રજપૂતપરામાં સિટી ઇન હોટલના વેઇટરે પત્નીની બીમારીના ખર્ચને પહોંચી વળવા ચોરી કરી: દવાના ખર્ચમાં વધેલી રકમ હોટલ માલિકને ઓનલાઇન ટ્રાન્સફર કરી
રજપૂતપરા શેરી નંબર 3માં આવેલી સિટી ઇન હોટલમાં બે માસ પહેલાં થયેલી રૂા.1.50 લાખની ચોરીના ગુનામાં સંડોવાયેલા વેઇટરને ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફે ધરપકડ કરી પૂછપરછ કરતા પોતાની પત્ની બીમાર હોવાથી રૂા.1.50 લાખની ચોરી કરી હોવાની કબુલાત આપી સારવારમાં એક લાખનો ખર્ચ થયો હતો અને બાકી બચેલા રૂા.50 વેઇટરે પોતાના શેઠને ગુગલ પેથી બેન્ક એકાઉન્ટમાં જમા કરાવી દીધાની કબુલાત આપી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ યાજ્ઞિક રોડ પર વિવેકાનંદજીના સ્ટેચ્યુ પાસે ધરીત્રી એપાર્ટમેન્ટમાં રહેતા અને રજપૂતપરા શેરી નંબર 3માં સિટી ઇન હોટલ ધરાવતા કિશોરભાઇ નાથાલાલ બારાઇએ પોતાની હોટલમાં છેલ્લા છ વર્ષથી વેઇટર તરીકે નોકરી કરતા મુળ અમદાવાદના શીરીનંધનગરના મેકલુમ મેકડોનાલ્ડ ઉર્ફે જેમ્સ માલ્કમ કેન્નેથ ગત તા.8 જુલાઇએ કાઉન્ટરના ખાનામાંથી રૂા.1.50 લાખની ચોરી કરી ભાગી ગયાની એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ચોરીના ગુનામાં સંડોવાયેલા મેકડોનાલ્ડ ઉર્ફે જેમ્સ ક્રિશ્ર્ચિન ગ્રીન્ડ લેન્ડ ચોકડી પાસે આવ્યાની બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચ ડીસીપી ડો.પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી ભરત બસીયા, પી.આઇ. વાય.બી.જાડેજા, પીએસઆઇ એમ.જે.હુણ, એએસઆઇ ઘનશ્યામભાઇ મેણીયા, હેડ કોન્સ્ટેબલ કિરતસિંહ ઝાલા, અમીતભાઇ અગ્રાવત, દેવશીભાઇ ખાંભલા, કુલદીપસિંહ રાણા અને નગીનભાઇ ડાંગર સહિતના સ્ટાફે ધરપકડ કરી તેની પૂછપરછ કરતા પોતાની પત્ની બીમાર હોવાથી હોટલના કાઉન્ટરમાંથી રૂા.1.50 લાખની ચોરી કરી હોવાની કબુલાત આપી હતી. સારવારનો ખર્ચ એક લાખ થયો હતો અને બાકી રહેલા રૂા.50 હજાર પોતાના શેઠ કિશોરભાઇ બારાઇના બેન્ક એકાઉન્ટમાં ગુગલ પે દ્વારા પરત જમા કરાવી દીધાની કબુલાત આપી છે. તસ્કરે જરૂરીયાત મુજબની જ રકમ વાપરી બચેલી રકમ પોતાના શેઠને પરત કરી બતાવેલી ખાનદાગીથી પોલીસ સ્ટાફે પણ આશ્ર્ચર્ય વ્યક્ત કર્યુ છે.