સંઘ દાદરાનગર હવેલીમાં ટ્રાફિક પોલીસ વિભાગ દ્વારા ૩૦માં રાષ્ટ્રીય રસ્તા સુરક્ષા સપ્તાહનો પ્રારંભ સોમવારે કરવામાં આવ્યો હતો. આ વર્ષે આ સપ્તાહની થીમ સડક સુરક્ષા-જીવન રક્ષા રાખવામાં આવી છે. આ સપ્તાહ દરમ્યાન વિવિધ જાગૃતતા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.
આ અવસરે સેલવાસ પોલીસ મુખ્યાલયની નજીકના ગ્રાઉન્ડમાં એસ.પી.શરદ દરાડેએ સ્કુલના વિદ્યાર્થીઓને ટ્રાફિકના નિયમો જેવા કે વાહન ચલાવતા સમયે હેલ્મેટ પહેરવા, સીટ બેલ્ટ બાંધવા વગેરે વિષયમાં જાણકારી આપી હતી. એસડીપીઓ મનસ્વી જૈને કહ્યું કે, આ સડક સુરક્ષા સપ્તાહ દરમ્યાન વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. તેમજ લોકોને અપીલ કરી હતી કે વાહન ચલાવતા સમયે સુરક્ષિત વાહન ચલાવે તેમજ ટ્રાફિકના નિયમોનું પાલન કરે.
ટ્રાફિક વિભાગના ઈન્ચાર્જ નરેશ પટેલે કહ્યું કે જે વાહન ચાલકોના નિયમોનો ભંગ કરશે તેની પાસેથી દંડ વસુલવામાં આવશે તેમજ નિયમોના પાલન કરવા માટે પણ સમજાવવામાં આવશે. આ સપ્તાહ દરમ્યાન વિદ્યાર્થીઓ, મિડીયા તેમજ લોકો માટે સડક સુરક્ષા જાગૃતતા માટે ડોકયુમેન્ટ્રી ફિલ્મની સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવશે. સાથે સાથે શાળાના વિદ્યાર્થીઓ અને લોકો માટે વિવિધ સ્પર્ધાઓનું પણ આયોજન કરવામાં આવશે.
ઉપસ્થિત અધિકારીઓ દ્વારા ઝંડી દેખાડીને રેલીની શરૂઆત કરવામાં આવી હતી જે લોકોની જાગૃતતા માટે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા રેલી કાઢવામાં આવી હતી જે શહેરના વિવિધ વિસ્તારોમાં ફરીને પાછી પોલીસ હેડ કવાર્ટર ગ્રાઉન્ડ પર આવી હતી. આ ટ્રાફિક સપ્તાહ જય કોર્પ લિમિટેડના સહયોગ દ્વારા કરવામાં આવશે. એસપી શરદ દરાડે, એસડીપીઓ મનસ્વી જૈન, જય કોર્પ ઈન્ડસ્ટ્રીઝના ડાયરેકટર આર.બી.શિલ્કે, રાહુલ આહિર, શાળાના શિક્ષકો, વિદ્યાર્થીઓ, ટ્રાફિક ઈન્ચાર્જ નરેશ પટેલ સહિત ટ્રાફિક વિભાગની ટીમ ઉપસ્થિત રહી હતી.