ગોંડલ, જામકંડોરણા, કોટડાસાંગાણી પંથકમાં આઠ માસમાં ચોરીને અંજામ આપ્યો: રૂ.5.96 લાખનો મુદામાલ કબ્જે કરતી એલ.સી.બી.
રાજકોટ જીલ્લાના ગોંડલ, જામકંડોરણા, કોટડાસાંગાણી પંથકના 20 સ્થળોએ ચોરી કરનાર બેલડીને એલસીબીએ ગોંડલ તાલુકાના રૂપાવટી ગામેથી ઝડપી લઈ રૂા.5.96 લાખના મુદામાલ કબ્જે કર્યો છે.
વધુ વિગત મુજબ રાજકોટ જીલ્લામાં વધતા જતા આર્થીક ગુનાઓનો અટકાવવા અને વણઉકેલ ગુનાનો ભેદ ઉકેલવા એસ.પી.જયપાલસિંહ રાઠોડે આપેલી સુચનાને પગલે એલસીબી પીઆઈ વી.વી.ઓડેદરા સહિતના સ્ટાફે પેટ્રોલીંગ હાથ ધર્યુ હતુ. જ્યારે ગોંડલ તાલુકાના રૂપાવટી ગામે રહેતો અશોક ઉર્ફે અશકો ભીખા વાઘેલા અને ગઢડા સ્વામીના તાલુકાના ઈશ્વરીયા ગામનો અને હાલ ગોંડલ સુરેશ્વર ચોકડી પાસે રહેતો અજય ઉર્ફે બોળીયો જયંતિ ઝાપડીયા નામના શખ્સ ચોરાઉ મુદામાલ પાસે રૂપાવટી ગામે હોવાની હેડ કોન્સ્ટેબલ મહીપાલસિંહ જાડેજા, નરેન્દ્રસિંહ જાડુજા, જયેન્દ્રસિંહ વાઘેલા, અનીલભાઈ ગુજરાતી અને કોન્સ્ટેબલ પ્રહલાદસિંહ રાઠોડને મળેલી બાતમીના આધારે પી.એસ.આઈ. એચ.સી.ગોહીલની સહિતનાઓએ સ્ટાફે દરોડો પાડયો હતો.
અશોક વાઘેલા અને અજય ઝાપડીયાની અટકાયત કરી તેની પુછપરછમાં 8 માસમાં ગોંડલ તાલુકાના ગુંદાળા, શિવરાજગઢ, વોરાકોટડા, ચોરડી, દાળીયા, અનીડાવાછડા, માંડણકુંડલા, જામવાડી, વેજાગામ, કોટડાસાંગાણી, શાપર-વેરવાળ, રામોદ, માણેકવાડા, લોધીકા અને જામકંડોરણા સહિત 20 સ્થળોએ ચોરી કર્યાની કબુલાત આપી છે. પોલીસે સોના-ચાંદીના દાગીના, બાઈક, મોબાઈલ અને રોકડ મળી 5.96 લાખનો મુદામાલ કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.