- માળીયા મિયાણામાં ત્રણ બાળકો ડૂબ્યા
- ઘરના ચિરાગ સમાન બાળકોનું મોત નિપજતા ત્રણ શ્રમિક પરિવારોનો શોકમાં ગરકાવ
- બપોરના સમયે કોઈને જાણ કર્યા વિના નાહવા પડ્યા’ને મોત મળ્યું
- હજુ ગત સપ્તાહે જ સાદુળકા ગામે એક સગીર અને બે યુવાનોના ડૂબી જવાથી થયાં’તા મોત
મોરબી જિલ્લામાં એક અઠવાડિયાના સમયગાળામાં બે અલગ અલગ ઘટનામાં કુલ 6 બાળકોના ડૂબી જવાથી મોતના અહેવાલથી ચકચાર મચી જવા પામ્યો છે. ગત સપ્તાહ સાદુળકા ગામે બનેલી ઘટના એક સગીર અને બે યુવાનોના ડૂબી જવાથી મોત નીપજ્યા બાદ ગઈકાલે માળીયા મિયાણા તાલુકાના વર્ષામેડી ગામે બપોરના સમયે તળાવમાં ન્હાવા પડેલા ત્રણ માસુમ બાળકોના પાણીમાં ડૂબી જવાથી મૃત્યુ નિપજતા અરેરાટી મચી જવા પામી છે.ઉલ્લેખનીય છે કે, આ બાળકો ઘેરથી કહ્યા વગર તળાવમાં ન્હાવા ગયા હોવાનું અને ત્રણેય બાળકોના પિતા મજૂરીકામ કરતા હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત વિગતો મુજબ માળીયા મિયાણા તાલુકાના વર્ષામેડી ગામે રહેતા શૈલેષ અમરશીભાઇ ચાવડા ઉ.8, ગોપાલભાઈ કાનજીભાઈ ચાવડા ઉ.12 અને મેહુલ ભુપતભાઇ મહાડિયા ઉ.10 નામના બાળકો બુધવારે બપોરના સમયે ગામના તળાવમાં ન્હાવા જતા ડૂબી જવાથી ત્રણેય બાળકોના મૃત્યુ નિપજ્યા હોવાનું માળીયા મિયાણા પોલીસે જણાવ્યું હતું.બાળકોના પરિવારજનોએ જણાવ્યું હતું કે, ગામમાં આવેલ તળાવમાં બાળકો કહ્યા વગર ન્હાવા જતા આ દુર્ઘટના સર્જાઈ હતી.
વર્ષામેડી ગામે બનેલી આ ઘટનામાં શૈલેષ અમરશીભાઇ ચાવડા ઉ.8, ગોપાલભાઈ કાનજીભાઈ ચાવડા ઉ.12 નામના બન્ને બાળકો કૌટુંબિક ભાઈ થતા હોવાનું સામે આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, ગત અઠવાડિયામાં મોરબીના મચ્છુ–2 ડેમમાંથી પાણી છોડવામાં આવતા મોરબી તાલુકાના સાદુળકા નજીક નદીમાં ન્હાવા પડેલા એક યુવાન અને બે સગીરના મૃત્યુ નિપજવાની ઘટનાં હજુ તાજી જ છે ત્યાં બીજી દુર્ઘટના સર્જાતા અરેરાટી વ્યાપી જવા પામી છે.
ડૂબી જવાથી પખવાડિયામાં 18 લોકોએ જીવ ગુમાવ્યો
ઉનાળામાં ટાઢક મેળવવા નદી–તળાવમાં નાહવા પડતા ફક્ત એક પખવાડિયામાં 18 લોકોએ જીવ ગુમાવ્યો છે જે પૈકી મોટાભાગના બાળકો છે. આ અગાઉ પાણીમાં ડૂબીને જીવ ગુમવી દેવાની આ પાંચમી ઘટના પ્રકાશમાં આવી છે. આ અગાઉ નર્મદા, નવસારીના દાંડી, મોરબીના મચ્છું નદીમાં અને ભાવનગરના બોર તળાવમાં કુલ 18 લોકોના મૃત્યુ થયા હોવાનું સામે આવ્યું છે. ત્યારે આજે ફરી એક વાર પાણીમાં ગોજારી દુર્ઘટના થયા હોવાનું સામે આવ્યું છે.