પરિવાર બાજુમાં ભાઇના ઘરે સુવા ગયા અને તસ્કરો રોકડ અને ઘરેણાનો કર્યો હાથફેરો
સહકારનગર મેઇન રોડ પર આવેલા જમુના પાર્કમાં રાત્રી દરમિયાન બંધ રહેલા મકાનને તસ્કરોએ નિશાન બનાવી સોના-ચાંદીના ઘરેણા અને રોકડ મળી રૂ ૧.૮૦ લાખની મત્તાનો હાથફેરો કરી ગયાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ જમુનાપાર્કમાં રહેતા દિલીપભાઇ માનસિંહ કચ્છવાના ગતરાતે બંધ રહેલા મકાનના દરવાજાનો નકુચો તોડી તસ્કરોએ તિજોરીમાંથી રૂ.૫૦ હજાર રોકડા અને રૂ.૧.૨૦ લાખની કિંમતના સોના-ચાંદીના ઘરેણા ચોરી ગયાની ભક્તિનગર પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.
રાજુ એન્જિનીયરીગમાં કામ કરતા દિલીપભાઇ કચ્છવા પોતાના બાળકોની સ્કૂલ ફી ભરવાની હોવાથી બે દિવસ પહેલાં જ બેન્કમાંથી રૂ.૫૦ હજાર રોકડા ઉપાડી કબાટમાં રાખ્યા હતા. ઘરે ઘડીયાળની પીન બનાવવાનું કામ કરતા દિલીપભાઇ કચ્છવાના પત્ની નિમુબેન બાજુમાં રહેતા ભાઇના ઘરે ગરમીના કારણે સુવા ગયા હતા તે દરમિયા બંધ રહેલા મકાનમાં તસ્કરોએ હાથફેરો કર્યાનું ફરિયાદમાં જણાવ્યું છે. ભક્તિનગર પોલીસે ડોગ સ્કવોડ અને ફિંગર પ્રિન્ટ નિષ્ણાંતની મદદ લઇ તપાસ હાથધરી છે.