીરીયલ્સનું શિક્ષણ પણ તાલિમમાં આપવામાં આવશે. બાળકનાં સંર્વાગી વિકાસમાં સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકનમાં શિક્ષક સજ્જતા જરૂરી હોવાથી આવી તાલિમનું મહત્વ વધી જાય છે. દરેક શાળાઓ પોતાના સમયે આવી તાલિમ ગોઠવી શકશે તેવું પણ આયોજન છે તેમ સંસ્થા વડા અરૂણ દવેએ જણાવ્યું છે.
આજના યુગની નૂતન પ્રવાહો સાથેની વિવિધ ટેકનીક અને શિક્ષણ પધ્ધતિઓની તલસ્પર્શી તાલિમ આપવામાં આવનારી હોય આ પરત્વે રસ લેતા શૈક્ષણિક સંકુલો વહેલા તે પહેલાના ધોરણે સંપર્ક કરવા જણાવાયું છે. શિક્ષક બાળકનો ઘડવૈયો હોવાથી તેને વિવિધ તાલિમથી જ્ઞાનસભર બનાવીને બાળકોનાં સંર્વાગી વિકાસમાં મદદરૂપ આ તાલિમ થઇ શકશે.
જોયફૂલ લર્નીંગ, જ્ઞાન સાથે ગમ્મત અને શૈક્ષણિક રમકડાં જેવા વિવિધ વિષયોને આ તાલિમમાં સાંકડી લેવામાં આવશે. બાળકનાં શૈક્ષણિક જીવનમાં દ્રઢિકરણ સૌથી અગત્યની બાબત ગણાય છે ત્યારે અઘરા વિષયોમાં તેનું મહત્વ સમજાવાશે સાથે કઠિનને સરળ કેમ કરી શકાય તેવી ટેકનીક પણ શિક્ષકોને તાલિમમાં ભણાવાશે. જે-તે ધોરણ વાઇઝ પાક્ષિક, માસિક, અર્ધવાર્ષિક અને આયોજન નિર્માણ સાથે એક્ટીવીટી બેઝ લર્નીંગની તાલિમ શિક્ષકોને અપાશે.વિશેષ માહિતી અને તાલિમ યોજવા માટે પ્રોજેક્ટ ચેરમેન અરૂણ દવે (98250 78000) અને વી.ઓ. કાચા (94262 42725)નો સંપર્ક સાધવા જણાવાયું છે. તાલિમનો સમય ત્રણ કલાકનો રહેશે. જેથી શાળા સંચાલકોએ આ પ્રકારે આયોજન કરવા જણાવાયું છે.
તાલિમમાં બાલ મનોવિજ્ઞાન, અસરકાર વર્ગ વ્યવસ્થા, સહ અભ્યાસિક પ્રવૃત્તિ, જોયફૂલ લર્નીંગ, ઇત્તર પ્રવૃત્તિ, શિક્ષણમાં અનુબંધનું મહત્વ, ઉપચારાત્મક શિક્ષણ, જૂથ પધ્ધતિના ફાયદા સાથે જીવન કૌશલ્યોના વિકાસ સાથે મૂલ્ય શિક્ષણની તાલિમ જેવા વિવિધ મુદ્ાઓ શિક્ષક સજ્જતા તાલિમમાં વણી લેવામાં આવશે. તેમ અરૂણ દવેએ જણાવેલ છે.