ખાનગી લકઝરી બસ અને એસટી બસમાં મુસાફરને કેફી પીણું પીવડાવી કિંમતી માલ સામાન સેરવી લેતા આંતર રાજય રીઢા બે શખ્સોને કુવાડવા રોડ પર સાત હનુમાન મંદિર પાસેથી ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફે ઝડપી લીધા છે. બંને શખ્સોની પૂછપરછ દરમિયાન તેને રાજકોટના ૧૯ મળી ૩૧ જેટલા મુસાફરોને બેભાન બનાવી લૂંટ ચલાવ્યાની કબૂલાત આપી છે. પોલીસે બંને શખ્સો પાસેથી ઇનોવા કાર અને સોનાના ઘરેણા મળી રૂ.૨૦ લાખનો મુદામાલ કબ્જે કર્યો છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ કુવાડવા રોડ પર સાત હનુમાન મંદિર પાસેથી શકમંદ જણાતા ગોંડલ રોડ પર આવેલા ગુજરાત હાઉસીંગ બોર્ડ કવાર્ટરના નિતિન ઉર્ફે નિતેશ રમેશ ભટ્ટ અને નિરવ પુલિન ધાનક નામના શખ્સોને ક્રાઇમ બ્રાન્ચના એસીપી જયદીપસિંહ સરવૈયા, પી.આઇ. એચ.એમ.ગઢવી, પી.એસ.આઇ. આર.સી.કાનમીયા, કુલદીપસિંહ જાડેજા, કૃપાલસિંહ ઝાલા અને જગમાલભાઇ ખટાણા સહિતના સ્ટાફે ઝડપી લીધા હતા.
બંને શખ્સોની પૂછપરછમાં રાજકોટ શહેરમાં ૧૯, રાજકોટ જિલ્લામાં ૨, પોરબંદર, અમરેલી, સુરત, ગાંધીનગર, બોટાદ, અમદાવાદ, સોમનાથ, આણંદ, સુરેન્દ્રનગર અને જુનાગઢમાં એક-એક મુસાફરને કેફી પીણું પીવડાવી બેભાન બનાવી કિંમતી માલ-સામાનની ચોરી કર્યાની કબૂલાત આપી છે.
નિતિન ભટ્ટ અને નિરવ સોનીએ ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્રના ધુલીયા, ઔરાંગાબાદ, નાસિક અને પુનાના મુસાફરોનો માલ સામાનની ચોરી કર્યાની કબૂલાત આપી છે. બંને શખ્સો ખાનગી લકઝરી અને એક.ટી.બસમાં મુસાફરો સાથે મુસાફરી કરવા ગોઠવાઇ જતા અને અજાણ્યા મુસાફર સાથે પરિચય કેળવી બસ સ્ટોપ હોય ત્યાં ઠંડુ પીવડા તેમાં કેફી પદાર્થ મિકસ કર્યો હોવાથી મુસાફર બેભાન બને ત્યાર બાદ તેનો સામાન સેરવી લેતા હોવાની કબૂલાત આપી છે.નિતિન ભટ્ટ અને નિરવ ધાનક અગાઉ ૩૧ જેટલા ગુનામાં પોલીસ પકડી જેલ હવાલે કર્યા હતા. જેલમાંથી પેરોલ મેળવી ફરી જેલમાં હાજર ન થઇ વધુ ૨૫ જેટલા ગુના આચર્યાનું બહાર આવતા પોલીસે તેની પાસેથી ઇનોવા કાર અને સોનાના ઘરેણા મળી રૂ.૨૦ લાખનો મુદામાલ કબ્જે કર્યો છે. બંને શખ્સો વધુ ચોરીના ગુનામાં સંડોવાયા હોવાની શંકા સાથે પૂછપરછ માટે રિમાન્ડ પર લેવા તજવીજ હાથધરી છે.
કારખાનાના ધંધામાં ખોટ જતા ચોરીના રવાડે ચડયા
નિતિન ભટ્ટે શાપર ખાતે ૧૯૯૬માં લોખંડની ફેકટરી શરૂ કરી તેમાં તેને ખોટ જતાં નુકસાની ભરવાઇ કરવા માટે ૧૯૯૮થી મુસાફરોને ખંખેરી લેવાનો વગર મહેનતનો ધંધો શ કર્યો હતો.
તેને અત્યાર સુધીમાં ૫૦થી વધુ મુસાફરોને બેભાન બનાવી કિંમતી માલ-સામાન સેરવી લીધાની કબૂલાત આપી છે.
૩૦ વર્ષની સજા સામે અપીલ દાખલ કરી પેરોલ મેળવી ફરાર થયો
શાપર ખાતે ફેકટરીમાં ખોટ જતા મુસાફરોને બેભાન બનાવી કિંમતી માલ સામાન સેરવી લેવાના ૩૧ જેટલા ગુનામાં સંડોવાયેલા નિતિન ભટ્ટને પોરબંદરની અદાલતે ૩૦ વર્ષની સજા ફટકારી હતી. સજાના હુકમ સામે હાઇકોર્ટમાં અપીલ દાખલ કરી પેરોલ મેળવ્યા બાદ ફરી જેલમાં હાજર થયો ન હતો. અને ફરી મુસાફરોને બેભાન બનાવી માલ સામાન ચોરવાનું શરૂ કર્યુ હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.