ભાગ લેવા માગતાં લોકોને દોડની અપાશે નિ:શુલ્ક તાલીમ: મેરેથોન અને સાઈકલોફનનું રજિસ્ટ્રેશન પણ કરાવી શકાશે: રાહુલ શર્મા સાથે અગ્રણીઓ ‘અબતક’ના આંગણે
રોટરી મીડટાઉન ક્લબ ઓફ રાજકોટ દ્વારા શહેર માટે યાદગાર બની જનારા બબ્બે કાર્યક્રમોની તૈયારીનો ધમધમાટ ચાલી રહ્યો છે. તા.૧૫ ડિસેમ્બરે સાઈકલોફન અને ૨૯ ડિસેમ્બરે મેરેથોન ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે અને તેમાં ભાગ લેવા માટે રાજકોટ જ નહી બલ્કે સૌરાષ્ટ્રભરના લોકો આતૂર બન્યા છે. દરમિયાન મેરેથોનમાં ભાગ લેનારા દોડવીરો માટે રવિવારે ટ્રેનિંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં ઈન્ટરનેશનલ કોચ દ્વારા તાલીમ આપવામાં આવશે. આ કેમ્પમાં ભાગ લેનારા અને ભાગ લેવા માગતાં દોડવીરો આવી શકશે. જો કોઈ દોડવીરે મેરેથોન કે સાઈકલોફન માટે રજિસ્ટ્રેશન નહી કરાવ્યું હોય તો તેઓ સ્થળ ઉપર પણ કરાવી શકશે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.ગુજરાત
મેરેથોન અને સાઈકલોફનના આયોજકોના જણાવ્યા અનુસાર
રવિવારે સવારે છ વાગ્યાથી રેસકોર્સના એથ્લેટીક ગ્રાઉન્ડ પાછળ આવેલા હોકી ગ્રાઉન્ડમાં મેરેથોનના રેસ ડાયરેક્ટર અને દોડ માટે જાણીતા રાહુલ શર્મા્ દ્વારા દોડવીરોને તાલીમ આપવામાં આવશે. આ બૂટકેમ્પમાં ૫, ૧૦ અને ૨૧ કી.મી. (હાલ્ફ મેરેથોન) દોડનારા લોકો ભાગ લઈ શકશે. દોડવીરોએ દોડ દરમિયાન શું ધ્યાન રાખવું, કેવી રીતે દોડવું, શું ભોજન લેવું, શું ન લેવું, હાંફ ચડે તો શું કરવું, થાક લાગે તો શું કરવું તે સહિતનું ઝીણામાં ઝીણું માર્ગદર્શન આ કેમ્પ થકી આપવામાં આવશે.
આયોજકોએ ભારપૂર્વક જણાવ્યું હતું કે મેરેથોન અને સાઈકલોફન ઈવેન્ટમાં રજિસ્ટ્રેશન કરવાનું ચૂકી ગયેલા લોકો આ કેમ્પમાં સ્થળ ઉપર જ રજિસ્ટ્રેશન કરાવી શકશે.
અત્રે ઉલ્લેખનીય છે કે રાજકોટ મેરેથોનમાં રેસ ડાયરેક્ટર તરીકે કાર્યરત રહેનારા રાહુલ શર્માએ અત્યાર સુધી લંડન, ન્યુયોર્ક, શીકાગો, બર્લિન, સિંગાપોર સહિતની મેરેથોન પૂર્ણ કરી છે. રાહુલ શર્મા સાથે આગેવાનોએ ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત લીધી હતી.