- રાજકોટના રૈયા રોડ પર શિલ્પન ઓનિક્સ એપાર્ટમેન્ટની ઘટના
- ફક્ત 3 વર્ષની બંને બાળકીઓના મોતથી નેપાળી પરિવારમાં કલ્પાંત છવાયો
- રાજકોટ શહેરમાં એક અત્યંત કરુણ ઘટના સામે આવી છે. જેમાં રૈયા રોડ પર આવેલી શિલ્પન ઓનિક્સ એપાર્ટમેન્ટમાં ચોકીદાર અને ક્લિનર તરીકે કામ કરતા બે નેપાળી પરિવારની બે માસુમ બાળકીઓણાં સ્વિમિંગ પુલમાં ડૂબી જવાથી મોત થતાં પરિવારમાં અરેરાટી મચી જવા પામી છે.
પ્રાપ્ત વિગત અનુસાર રાજકોટ શહેરના રૈયા રોડ પર આવેલ શિલ્પન ઓનિક્સ નામના એપાર્ટમેન્ટમાં છેલ્લા આઠેક માસથી શિલ્પન ઓનિક્સ એપાર્ટમેન્ટમાં કામ કરતા પ્રકાશસિંઘની દીકરી મેનુકા (ઉ.વ. 3 વર્ષ 2 મહિના) અને 20 દિવસ પૂર્વે જ ક્લિનર તરીકે નોકરી પર આવેલા ગોકુલ ચંદાની પુત્રી પ્રકૃતિ (ઉ.વ. 3 વર્ષ 8 મહિના) બંને રાત્રીના નવેક વાગ્યા આસપાસ બહુમાળી એપાર્ટમેન્ટમાં આવેલ સ્વિમિંગ પુલ નજીક સાયકલ ચલાવીને રમી રહી હતી. આ સમયગાળા દરમિયાન બંને બાળકીના પિતા નજીકમાં જ ગાડીઓ ધોવાનું કામ કરી રહ્યા હતા. દરમિયાન સ્વિમિંગ પુલ નજીક લોનમાં રમતી બંને બાળકીઓ સ્વિમિંગમાં પડી ગઈ હતી પરંતુ પરિવારને આ અંગે કોઈ જાણ સુધા ન હતી. રાત્રીના દસેક વાગ્યા આસપાસ રેસીડેન્સીયલ સોસાયટીના સભ્યને જાણ થઇ કે, બંને બાળકીઓ સ્વિમિંગમાં ડૂબી ગઈ છે. જે બાદ તેમણે બાળકીઓને સ્વિમિંગ પુલમાંથી બહાર કાઢી તાત્કાલિક બંને બાળકીના માતા-પિતાને જાણ કરી હતી. બાળકીઓને બહાર કાઢ્યા બાદ તપાસ કરતા બંને બાળકીઓના શ્વાસ થંભી ગયાંનું જાણવા મળ્યું હતું. તેમ છતાં એમ્બયુલેન્સ બોલાવી બંને બાળકીઓને સરકારી હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવી હતી. જ્યાં ફરજ પરના તબીબે બંને બાળકી લને તપાસી મૃત જાહેર કરતા નેપાળી પરિવારમાં કલ્પાંત છવાયો હતો.
ઉલ્લેખનીય છે કે, શિલ્પન ઓનિક્સ એપાર્ટમેન્ટમાં સોસાયટીના સભ્યો માટે સ્વિમિંગ પુલ અને ગેમઝોનની સવલત આપવામાં આવેલી છે. આ સ્વિમિંગ પુલની ઊંડાઈ આશરે 4.5 ફૂટ હોવાનું જાણવા મળી રહ્યું છે. જે સ્વિમિંગ પુલમાં આકસ્મિક રીતે પડી ગયેલી બંને બાળકીઓના મોત થતાં અરેરાટી મચી જવા પામી છે.
હજુ 15 દિવસ પહેલા જ નેપાળી પરિવાર પેટીયું રળવા શિલ્પન ઓનિક્સ એપાર્ટમેન્ટમાં આવ્યા’તા
ઘટનામાં મોતને ભેટેલી પ્રકૃતિ ગોકુલ ચંદાનો પરિવાર હજુ 15 દિવસ પહેલા જ શિલ્પન ઓનિક્સ એપાર્ટમેન્ટમાં પેટીયું રળવા આવ્યો હતો. અગાઉ તેઓ રાજકોટમાં જ રહીને અન્ય કોઈક સ્થળે મજૂરી કામ કરી જીવન નિર્વાહ કરતા હતા. જે બાદ તેઓ તાજેતરમાં જ શિલ્પન ઓનિક્સ ખાતે આવ્યા હતા અને પિતા ગોકુલ ચંદા સિક્યુરિટી ગાર્ડ અને ક્લિનર તરીકે કામ કરતા હતા.