અબતક,રાજકોટ
શહેરના જશરાજનગર પાસે ગઇરાતે પરપ્રાંતિય યુવાનની થયેલી હત્યાના ગુનામાં સંડોવાયેલા ત્રણ પરપ્રાંતિય શખ્સોને તાલુકા પોલીસે ઝડપી ભેદ ઉકેલ્યો છે. મૃતકને તેની માસી સાથે આડા સંબંધના કારણે છરીના ઘા ઝીંકી હત્યા કર્યાની કબુલાત આપી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ખોડીયાર ઇન્ડસ્ટ્રીયલ એરિયા નજીક અજાણ્યા યુવાનની તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. તાલુકા પોલીસ મથકના પી.આઇ. જે.વી.ધોળા સહિતના સ્ટાફે ઘટના સ્થળના સીસીટીવી ફુટેજના આધારે જુદી જુદી ટીમ બનાવી શરૂ કરેલી તપાસ દરમિયાન મરનાર મુળ ઉત્તર પ્રદેશના બલરામપુરનો વતની નિર્મોહીલાલ રામતિરથ ચૌહાણ નામના 30 વર્ષના યુવાનની ઓળખ મળી હતી.
મૃતકની ઓળખ મળી આવતા નિર્મોહીલાલ ચૌહાણને કોની સાથે ઝઘડો થયો હતો તે અંગે શરૂ કરી ઝીણવટભરી તપાસમાં માસા કુરનંદન ઉર્ફે કમલેશની પત્ની સાથે નિર્મોહીલાલ ચૌહાણને આડો સંબંધ હોવાથી તેની સાથે અગાઉ સક્રાંત સમયે ઝઘડો થયો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવતા કુરનંદન ઉર્ફે કમલેશની અટકાયત કરી પૂછપરછ કરતા પોતાના સાળા અને અન્ય એક શખ્સ સાથે મળી હત્યા કર્યાની કબુલાત આપી છે.
નિર્મોહીલાલ ચૌહાણના ત્રણ માસ પહેલાં જ લગ્ન થયા હોવાનું અને બે માસ પહેલાં જ રાજકોટ આવી હીરાના કારખાનાના સ્પેર પાર્ટ બનાવવાના કારખાનામાં કામ કરતો હોવાનું અને તેને સક્રાંત સમયે માસી સાથે આડો સંબંધ તોડી નાખવા સમજાવ્યો હતો પરંતુ તે માન્યો ન હતો.ગઇકાલે નિર્મોહીલાલ ઉફેઈ ભભૂતિ શાકભાજી લેવા ગયો ત્યારે તેને કુરનંદન ઉર્ફે કમલેશ આસ્થા ચોકડીએ મળતા બંને વચ્ચે ઝઘડો થતા તેને ખોડીયાર ઇન્ડસ્ટ્રીઝ એરિયાની ઓરડીમાં લઇ જઇ પોતાના સાળા સાથે મળી છરીના ઘા ઝીંકી હત્યા કર્યાની કબુલાત આપતા પોલીસે ત્રણેયને ગણતરીના કલાકોમાં ઝડપી હત્યાનો ભેદ ઉકેલ્યો છે.