યુદ્ધના ધોરણે બચાવ કાર્ય શરૂ, 7 લોકોને બહાર કઢાયા : મુખ્યમંત્રી સ્થાનિક અધિકારીઓના સતત સંપર્કમાં
મધ્યપ્રદેશના ઈન્દોરમાં રામનવમીના અવસર પર એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. શહેરના સ્નેહ નગર પાસેના પટેલ નગરમાં બેલેશ્વર મહાદેવ ઝુલેલાલ મંદિરની વાવની છત ધરાશાયી થતાં 25થી વધુ લોકો કૂવામાં પડી ગયા છે. સ્થળ પર હાજર લોકો કૂવામાં પડેલા લોકોને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. 7 લોકોને રેસ્ક્યુ કરી બહાર કાઢવામાં આવ્યા હતા.
મળતી માહિતી મુજબ, સ્નેહનગર પાસે પટેલનગરમાં મંદિરમાં હવન ચાલી રહ્યો હતો. અહીં ભક્તો પગથિયાંની છત પર બેઠા હતા. દરમિયાન છત અંદર પડી ગઈ હતી. કલેક્ટર, પોલીસ કમિશનર અને અન્ય વહીવટી અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. ઈન્દોરના મેયર પુષ્યમિત્ર ભાર્ગવ સહિત તમામ એમઆઇસી સભ્યો મિટિંગ છોડીને સ્થળ પર પહોંચી રહ્યા છે.
મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે આ ઘટનાની માહિતી મેળવી છે. તેમણે ઈન્દોરના કલેક્ટર અને કમિશનર સાથે ફોન પર ચર્ચા કરી હતી. કેટલાક લોકોને વાવમાંથી બચાવી લેવામાં આવ્યા છે.
ઈન્દોરના સાંસદ શંકર લાલવાણીએ કહ્યું કે સંખ્યા વિશે જણાવવું મુશ્કેલ છે. 7 લોકોને બહાર કાઢવામાં આવ્યા છે. અમારી પ્રાથમિકતા કુવામાં પડેલા લોકોને વહેલી તકે બહાર કાઢવાની છે. રેસ્ક્યુ ટીમ, પોલીસ અને સ્થાનિક લોકો લોકોને બહાર કાઢવામાં વ્યસ્ત છે. જેમને બહાર કાઢવામાં આવ્યા છે તેઓને હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે લોકોને દોરડા લગાવીને બહાર કાઢવામાં આવી રહ્યા છે. રેસ્ક્યુ ટીમ કૂવામાંથી લોકોને બહાર કાઢવાનો પ્રયાસ કરી રહ્યા છે.