દૈનિક 15 હજારથી વધુ વાહન ચાલકોને મળશે રાહત: સાંસદ મોહનભાઇ કુંડારીયાના હસ્તે કામનું કરાયું ખાતમુહુર્ત
શહેરની ટ્રાફીકની સમસ્યા હલ કરવા માટે કોર્પોરેશન દ્વારા શહેરના અલગ-અલગ વિસ્તારોમાં અન્ડરબ્રિજ અને ઓવરબ્રિજ બનાવવામાં આવી રહ્યા છે. દરમિયાન શહેરના હોમી દસ્તૂર માર્ગ પર એવીપીટીઆઇ કોલેજની સામે રેલવે ટ્રેક નીચે કોર્પોરેશન દ્વારા રૂ.2.79 કરોડના ખર્ચે નવું નાલું બનાવવામાં આવશે. આ કામ રેલવે વિભાગ દ્વારા કરવામાં આવશે. આજે સવારે સાંસદ મોહનભાઇ કુંડારિયા દ્વારા નવા નાલાના કામનું ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું. જેનું કામ બે મહિનામાં પૂર્ણ કરવા કોર્પોરેશનના પદાધિકારીઓ દ્વારા રેલવેને અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે. નાલાનું કામ પૂર્ણ થયા બાદ રોજ 15 હજારથી વધુ વાહન ચાલકોને ટ્રાફીકની સમસ્યામાંથી મુક્તિ મળશે.
એસ્ટ્રોન નાલા અને હેમુગઢવી હોલ નાલાની વચ્ચે બનનારા નવા નાલાની પહોળાઇ ચાર બાય અઢી મીટર અને લંબાઇ 18 મીટરની છે. હયાત રોડથી નાલાનું લેવલ 0.35 મીટરનું રહેશે. આવવા-જવા માટે બે નાલા બનાવવામાં આવશે. ગ્રેવીટીથી વરસાદી પાણીનો સરળતાથી નિકાલ થઇ જાય તે માટે નાલાનું રોડથી નીચું રાખવામાં આવ્યું છે. વર્તમાન પદાધિકારીઓની મુદ્ત આગામી સપ્ટેમ્બર માસમાં પૂર્ણ થઇ રહી છે. ત્યારે નવા નાલાનું કામ બે મહિનામાં પૂર્ણ થઇ જાય તે દિશામાં કામગીરી હાથ ધરવામાં આવશે.
એસ્ટ્રોન નાલુ અને હેમુગઢવી હોલ નાલાની વચ્ચે હોમી દસ્તુર માર્ગથી આગળ એ.વી.પી.ટી.આઈ.ની કમ્પાઉન્ડ વોલની છેડે રૂ.2.79 કરોડના ખર્ચે નાલુ બનાવવાનું ખાતમુહુર્ત સાંસદ મોહનભાઈ કુંડારીયાના વરદ હસ્તે કરાયું હતું. આ કામગીરી રેલ્વે વિભાગ દ્વારા કરાશે.
આ અવસરે મેયર ડો.પ્રદિપ ડવ, શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશી, ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા, ડો.દર્શિતા શાહ, ડે.મેયર કંચનબેન સિધ્ધપુરા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઈ પટેલ, શાસક પક્ષ નેતા વિનુભાઈ ઘવા, શાસક પક્ષ દંડક સુરેન્દ્રસિંહ વાળા, બાંધકામ સમિતિ ચેરમેન કેતન પટેલ, વોર્ડ નં.7ના કોર્પોરેટર દેવાંગ માંકડ, નેહલ શુક્લ, વર્ષાબેન પાંધી, જયશ્રીબેન ચાવડા, વોર્ડ નં.8ના કોર્પોરેટર અશ્વિન પાંભર, શ્રીમતિ ડો.દર્શનાબેન પંડ્યા, પ્રીતિબેન દોશી, વોર્ડ નં.7નાં પ્રભારી શૈલેષભાઈ હાપલિયા, પ્રમુખ કૌશિક ચાવડા, મહામંત્રી વિશાલ માંડલીયા, દિપક પારેખ, રાજકોટ શહેર ભાજપ મહિલા મોરચાના પ્રમુખ કિરણબેન માંકડીયા, વોર્ડના મહિલા મોરચાના મહામંત્રી રક્ષાબેન જોશી, વોર્ડ નં.8 ના પ્રભારી સંજયભાઈ દવે, પ્રમુખ જયસુખભાઈ મારવિયા, મહામંત્રી રસિકભાઈ ડેડાણીયા, દેવકરણભાઈ જોગરાણા, પૂર્વ પ્રમુખ તેજસભાઈ જોશી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.