- જિલેટીન બ્લાસ્ટ કરતા ઝેરી ગેસથી ગુંગળાઇ જતાં મોત નિપજ્યું
સુરેન્દ્રનગર જિલ્લામાં ગેરકાયદેસર રીતે કોલસાની અનેક ખાણો ધમધમી રહી છે ત્યારે આ કોલસાની ખાણો પુરવા માટે સરકાર દ્વારા 85 લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે છતાં પણ ગેરકાયદેસર રીતે ચાલતી ખાણો જિલ્લામાં ધમધમતી હોવાની ફરિયાદો છાશવારે સામે આવી રહી છે. ખાસ કરીને ગેરકાયદેસર ચાલતી કાર્બોસેલની ખાણોમાં દુર્ઘટના સર્જાતિ હોય તેવા પ્રકારના કિસ્સાઓ તાજેતરમાં સામે આવ્યા છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના દેવપુરા ગામે વધુ એક આવા પ્રકારનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં ત્રણ મજૂરોના મોત નિપજતાં કરૂણાંતિકા સર્જાઇ છે.
સુરેન્દ્રનગર જિલ્લાના દેવપરા ગામે ગેરકાયદેસર કાર્બોસેલ ની ખાણ થોડા સમય પહેલા સુરેન્દ્રનગર ખાણ ખનીજ વિભાગ દ્વારા પૂરી દેવામાં આવી હતી અને આ પૂરી દીધેલી ખાણ ફરીથી શરૂ કરવા માટે તેમાં જીલેટીન સ્ટીક મારફત બ્લાસ્ટ કરવામાં આવતો હતો. આ જીલેટિવ નામનો પદાર્થ ફોડવામાં આવ્યો હતો તે દરમિયાન જે ગેરકાયદેસર કાર્બોસેલની ખાણ છે તે ખાણમાં સમગ્ર ગેસ પરસરી ગયો હતો તે છતાં પણ તેમાં કામ કરવા માટે ત્રણ મજૂરોને ઉતારવામાં આવ્યા હતા અને ત્રણ મજૂરોને બહાર રાખવામાં આવ્યા હતા. ખાણમાં ઉતરેલા ત્રણ મજૂરને ગેસની ગંભીર અસર સર્જાતા તેમના મોત નીપજ્યા છે.
બહાર જે ત્રણ મજૂરો હતા તેમને પણ અસર સર્જાઈ હોવાની વિગતો પ્રાપ્ત થઈ રહી છે ત્યારે મૃતક મજૂરોની ત્રણ ડેડ બોડી ને સુરેન્દ્રનગર જિલ્લાની મૂડી સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવી છે અને ત્યાં તેમના પીએમ કરવામાં આવ્યા છે ત્યારે ગેરકાયદેસર ચાલતી ખાણોમાં ગેસ ગળતરની ઘટના બાદ વધુ ત્રણ મજૂરો મોતને ભેટ્યા છે. તમામ મૃતક મજૂરો રાજસ્થાનથી કામ માટે બોલાવવામાં આવ્યા હોવાનો તપાસમાં ધડાકો થયો છે. આ સંદર્ભે પોલીસ વિભાગે તપાસ હાથ ધરી છે અને જે ગેરકાયદેસર કાર્બોસેલની ખાણ ધરાવતા ખનીજ માફિયાઓની અટકાયત કરી લઈ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
હાલના તબક્કે સુરેન્દ્રનગર જિલ્લાના મૂડી પોલીસ સ્ટેશનમાં આ જ સંદર્ભે ગુનો દાખલ કરાયો છે ખનીજ માફિયા સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે અને અલગ–અલગ કલમો લગાવી અને તેમના વિરુદ્ધમાં ગુના પણ દાખલ કરવામાં આવ્યા છે. સવાલ એ છે કે ગેરકાયદેસર કાર્બોસેલ ની ખાણ કેવી રીતે શરૂ કરવામાં આવી અને ખાસ કરીને કોની પરમિશનથી આ ગેરકાયદેસર કાર્બોસેલની ખાણ ચાલતી હતી અને તંત્ર એ 85 લાખના ખર્ચે ખાડા પૂર્યા ખાણો ભૂરી તે છતાં પણ જે ખાણો છે તે ફરી ચાલુ કરવા માટે કેવી રીતે ખનીજ માફિયાઓ બહાર નીકળી રહ્યા છે તેની સામે પણ સવાલ છે.
માનવવધનો ગુનો દાખલ કરી ખનન માફિયાઓની અટકાયત કરી લેવાઇ
દેવપરા ગામની સીમમાં ગેરકાયદેસર કાર્બોસેલ ની ખાણમાં સર્જાયેલી દુર્ઘટનામાં નાયબ પોલીસ અધિક્ષક હિમાંશુ દોશી તેમજ મૂળી પીએસઆઇ ધર્મેન્દ્રસિંહ તેમજ એસઓજી પી આઈ ભટ્ટ અને તેમની ટીમ તેમજ લોકલ ક્રાઈમ બ્રાન્ચના પીએસઆઇ રાયજાદા શહીતની ટીમો ઘટનાસ્થળે દોડી ગઈ હતી. આ મામલે ખનીજ માફિયા રણજીતભાઈ ડાંગર તેમજ સતવીર કરપડાની અટકાયત કરવામાં આવી છે. આ સંદર્ભે માનવવધની કલમો લગાવી પોલીસ વિભાગે કાર્યવાહી હાથ ધરી છે. બંનેને હાલ મુળી પોલીસ સ્ટેશન ખાતે રાખવામાં આવ્યા છે અને આ મામલે કડક પૂછપરછ હાથ ધરવામાં આવી છે.
ખંપાળીયા ગામે બનેલી ઘટનાના આરોપીઓ હજુ પણ પોલીસ પકડથી દુર
ખંપાળીયા નજીક સર્જાયેલી ખાણ દુર્ઘટનાના ત્રણ મજૂરોના મોત નિપજ્યાં હતા. આ મામલે ગુનો દાખલ કરાયો છે પરંતુ આ મામલે જે મુખ્ય ખાણ ચલાવતો ખનીજ માફીયો છે જેના સામે પોલીસે ગુનો દાખલ કર્યો છે પણ હજુ અટકાયત નથી કરી. તે જાહેરમાં દેખાઈ રહ્યો છે ખાસ કરીને સામજી નામનો યુવક જાહેરમાં દેખાઈ રહ્યો છે તેમ છતાં પણ પોલીસ તેની અટકાયત કરી નથી. ખંપાળિયા નજીક ખાણ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા મજૂરોના દ્રશ્યો લોકોની આંખ સામેથી નથી ગયા ત્યાં વધુ એક ખાણમાં દુર્ઘટના સર્જાય છે.