કાનુડા મિત્ર મંડળ તરફથી શ્રમિકોને ફૂડ પેકેટ, માસ્ક, સેનીટાઈઝર અપાયા
રાજકોટથી જિલ્લા વહીવટી તંત્રના પ્રયાસથી પરપ્રાંતીય શ્રમિકોને વતન જવા માટે વિશેષ ટ્રેન દોડાવવામાં આવી રહી છે. રાજકોટથી પ્રથમવાર ઉત્તરપ્રદેશ લખનઉ ખાતે ૧૬૪૨ શ્રમિક પરિવારોને લઈ ટ્રેન પ્રસ્થાન કરી ત્યારે શ્રમિકોને વતન જવાનો આનંદ સ્પષ્ટ જણાતો હતો. ટ્રેન જતી વેળાએ મેં ફીર વાપસ આઉંગાના ઉત્સાહ સાથે ઉત્તપ્રદેશના વતની રાજેશ પાંડેએ જણાવ્યું હતું કે, હું રાજકોટના પડધરી તાલુકાના કારખાનામાં કામ કરતો હતો. મારા માલિકે પણ મારું સારી રીતે ધ્યાન રાખ્યું છે.
હાલ કોરોના વાયરસને કારણે પરિવારજનો માટે હું વતન પાછો જાઉં છું. પરંતુ લોકડાઉન અને કોરોનાની પરિસ્થિતિ હળવી થતાં હું ફરીથી મારા ગુજરાત અને મારા રાજકોટમાં પાછો આવીશ. તમામ શ્રમિકોને પાણી, ફૂડ પેકેટ, માસ્ક અને સેનેટાઇઝરની કીટ કાનુડા મિત્ર મંડળ તરફથી આપવામાં આવી હતી. બાળકોને ચોકલેટ તેમજ રમકડાની કીટ પણ આપવામાં આવી હતી. દરેક કોચમાં સોશિયલ ડિસ્ટન્સ સાથે શ્રમિકોને બેસાડવાની જવાબદારી રેલવે અધિકારીઓ, ટિકેટ ચેકર સ્ટાફ તેમજ આર.પી.એફ.ની મદદથી કરવામાં આવી હતી.
તમામ શ્રમિકોનું મેડિકલ ચેકઅપ કરાયું હતું તેમજ તમામને ફૂડ પેકેટ અને પાણીની વ્યવસ્થા કરી આપવામાં આવી હોવાનું પ્રાંત અધિકારી સરયુબેન જનકાંતે જણાવ્યું હતું. રાજકોટ રેલવે સ્ટેશન ખાતેઆસીસન્ટ કોમર્શિયલ મેનેજર રાકેશકુમાર પુરોહિત, એસ્કોર્ટ સ્ટાફ એ.એસ.આઈ યશવંત પ્રજાપતિ,વિવેક તિવારી, ટિકિટ ચેકર સ્ટાફ, પોલીસ, નગર પ્રાથમિક શિક્ષણ સમિતીના અધ્યક્ષ ઠાકોર નરેન્દ્રસિંહ, અગ્રણીઓ ધનંજય દેવકરસિંહ, રાજીવસિંહ શંભુસિંહ, પ્રસાદ વૈષ્ણવ, પ્રેમચંદ અગ્રવાલ, સુરેન્દ્ર ગુપ્તા, રાજન શર્મા, રાકેશસિંહ, વિજયકુમાર તિવારી તેમજ કાનુડા મિત્ર મંડળની ટીમ દ્વારા યાત્રિકોને ભાવભીની વિદાય આપવામાં આવી હતી.