અમદાવાદના ઘુમામાં ઝવેરી ગ્રીન્સ નામની ક્ધસટ્રકશન સાઈટ પર કામગીરી દરમિયાન 12 માં માળેથી પાલખ તૂટતા ત્રણ શ્રમિકના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા. જ્યારે આ બનાવની જાણ ફાયર બ્રિગેડ ની ટીમને થતા તેઓ ઘટના સ્થળે દોડી આવી કામગીરી હાથ ધરી હતી જ્યારે ત્રણેય મજૂરોના મૃતદેહોને પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથધરી છે.
ઇમારતના 12માં માળેથી પટકાતા ત્રણ મજૂર કાળનો કોળિયો બનતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યુ
વિગતો મુજબ અમદાવાદના બોપલ-ઘુમા વિસ્તારમાં આવેલા શાંતિપુરા સર્કલ પાસે એક નિર્માણાધીન બિલ્ડિંગમાં મોટી દુર્ઘટના બની છે. જેમાં ત્રણ શ્રમિકોએ જીવ ગુમાવ્યા છે. આ શ્રમિકો ગઇકાલે મોડી રાત્રે કામગીરી કરી રહ્યા હતા. 12 મા માળે લાકડાની પાલક પર શ્રમિકો ઉભા હતા. જે દરમિયાન અચાનક લાકડાનું સ્ટેન્ડ તૂટતા પાલખ સાથે ત્રણ શ્રમિકો નીચે પટકાયા હતા.જેમાં ત્રણેયના ઘટના સ્થળ કરુણ મોત નીપજયા હતા.બનાવની જાણ થતા જ ફાયર અને પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો.અને તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, મૃત્યુ પામેલા ત્રણેય શ્રમિક ઉત્તર પ્રદેશના હોવાનું સામે આવ્યુ છે.
આ દુર્ઘટનામાં રાજેશ કુમાર, સંદીપ કુમાર, અમિત કુમાર નામના શ્રમિકોના મોત થયા છે. આ શ્રમિકો ઉત્તર પ્રદેશના બારાબંકી અને અમેઠીના રહેવાસી હોવાનું સામે આવ્યુ છે. આ ત્રણેય શ્રમિકો છેલ્લા બે વર્ષથી આ ઇમારત બનાવવાની કામગીરી કરી રહ્યા હોવાની માહિતી સામે આવી છે.હાલ પોલીસે ઘટનાસ્થળને કોર્ટન કરીને ઇમારત બનાવવાની કામગીરી હાલ પુરતી અટકાવી છે અને સમગ્ર ઘટનાને લઇને તપાસ શરુ કરી છે.પોલીસે હાલ અકસ્માતે મોતનો ગુનો નોંધીને વધુ તપાસ શરુ કરી છે.