મોરબીમાં યંગ ઇન્ડિયા ગૃપ અને યુવા આર્મી ગૃપ દ્વારા સીરામીક સિવાયના મજૂરોને ટ્રેન મારફત વતનમાં પહોંચાડવા માટે રેજીસ્ટ્રેશન સહિતની અસરકારક વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી જે પૈકી આજે કલેકટર તંત્રના સહયોગથી યુપીના ગોરખપુરના મોરબી શહેરમાં રહેલા ૧૨૦૦થી વધુ મજૂરો અને હળવદમાં ફસાયેલા ૪૧૩ શ્રમિકોને ટ્રેન મારફત વતન મોકલવામાં આવ્યા હતા. આ તકે ભાજપ અગ્રણી પ્રદીપભાઈ વાળા સહિતના આગેવાનો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ટ્રેન રવાના થઈ ત્યારે તમામ શ્રમિકો ભારત માતા કી જયના નાદ સાથે હર્ષોલ્લાસભેર ખુશી વ્યક્ત કરી હતી.
મોરબીના સીરામીકમાં કામ કરતા મજૂરોને તેમના વતન ટ્રેન મારફત પોહચાડવાની વ્યવસ્થા સીરામીક એસો. દ્વારા કરવામાં આવી રહી છે. ત્યારે સીરામીક સિવાયના અન્ય જગ્યાએ રોજીરોટી મેળવતા યુપીના મજૂરોને ટ્રેન મારફત પોહચડવા મોરબીના યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા તંત્રના સહયોગથી પ્રયાસો હાથ ધરાયા હતા. જેમાં યુવા આર્મી ગ્રુપ સહિતની સંસ્થાની મદદથી મજૂરોની નોંધણી કરી મજૂરોને તેમના સ્વખર્ચે ટ્રેનમાં જવાની વ્યવસ્થા કરાઈ હતી. જેમાં આજે તંત્રના સહકારથી યુપીના ગોરખપુર ખાતે એક ટ્રેન રવાના થઈ હતી અને તેમાં મોરબીના યંગ ઇડિયા ગ્રુપ અને યુવા આર્મી ગૃપ દ્વારા રજિસ્ટ્રેશન કરાયેલા ૧૨૦૦થી વધુ મજૂરો અને હળવદમાં ફસાયેલા ૪૦૦થી વધુ મજૂરોને મોકલવામાં આવ્યા હતા. આ સમગ્ર વ્યવસ્થા માટે મોરબી જિલ્લા કલેકટર જે.બી.પટેલના માર્ગદર્શન હેઠળ મોરબી જિલ્લા અધિક કલેકટર કેતન જોશીએ ભારે જહેમત ઉઠાવી હતી. અને આજે તમામ મજૂરોને ફૂડપેકેટ, છાસ, પાણી સહિતની વ્યવસ્થા સાથે મોકલાયા હતા. આ તકે પીઢ ભાજપ આગેવાન પ્રદીપભાઈ વાળા, મોરબી કલોક એસો.ના પ્રમુખ શશાંક દંગી, પાલિકા પ્રમુખ કેતન વિલપરા, ભાજપ અગ્રણી હિરેન પારેખ, યુવા સેવાભાવી આગેવાનો અજયભાઇ લોરીયા, જીગ્નેશભાઈ કૈલા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે અધિકારીઓમાં મોરબી જિલ્લા અધિક કલેકટર કેતન જોશી, ડે.કલેકટર ખાચર, હળવદ ડે.કલેકટર, નાયબ મામલતદાર નિખિલ જોશી, ગઢવીભાઈ, જિલ્લા પોલીસ વડા ડો. કરણરાજ વાઘેલા, ડીવાયએસપી રાધિકા ભારાઇ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
જ્યારે વ્યવસ્થામાં યંગ ઇન્ડિયા ગ્રુપના કાર્યકરો ઉપરાંત યુવા આર્મી ગૃપના પીયૂસભાઈ બોપીલિયા સહિતના સભ્યો, આરએસએસના સ્વયંસેવકો પણ જોડાયા હતા.
જ્યારે સીરામીક સિવાયના મજૂરોને વતન પોહચડવા માટે તંત્ર સાથે રહી સંકલન કરનાર યંગ ઇન્ડિયા ગૃપના દેવેનભાઈ રબારીએ કલેકટર તંત્ર, પોલીસ વિભાગ, આરોગ્ય વિભાગ, રેલવે વિભાગ સહિતના તંત્રનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે ટ્રેનમાં રવાના થયેલા લોકો વતન જવા ભારે અધીરા હતા. અમારૂ ગ્રુપ તંત્ર અને મજૂરો વચ્ચે કડી બન્યું છે. આ મજૂરોને તેમના ખર્ચે વતન પોહચાડવા માટે તમામનું યોગ્ય રીતે રજિસ્ટ્રેશન કરાયું હતું. અને તેઓએ જમા કરાવેલ રકમથી ભાડું ઓછું આવતા તમામ રજિસ્ટ્રેશન કરાયેલા લોકોને ઉપરના પૈસાનું પણ રિફંડ આપી દેવામાં આવ્યું છે. આ ઉપરાંત ૧૨૫થી વધુ અસમર્થ મજૂરોનો ટિકટ ખર્ચ અને ફૂડ પેકટનો ખર્ચ સંસ્થાએ ભોગવ્યો છે. જે અમારી ફરજમાં આવે છે. સૌથી ખુશીની વાત છે કે આજે પોતાના વતન જવા માંગતા આ શ્રમિકો ટ્રેનમાં રવાના થઈ ગયા છે.
જ્યારે હવે પછીના સીરામીક સિવાયના મજૂરોએ વતન જવા માટે તંત્ર અને સીરામીક એસોસિએશને ગોઠવેલી વ્યવસ્થા મુજબ મહેન્દ્રનગર ખાતે આવેલા આઇટીઆઈ ખાતે સંપર્ક કરવા યંગ ઇન્ડિયા અને યુવા આર્મી ગ્રુપ દ્વારા જણાવાયું છે.
વધુમાં દેવેનભાઈ રબારીએ જણાવ્યું હતું કે અમે આ અભિયાનને ગુડિયા ગોરખપુર જાયેગી નામ આપયુ હતું. કારણ કે મજૂરોના રજિસ્ટ્રેશન માટે જ્યારે સર્વે માટે અમારા સભ્યો ગયા ત્યારે એક મજૂર પરિવાર નાની બાળકી સાથે ચાલીને યુપી જવાની તૈયારીમાં હતો. ત્યારે અમારા સભ્યોએ તેમને સમજાવતા તેઓએ રડતી નાની દીકરી સામે જોઇને સાહબ ગુડિયા કો લેકે કેસે ભી કર કે ગોરખપુર જાના હૈ તેવું રડતા રડતા જણાવયુ હતું. જેથી અમે આ નાની ગુડિયા સાથેનો પરિવાર તેમના વતન ગોરખપુર સહીસલામત પોહચી શકે તે માટે તંત્રની સાથે રહી પ્રયાસો કરી ગુડિયા ગોરખપુર જાયેગી અભિયાન અંતર્ગત આજે ટ્રેન રવાના કરી હતી.