- નવાગામના બંધ મકાનમાંથી રોકડ અને દાગીના સહિત રૂ.1.27 લાખની ચોરી
રાજકોટ શહેરમાં છેલ્લા ત્રણ દિવસમાં પાંચ ચોરીની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામ્યો છે. ફકત બે દિવસમાં ગાંધીગ્રામ વિસ્તારમાં ત્રણ ચોરીના બનાવ બન્યા બાદ હવે તસ્કરો શહેરની ભાગોળે પહોંચ્યા છે. શહેરની ભાગોળે આવેલા નવગામમાં બંધ મકાનમાંથી રોકડ અને દાગીના સહિત રૂ.1.27 લાખની ચોરી કરી નાસી છૂટતાં કુવાડવા રોડ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
બનાવ અંગે રાજકોટની ભાગોળે આવેલ નવગામમાં રહેતાં મુકેશભાઇ સામતભાઇ બાવળીયા (ઉ.વ.39) એ નોંધાવેલ ફરીયાદમાં જણાવ્યું હતું કે, તેઓ અલગ અલગ જગ્યાએ બાંધકામનું કામ રાખી કડીયાકામ કરાવે છે. ગઇ તા.15/05/2024 ના સવારના સમયે તેઓ પત્ની અને સંતાનો સાથે તેમના ગામ રાજપરા તેમના કાકી બીમાર હોય તેઓની ખબર અંતર પુછવા માટે ગયેલ હતા.
ત્યાંથી પરત રાજકોટ ફરવા માટેની તૈયારી કરતા હતા તે દરમ્યાન વરસાદ અને વાવાઝોડુ આવતા ઘરના નળીયા ભારે પવનના કારણે ઉડી ગયેલ અને નુકશાની થયેલ હોય જેથી ત્યાં જ રાત્રી રોકાય ગયેલ હતાં. બાદમા ગઈકાલે સવારના તેના પત્નિને પાટલા સાસુનો ફોન આવેલ અને વાત કરેલ કે, તમારી પુત્રીને ઘરે કપડા લેવાં મોકલેલ તો ત્યાં તાળું ખૂલેલ નહીં અને અંદરથી કોઈએ આંકડીયો દિધેલ છે.
બાદમાં તેઓએ તપાસ કરતાં શેરીમા આવેલ ઓરડીના દરવાજા પાસે જઈને જોતા પતરા વાળી ઓરડીનો દરવાજો અર્ધ ખુલ્લો જોવામા આવેલ જેથી દરવાજાને ધક્કો મારતા દરવાજો ખુલી ગયેલ અને મકાનમાં અંદર ગયેલ અને જોયેલ તો મકાનમા ઓશરીમા દરવાજાને તાળુ મારેલ હતુ તે તાળુ તુટેલ અને દરવાજા ખુલા હતાં.
તેમજ રૂમની અંદરની બાજુ જોતા રૂમમાં આવેલ પતરાનો કબાટનો લોક ખુલ્લો જોવામા આવેલ અને કબાટમાં રાખેલ કપડાં તથા સર-સમાન વેરવિખેર પડેલો જોવામા આવેલ હતો. બાદમાં તેઓ પરીવાર સાથે ઘરે આવેલ અને રૂમમાં જોતા કબાટમાં રાખેલ રોકડા રૂ. 90500, સોનાના- ચાંદીના દાગીના મળી કુલ રૂ.1.27 લાખનો મુદ્દામાલ કોઈ અજાણ્યા તસ્કર ચોરી કરી નાસી છૂટતાં ફરીયાદ નોંધાવી હતી. બનાવ અંગેની ફરીયાદ પરથી કુવાડવા રોડ પોલીસે સીસીટીવી ફુટેજના આધારે તસ્કરોની શોધખોળ હાથ ધરી હતી.
ગાંધીગ્રામ વિસ્તારમાં બે દિવસમાં ત્રણ ચોરીની ઘટના
શહેરના ગાંધીગ્રામ વિસ્તારમાં ફકત બે દિવસમાં ત્રણ જેટલી ચોરીના બનાવ સામે આવ્યા છે. સોફ્ટવેર એન્જીનીયર યુવાનના ઘરમાંથી આશરે સાડા ચાર લાખની મતા અને કર્મકાંડી બ્રાહ્મણના ઘરમાંથી રૂ. 48 હજારની મતાની ચોરીની ઘટના એક જ દિવસે બન્યા બાદ બીજા જ દિવસે તિરુપતિનગર મેઈન રોડ પર આવેલા ગોડાઉનમાંથી કેબલ વાયરની ચોરી થઇ હતી.
બામણબોરની સ્ટીલ ફેક્ટરીમાંથી 770 કિલો કાસ્ટિંગની ચોરી : કર્મચારી સહીત ત્રણ વિરુદ્ધ ગુનો નોંધાયો
ચોરીના અન્ય એક બનાવમાં શહેરના સાધુ વાસવાણી રોડ પર રહેતા વેપારી ભાવેશભાઈ પાબારીએ નોંધાવેલી ફરિયાદ અનુસાર બામણબોર જીઆઈડીસીમાં કોટેચા સ્ટીલ કંપનીમાંથી નિતેશ રમેશભાઈ જેસાણી તથા અજાણ્યા બે ઈસમો કંપનીમાં રાખેલ કાસ્ટિંગ બ્લોકના 167 નંગ લોખંડ કે જેની વજન આશરે 770 કિગ્રા થાય છે તે ચોરી કરી જતાં એરપોર્ટ પોલીસ મથકમાં કુલ ત્રણ શખ્સો વિરુદ્ધ ગુનો નોંધાયો છે.