ત્યક્તાએ પ્રેમીને સાથે રહેવાની જીદ કરતા ગળેટુંપો દઈ મોતને ઘાટ ઉતારી
પેથાપુરમાં ગૌશાળામાં મળી આવેલા માસુમ શિવાંશની પોલીસે કરેલી ઉંડી તપાસમાં ચોંકાવનારી વિગતો આવી બહાર
ગાંધીનગરના પેથાપુર સ્વામિનારાયણ ગૌશાળા પાસે ત્યજી દેવાયેલા શિવાંશના પિતા સચિન દીક્ષિતને રાજસ્થાનના કોટા શહેર ખાતેથી ઝડપી લેવાયા બાદ સચિને શિવાંશની માતા મહેંદી ઉર્ફે હીનાની ગળુ દબાવી હત્યા કરી નાંખી હોવાનો ઘટસ્ફોટ થયો છે.
ત્યારબાદ પોલીસ આરોપી સચિનને લઇને વડોદરાના ખોડિયારનગર ખાતે આવેલા દર્શનમ ઓએસિસ ફ્લેટ ખાતે પહોંચી હતી. જ્યાં બેગમાં પેક કરેલી મહેંદીની લાશ મળી મળી આવી હતી. ઘટનાની વિગત એવી છે કે ગત 8 ઓક્ટોબરે શિવાંશને એક કારમાં ગૌશાળા નજીક રઝળતો છોડી એક શખ્સ જતો રહ્યો. ત્યારબાદ પોલીસે સીસીટીવીના આધારે તેની શોધખોળ શરૂ કરી હતી. અને સચિનની ઓળખ થઈ હતી.
મળતી માહિતી મુજબ મહેંદી અને સચિન લિવ ઇનમાં રહેતાં હતા અને પોલીસ તપાસમાં ઘટસ્ફોટ થયો હતો કે છેલ્લા 2 મહિનાથી સચિન મહેંદીને લઇને વડોદરા રહેવા આવ્યો હતો. સૂત્રોએ જણાવ્યું હતું કે અમદાવાદની કંપની સચિન નોકરી કરતો હતો અને મહેંદી આ જ કંપનીમાં નોકરી કરતી હતી, જેથી બંને વચ્ચે પરિચય થયા બાદ પ્રેમ થયો હતો અને સચિન અને મહેંદી લિવ ઇન રિલેશનશિપમાં રહેતાં હતાં.
10 મહિના પહેલાં મહેંદીએ શિવાંશને જન્મ આપ્યો હતો. બે માસ પહેલાં વડોદરામાં ખોડિયારનગર પાસેના દર્શનમ ઓએસિસ નામના બિલ્ડિંગમાં ભાડેથી રહેવા બાળકને લઇને બંને આવ્યાં હતાં. ત્યાર બાદ છેલ્લા સપ્તાહમાં સચિનને યુપીના ઝાંસી ખાતે પ્રસંગમાં હાજરી આપવા જવાનું હોવાથી બંને વચ્ચે એ મુદ્દે ઝઘડો થયો હતો, જેમાં મહેંદીએ સચિનને ઝાંસી જવાની ના પાડી દીધી હતી.
ગત 8 તારીખે પણ બંને વચ્ચે ઝઘડો થયા બાદ ઝપાઝપી થઇ હતી. જેમાં ઉશ્કેરાયેલા સચિને મહેંદીનું ગળું દબાવી હત્યા કરી હતી. તે પછી મહેંદીની લાશને સૂટકેસમાં પેક કરીને રસોડામાં સિલિન્ડર મૂકવાના ભાગે બેગ મૂકી દીધી હતી. ત્યારબાદ બાળક શિવાંશને લઇને તેનાં માતા-પિતા પાસે ગાંધીનગર આવવા નીકળી ગયો હતો અને રાતના સુમારે પેથાપુર ગૌશાળા પાસે બાળકને મૂકી દઇ પોતાના ઘેર જતો રહ્યો હતો અને સવારે તે પરિવાર સાથે યુપી જવા રવાના થયો હતો.જ્યાં પોલીસે તેની ધરપકડ કરી હતી.
બન્ને વચ્ચે ઝગડો થયો અને સચિને મહેંદીની હત્યા કરી
બે દિવસ પહેલાં સચિનને પરિવાર સાથે વતન જવાનું હતું, જેથી મહેંદીએ તેનો વિરોધ કર્યો હતો અને કહ્યું હતું કે તું વતન જવાનું રહેવા દે અને મારી સાથે જ હંમેશા માટે રહે. જેને લઇને બન્ને વચ્ચે ઝગડો થયો હતો અને ઝપાઝપી થઇ હતી. અંતે સચિને મહેંદીનું ગળું દબાવી હત્યા કરી હતી.
‘બાળકને તેના દાદા સંભાળે તો ભલે, નહીં તો તેની સંભાળ સરકાર રાખશે’
શિવાંશની માતાની હત્યાના ઘટસ્ફોટ બાદ હાલ શિવાંશનો ઓઢવ શિશુગૃહમાં મોકલી આપવામા આવ્યો છે. ત્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે, જોશિવાંશને તેના દાદા સચિનના પિતા સાચવે તો સારું છે. નહીં તો બાળકને સરકાર સાચવશે. બાળકનું મજબૂત ભવિષ્ય બને તે માટે સરકાર તમામ પ્રયાસો કરશે.