અમરેલીના પીપાવાવથી સાવરકુંડલા જતી માલગાડીના કેટલાક ડબ્બાઓ અધવચ્ચે છુટા પડી ગયા હોવાની ઘટના બનવા પામી હતી. ઘટનાને પગલે રેલવે તંત્ર દોડતું થઇ ગયું હતું. રેલવે તંત્ર દ્વારા માલગાડીના ડબ્બાઓનું રીપેરીંગ કરીને માલગાડીને રવાના કરવામાં આવી હતી. આ ઘટનાને પગલે કેટલીક ટ્રેનોને અટકાવી દેવામાં આવી હતી. જેના કારણે ટ્રેન વ્યવહાર થોડીવાર માટે થંભી ગયો હતો.
એક રીપોર્ટ અનુસાર, પીપાવાવ-સુરેન્દ્રનગર રેલવે ટ્રેક પર મોટી સંખ્યામાં માલગાડીઓ દોડે છે. ત્યારે આજે એક માલગાડી પીપાવાવથી સુરેન્દ્રનગર તરફ જઈ રહી હતી. તે સમયે સાવરકુંડલા-રાજુલા વચ્ચે આવેલા ફાટક નંબર ૫૨ નજીક માલગાડી બે ભાગમાં વહેંચાઈ ગઈ હતી. ચાલુ ટ્રેને ડબ્બા છુટા પડી જવાના કારણે રેલવે તંત્ર દોડતું થઈ ગયુ હતું. ગણતરીના સમયમાં રેલવેના અધિકારીઓએ ઘટના સ્થળે પહોંચીને છુટા પડેલા ડબ્બાનું રીપેરીંગ શરૂ કર્યું હતું. જ્યાં સુધી માલગાડીના ડબ્બાઓ જોડાયા નહીં. ત્યાં સુધી પીપાવાવ પોર્ટ તરફનો રેલ વ્યવહાર બંધ રહ્યો હતો. ડબ્બાને માલગાડી સાથે જોડવાની કામગીરી પૂર્ણ થયા પછી રેલવે વ્યવહાર ફરીથી શરૂ કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની થવા પામી નથી.
પીપાવાવના રેલવે ટ્રેક કોઈક ને કોઈક બાબતે હંમેશાં ચર્ચામાં રહે છે. કારણ કે, પીપાવાવથી સાવરકુંડલા સુધીના રેલવે ટ્રેક પર ઘણીવાર સાવજો આવી જતા હોય છે. જેના કારણે ટ્રેનને અટકાવવાની પણ ફરજ પડે છે. તો કેટલીકવાર સાવજ ટ્રેનની અડફેટે આવી જતા તેમના મોત નીપજ્યા હોવાની પણ ઘટનાઓ ભૂતકાળમાં બની ચુકી છે.