ચોર સીસીટીવી કેમેરામાં કેદ: પોલીસ તપાસનો ધમધમાટ: રોકડ અને મત્તાની ચોરી અંગે તપાસ શરૂ
મોરબીમાં સામાકાંઠે વિસ્તારમાં આવેલા સિરામિક પ્લાઝામાં તસ્કરોએ તરખાટ મચાવ્યો હતો. એક જ રાતમાં તસ્કરોએ 30 થી 40 દુકાનોના તાળા તોડી હાથફેરો કરતાં વેપારીઓમાં રોષનો માહોલ જોવા મળી રહ્યો છે. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મોરબીના સામાં કાંઠા વિસ્તારમાં તસ્કરોએ તરખાટ મચાવીને એક જ રાતમાં ત્રીસ થી ચાલીસ દુકાનોનાં તાળા તોડીને લાખોના મુદ્દામાલની ચોરી કરી હોવાની શંકા હાલ સેવાઈ રહી છે. જે મામલે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી છે. હજુ સુધી કુલ કેટલા રૂપિયા કે મત્તાની ચોરી થઈ તે અંગે જાણી શકાયું નથી.
મોરબીના સામાં કાંઠા વિસ્તારમાં આવેલા સિરામિક પ્લાઝા 1 અને 2માં તસ્કરોએ તરખાટ મચાવ્યો હતો. જેમાં તસ્કરોએ એક સાથે ત્રીસથી ચાલીસ દુકાનોના તાળા તોડી દુકાનોમાં ચોરી કરી હોવાનું જાણવા મળી રહ્યું છે. જો કે હજુ સુધી કેટલા માલ મતાની ચોરી થઈ તે ચોક્કસ માહિતી મળી નથી. પરંતુ બનાવ અંગે દુકાન માલિકોએ મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે સ્થળ પર પહોંચી આસપાસના વિસ્તારોના સીસીટીવી ચેક કરી આગળની તપાસ હાથ ધરી છે.
મોરબી સિટી બી ડિવિઝન પોલીસ મથકના સ્ટાફ દ્વારા સીસીટીવી ફૂટેજ ચેક કરતા તેમાં તસ્કરો કેદ થઈ ગયા હતા. જેના આધારે પોલીસે તપાસનો દોર લંબાવ્યો છે. સિરામિક પ્લઝામાં એક સાથે આટલી દુકાનોના તાળા તૂટતાં વેપારીઓમાં પણ રોષનો માહોલ જોવા મળી રહ્યો છે.