કુલ ૨૫ લોકો બોટમાં સવાર હતા, ૫ લોકોને સુરક્ષા દળોએ બચાવી લીધા
બિહારના પશ્ચિમ ચંપારણના બગાહામાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે.મળતી માહિતી મુજબ, ૨૫ મુસાફરોથી ભરેલી હોડી ગંડક નદીમાં ડૂબી ગઈ છે. જો કે માહિતી મળતાની સાથે જ વહીવટી ટીમ સ્થળ પર પહોંચી ગઈ હતી. હાલમાં નજીકના ઘાટ પર બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
જેમાં અત્યાર સુધી પાંચ મુસાફરોને બચાવવામાં આવ્યા છે, જ્યારે અન્ય ૨૦ લોકો હજુ લાપતા હોય તેઓની શોધખોળ શરૂ કરવામાં આવી છે.
બોટ દુર્ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. મળતા અહેવાલ મુજબ મુસાફરોથી ભરેલી હોડી દિયારથી શહેર તરફ આવી રહી હતી. જો કે બોટમાં વધુ લોકો હોવાને કારણે બોટ અસંતુલિત થઈ ગઈ અને નદીના પ્રવાહમાં જ ડૂબી હોવાનું અનુમાન લગાવવમાં આવી રહ્યુ છે.
ઉપરાંત બોટમાં ભેંસ સહિત અન્ય પશુઓનું લોડિંગ પણ દુર્ઘટનાનું કારણ હોવાનું જણાઈ રહ્યુ છે, હાલમાં બચાવ કાર્ય હાથ ધરવામાં આવી રહ્યું છે.
અધિકારી આનંદ કુમાર સિંહે જણાવ્યું હતુ કે, આ હોડીમાં ૨૫ મુસાફરો હોવાની માહિતી મળી છે, ઉપરાંત બોટમાં સવાર તમામ લોકો સુરક્ષિત હોવાની અપેક્ષા છે. હાલમાં સ્થાનિક તરવૈયા અને NDRFની ટીમ નદીમાં ગુમ થયેલા લોકોની શોધ કરી રહી છે.બિહારમાં ચોમાસુ સતત સક્રિય છે. જેને કારણે ઘણા વિસ્તારોમાં વરસાદ ચાલુ છે.
હવામાન વિભાગ દ્વારા આગામી ૪૮ કલાકમાં બિહાર અને ઝારખંડમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સતત વરસાદને કારણે બાગમતી, ગંડક અને અધવરા જૂથની નદીઓ ઓવરફ્લો થઈ છે. હાલ આગાહીને લઈને હવામાન વિભાગ દ્વારા નિચાણવાળા વિસ્તારોમાં એલર્ટ આપવામાં આવ્યુ છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર પોલ, પશ્ચિમ ચંપારણ, સીતામઢી, ગોપાલગંજ, કિશનગંજ, સિવાન, સારન, પૂર્વ ચંપારણ, મુઝફ્ફરપુર અને પટનાના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ થવાની સંભાવના છે.ઉપરાંત વરસાદને કારણે તાપમાનમાં પણ ઘટાડો નોંધવામાં આવશે. આ સાથે લોકોને ગરમી અને ભેજમાંથી પણ રાહત મળશે.