‘સલામત સવારી, રેલવે અમારી’
૨૦૧૯ના વર્ષમાં રેલવેએ ટેકનોલોજી અને સલામતીને પ્રાધાન્ય આપતા અકસ્માતનો એક પણ બનાવ નહીં
રોડ પરિવહન કે પછી ટ્રેન પરિવહન હોય અકસ્માતનો આંક દિન-પ્રતિદિન વધતો જોવા મળતો હોય છે ત્યારે રેલવે વિભાગે ટેકનોલોજી તથા સલામતીને પ્રાધાન્ય આપતા ૨૦૧૯મી સાલમાં એક પણ અકસ્માતનો બનાવ બન્યો ન હતો. રેલવે તંત્ર દ્વારા જયારથી ટેકનોલોજીને પ્રાધાન્ય આપ્યું છે ત્યારથી ટ્રેન પુર ઝડપે દોડવા લાગી છે જેના કારણોસર પહેલા ઓવર સ્પીડનાં કારણે ઘણાખરા અકસ્માતો થતા હતા. રેલવે મંત્રી પિયુષ ગોયલ દ્વારા આ અંગે માહિતી આપવામાં આવી હતી. ભારતીય રેલવે દ્વારા ૨૦૧૯ની સાલમાં એક પણ અકસ્માત બન્યો ન હતો.
રેલવેમાં થતા અકસ્માતો અંગે જો આંકડાકિય માહિતી લેવામાં આવે તો ૨૦૧૮-૧૯માં કુલ ૧૬ અકસ્માતો નિપજયા હતા જે પૂર્વે ૨૦૧૬-૧૭માં ૧૯૫ અકસ્માતો હોવાનું સામે આવ્યું છે. ૧૯૯૦ થી લઈ ૧૯૯૫ સુધી સરેરાશ ૫૦૦ અકસ્માતો પ્રતિ વર્ષ થતા હતા જેમાંથી ૨૪૦૦ લોકોના મૃત્યુ અને ૪૩૦૦ લોકો ઈજાગ્રસ્ત તેજ સમયનાં પાંચ વર્ષમાં થવા પામ્યા હતા. ૨૦૧૩ થી ૨૦૧૮ સુધીનાં આંકડા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે તો સરેરાશ પ્રતિ વર્ષ ૧૧૦ જેટલા અકસ્માતો થતા હતા જેમાંથી ૯૯૦ લોકોના મૃત્યુ અને અંદાજે ૧૫૦૦ લોકો ઈજાગ્રસ્ત થતા હોવાની માહિતી સામે આવી છે. યુનિયન મિનીસ્ટર પિયુષ ગોયલે ભારતીય રેલવેને શ્રેય આપતા જણાવ્યું હતું કે, ૧લી એપ્રિલથી ૨૦ ડિસેમ્બર સુધીમાં એક પણ ફેટલનો બનાવ કે અકસ્માત બન્યો નથી જે ખરાઅર્થમાં રેલવે તંત્રની કાબીલે તારીફ કામગીરીને અનુલક્ષીને છે.
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, ૧લી એપ્રિલથી ૨૭ ડિસેમ્બર સુધીમાં એક પણ રેલવે યાત્રિકોનાં મૃત્યુના સમાચાર મળ્યા નથી ત્યારે કહી શકાય કે રેલવે તંત્રએ ટેકનોલોજી અને સલામતીને પ્રાધાન્ય આપ્યું છે જેના કારણોસર અકસ્માતનાં બનાવોમાં એક સાથે જ ઘટાડો જોવા મળી રહ્યો છે. રેલવે તંત્રમાં કામ કરતા ૧૩ લાખ રેલવે કર્મચારીઓ દ્વારા દિવસ-રાત મહેનત અને અથાગ પરિશ્રમ દ્વારા જે કામગીરી કરવામાં આવી રહી છે તેનાથી રેલવે તંત્રનું સ્તર સુધર્યું છે. રેલવે તંત્ર જે પ્રગતિ પ્રાપ્ત કરી છે તેનું એકમાત્ર કારણ એ છે કે પ્રતિવર્ષ જે અકસ્માતો બનતા હોય છે તેના પર વિશ્ર્લેષણ કરી તેનું કારણ શોધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવતા રેલવે તંત્ર પ્રગતિના પથ પર અગ્રેસર થઈ રહ્યું છે.
યુનિયન મંત્રી પિયુષ ગોયલે વધુમાં માહિતી આપતા જણાવ્યું હતું કે, રેલવેમાં જે રીતે વર્ષ ૨૦૧૯ દરમિયાન એક પણ પ્રકારનો અકસ્માત નોંધાયો ન હોવાનું જો કારણ વિશ્ર્લેષણરૂપે જોવામાં આવે તો રેલવે ટ્રેક પરના મેગા બ્લોકનું નિયમિત સમયાંતરે તેનું મેન્ટનન્સ, મોર્ડન મશીનરી અને ટેકનોલોજીનો ઉપયોગ, રેલવે ક્રોસીંગ પર બાધારૂપ ચીજવસ્તુઓ, આઈસીએફનાં રીપ્લેસમેન્ટ, રેલવે ટ્રેકનું નવિનીકરણ, સિગ્નલ મોડેનાઈઝેશન તથા ફિલ્ડ લેવલના અધિકારીઓને પાવર વિસ્તૃત કરાતા રેલવેને ધાર્યા કરતી અનેકગણી સફળતા મળી છે. એપ્રિલથી નવેમ્બર માસ દરમિયાન ૧૫૬ આઈસીએફ કોચોને એલએચબી કોચોમાં રૂપાંતરિત કરવામાં આવ્યા છે. જયારે નાણાકિય વર્ષ ૨૦૧૯માં ૯૨ આઈસીએફ એટલે કે ઈન્ટીગ્રલ કોચ ફેકટરીને લીંક હોફ મેન બુસ એટલે કે એલએચબી કોચમાં રૂપાંતરિત કરવામાં આવ્યા છે.
૨૦૧૯થી ૨૦૨૦ સુધીમાં રેલવેએ ૬ કલાક બ્લોક મેઈન્ટેનન્સ માટે પણ સમય ફાળવી બ્લોકની સલામતી માટે કાર્યો હાથ ધર્યા હતા જેમાં એપ્રિલ માસથી નવેમ્બર માસ સુધીમાં ૧૫૩ જેટલા બ્લોકોનું મેઈન્ટેનન્સ કરવામાં આવ્યું હતું ત્યારે હવે માત્ર ૪૫ લોકોનું જ મેઈનટેનન્સ કરવાનું બાકી છે. રેલવે મંત્રાલય દ્વારા ૨૦૧૮-૧૯માં ૧૮૩ બ્લોકને મેઈન્ટેનન્સ માટે મુકવામાં આવ્યા હતા. આ તમામ પગલાઓનાં કારણે અન્ય પરિવહન માધ્યમો કરતા રેલવેની મુસાફરી હવે સલામત સવારી બની હોય તેવું લાગી રહ્યું છે. ૨૦૧૯નાં પ્રારંભથી જ રેલવે મંત્રાલયે દાવો કરતા જણાવ્યું હતું કે, રેલવેની મુસાફરી ૧૦૦ ટકા સલામત છે ત્યારે રેલવે મંત્રાલય દ્વારા જે રીતે ટેકનોલોજી અને સલામતીને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે તેના કારણોસર અકસ્માતનો બનાવ નહીંવત બન્યો છે. આગામી સમયમાં પણ રેલવે મંત્રાલય અનેકવિધ નવા ઉપકરણોની સાથે રેલવે પરિવહનને વધુને વધુ સુરક્ષિત બનાવવા માટે પ્રયત્નો હાથ ધરશે જે અંગે કાર્યવાહી પણ શરૂ કરી દેવામાં આવી છે.
આઈઆરસીટીસીના આગમનથી રેલવેની સુવિધા બની ‘હાઈ-ફાઈ’
ઈન્ડિયન રેલવે કેટરીંગ એન્ડ ટુરીઝમ કોર્પોરેશન એટલે કે આઈઆરસીટીસી દ્વારા જયારથી રેલવેની બાગદોડ થોડા અંશે સંભાળી છે ત્યારથી રેલવે એક અલગ જ મુકામ પર પહોંચી હોય તેમ લાગી રહ્યું છે. આઈઆરસીટીસી દ્વારા અનેકવિધ પ્રકારની હાઈ-ફાઈ સુવિધાઓ આપવામાં આવી છે જેમાં આઈઆરસીટીસી ટ્રેનમાં પ્રવાસ કરતા મુસાફરોને ૨૫ લાખ સુધીના રેલ ટ્રાવેલ ઈન્સ્યોરન્સ આપવામાં આવશે. જયારે કોઈપણ મુસાફર આઈઆરસીટીસી ટ્રેનની ટીકીટ કેન્સલ કરાવશે તો તેને ટ્રેનની ટીકીટનું પુરેપુરુ વળતર આપવામાં આવશે અને કેન્સલેશનનો એક પણ પ્રકારનો ચાર્જ લગાડવામાં નહીં આવે.
આઈઆરસીટીસીની તમામ ટ્રેનો માટે મુસાફરોને માહિતગાર પણ કરવામાં આવશે અને સાથોસાથ ઉચ્ચ ગુણવતાવાળો ખોરાક, બેવરેજીસ પણ મુસાફરોને ટ્રેન ઉપર આપવામાં આવશે.
આઈઆરસીટીસી ટ્રેનમાં પ્રવાસ કરતા મુસાફરો માટે જમવાનું ફરજીયાત આપવામાં આવશે જેનો ચાર્જ ટીકીટ બુકિંગ સમયે જ વસુલવામાં આવશે. આઈઆરસીટીસી ટ્રેનોમાં પ્રવાસ કરતા યાત્રિકોને ફ્રિ કોફીની સુવિધા પણ આપવામાં આવશે. આઈઆરસીટીસી ટ્રેનોમાં તમામ કોચમાં આર.ઓ. વોટર ફિલ્ટર, પેકેજ ડ્રિકીંગ વોટર બોટલ, વહેલી સવારનાં વેલકમ ટી, બ્રેક ફાસ્ટ તથા રાત્રીનું જમણ પણ યાત્રિકોને આઈઆરસીટીસીની ટ્રેનોમાં મળવાપાત્ર રહેશે.
આઈઆરસીટીસી ટ્રેનમાં મુસાફરી કરતા તમામ યાત્રિકોને ટેકસી હાયરીંગ, હોટલ બુકિંગ, વ્હીલ ચેર સહિતની સુવિધાઓથી સુસજજ કરાશે. આ પ્રકારની હાઈ-ફાઈ સુવિધાથી આઈઆરસીટીસીએ ઈન્ડિયન રેલવેનું કદ પણ વધાર્યું છે અને તેને વિશેષ પણ બનાવ્યું છે.
બુલેટ ટ્રેન પહેલા જ સાડા પાંચ કલાકમાં ‘તેજસ’ અમદાવાદથી મુંબઈ પહોંચાડશે: ૧૭મી જાન્યુઆરીથી દોડશે
ગુજરાતમાં બુલેટ ટ્રેન આવતા પહેલા જ આઈઆરસીટીસી દ્વારા સંચાલિત તેજસ ટ્રેન અમદાવાદથી મુંબઈ અને મુંબઈથી અમદાવાદ માત્રને માત્ર સાડા પાંચ કલાકમાં જ પહોંચશે ત્યારે આવનારા નવા વર્ષથી દેશની બીજી ખાનગી તેજસ એક્સપ્રેસ ૧૭ જાન્યુઆરીથી ટ્રેક પર દોડતી થશે. ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટૂરિઝમ કોર્પોરેશનએ અમદાવાદ અને મુંબઈ વચ્ચે આ ટ્રેનના સંચાલનને લઈ મહત્વનો નિર્ણય લીધો છે. ભારતીય રેલ્વે અને આઈઆરસીટીસીએ આ ટ્રેનનું પૂર્ણ સમયપત્રક બહાર પાડ્યું છે. ઉલ્લેખનીય છે કે હાલ લખનૌ-નવી દિલ્હી રૂટ પર ખાનગી તેજસ ટ્રેનનું ઓપરેશન આઈઆરસીટીસી દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ ટ્રેનમાં ૧૮ કોચ હશે. જોકે આઈઆરસીટીસી એક વર્ષ સુધી ૧૨ કોચવાળી ટ્રેનનું જ સંચાલન કરી શકશે. ૦૯૪૨૬/૦૯૪૨૫ અમદાવાદ-મુંબઈ તેજસ એક્સપ્રેસનું આઈઆરસીટીસી એ નવા શેડ્યૂલ જાહેર કર્યું છે. જે મુજબ ટ્રેન ૧૭ જાન્યુઆરીએ, ઉદ્ઘાટનના પ્રથમ દિવસ સવારે ૯:૩૦ કલાકે અમદાવાદ જંક્શન રેલ્વે સ્ટેશનથી ઉપડશે અને સાંજે ૪ વાગ્યે મુંબઇ સેન્ટ્રલ રેલ્વે સ્ટેશન પહોંચશે. પછી ટ્રેન મુંબઈથી સાંજે ૦૫:૧૫ વાગ્યે ઉપડશે અને રાત્રે ૧૧.૩૦ વાગ્યે અમદાવાદ પહોંચશે. જ્યારે ૧૯ જાન્યુઆરીથી દૈનિક ધોરણે ટ્રેન નંબર ૮૨૯૦૨ અમદાવાદ-મુંબઇ સેન્ટ્રલ તેજસ એક્સપ્રેસ સવારે ૬.૪૦ વાગ્યે ઉપડશે અને બપોરે ૧.૧૦ વાગ્યે મુંબઇ પહોંચશે. ત્યારબાદ ટ્રેન નંબર ૮૨૯૦૨ મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ તેજસ એક્સપ્રેસ બપોરે ૩.૪૦ વાગ્યે ઉપડશે અને રાત્રે ૦૯.૫૫ વાગ્યે અમદાવાદ પહોંચશે. ટ્રેન નડિયાદ, વડોદરા, ભરૂચ, સુરત, વાપી અને બોરીવલી રેલ્વે સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેન અઠવાડિયામાં ૬ દિવસ ચલાવવામાં આવશે. ગુરુવારે આ ટ્રેન દોડશે નહીં. ટ્રેનનો બેઝ ફેર શતાબ્દી એક્સપ્રેસના સમાન હશે, જોકે ભાડુ વધારવાનો અધિકાર આઈઆરસીટીસી પાસે રહેશે. તેજસ ટ્રેનની દરેક સીટની પાછળની બાજુએ એલસીડી લગાવવામાં આવી છે. ટ્રેનમાં વાઇફાઇની સાથે કેટરિંગ મેનૂ પણ પ્રખ્યાત શેફ દ્વારા તૈયાર કરાયું છે. મુસાફરોને ૨૫ લાખનો રેલ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ વિના મૂલ્યે મળશે. આ સિવાય દરેક કોચમાં ઇન્ટિગ્રેટેડ બ્રેઇલ ડિસ્પ્લે, ડિજિટલ ગંતવ્ય બોર્ડ અને ઇલેક્ટ્રોનિક આરક્ષણ ચાર્ટ્સ પણ છે.