લર્નીંગ લાયસન્સ માટે દસ હજાર કરતા વધારેનું વેઇટીંગ:એપોઇટમેન્ટ બે માસ બાદ નવેમ્બરથી મળતી હોવાથી વાહન ચાલકોમાં ભારે રોષ પાકા લાયસન્સ એચએસઆરપી નંબર પ્લેટ, વાહન ફીટનેસ સહિતની કામગીરી કરાવવા અરજદારોના ધસારાથી લાંબી લાઇનો
દેશમાં વધતા માર્ગ અકસ્માતોનું પ્રમાણ ઘટાડવા કેન્દ્ર સરકારે તાજેતર મોટર વ્હીકલ એકટમાં સુધારા કરીને ટ્રાફિકના વિવિધ નિયમોના ભંગ બદલ આકરા દંડની જોગવાઈ કરી છે. રાજય સરકારે ભારે વિચારણા બાદ ગત તા.૧૬થી આ નવા સુધારેલા કાયદાનો અમલ કરવાનો નિર્ણય કર્યો હતો. આ નિર્ણય બાદ રાજયભરનાં વાહન ચાલકોમાં ભારે રોષની લાગણી ફેલાઈ જવા પામી હતી. આકરા દંડ થવાની બીકથી વાહન ચાલકોએ રાજકોટ સહિત રાજયભરની આરટીઓ કચેરીમાં ઘસારો કર્યો હતો.
રાજકોટની આરટીઓ કચેરીમાં પણ લાયસન્સથી માંડીને વાહનને લગતી કામગીરી માટે લાંબી લાઈનો જોવા મળે છે. લાયસન્સ માટે થતી પડાપડીને લઈને ૧૦ હજાર કરતા વાહન ચાલકોનું લર્નીંગ લાયસન્સ માટે વેઈટીંગ થઈ જવા પામ્યું છે.
લર્નીંગ લાયસન્સ કઢાવવા માટે થયેલા ભારે ઘસારાથી દર કલાકે એપોઈમેન્ટ લેનારા વાહન ચાલકોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. જેને લઈને હાલમાં બે માસ એટલે કે નવેમ્બર માસની એપોઈમેન્ટ મળી રહી છે. રાજય સરકારે ૧૫મી ઓકટોમ્બર સુધી નવા કાયદાનો અમલ મોકૂફ રાખ્યો છે. જેથી ૧૫મી ઓકટોબર બાદ ચેકીંગ પરનો પોલીસ કે આરટીઓ સ્ટાફ ચેકીંગ કરે તો લાયન્સ ન હોવા બદા રૂા.૫૦૦નો દંડ કરશે તો શું? તેવી બીક અનેક વાહન ચાલકો એજન્ટો મારફતે પાંચ હજાર રૂા.સુધીનો વહીવટ કરીને એપોઈમેન્ટ ગમે ત્યારની હોય પરતુ અત્યારે જ લર્નીંગ લાયસન્સ કઢાવવા લાગ્યા છે. જયારે આવી રકમ ખર્ચી ન શકનારા માધ્યમ અને નાના વર્ગના વાહન ચાલકો નિરાશવદને આરટીઓ કચેરીએ ધકકા ખાતા જોવા મળે છે.
લર્નીંગ લાયસન્સની જેમ લાયસન્સમાં વર્ગ વધારા કે અકેસપાયર થયેલા લાયસન્સને રીન્યુ કરવા કે ડુપ્લીકેટ લાયસન્સ કઢાવવા માટે વાહન ચાલકો મોટી સંખ્યામાં આરટીઓ ક્ચેરીએ ઉમટી રહ્યા છે. તાજેતરમાં સરકારી લાયસન્સમાં આવા પ્રકારની કામગીરી માટે એપોઈમેન્ટ લેવાનું રદ કરી ગમે ત્યારે કામકાજના દિવસ અને સમયમાં સીધા જ આવવાનો નિયમ કર્યો છે. જેથી આવા પ્રકારની કામગીરી માટે પણ અરજદારોની લાંબી લાઈનો જોવા મળી રહી છે. તેવી જ રીતે પાકા લાયસન્સ માટે ટ્રાય આપવા માટે વાહન ચાલકોની લાંબી કતારો જોવા મળે છે.
તેવી જ રીતે વાહનોમાં એચએસઆરપી નંબર પ્લેટો લગાવવા માટે પણ વાહન ચાલકોની લાંબી લાઈનો જોવા મળી રહી છે. જયારે વાહનોના પૂરા થયેલા ફીટનેસ રીન્યુ કરાવવા માટે પણ વાહન ચાલકો આરટીઓ કચેરીમાં ઘસારો કરી રહ્યા છે. જેથી સામાન્ય દિવસોમાં રાજકોટ આરટીઓ કચેરીમાં બેથી અઢી હજાર વાહન ચાલકો આવતા હતા તેના બદલે હાલમાં છ થી સાત હજાર વાહન ચાલકો આવી રહ્યા છે. જેથી આરટીઓ કચેરીની વિવિધ પ્રકારની કામગીરીમાં ભારે અવ્યવસ્થા ફેલાયેલી જોવા મળેલી છે. જયારે વાહન ચાલકોની મજબૂરીનો લાભ લેવા લેભાગુ એજન્ટો સક્રિય થઈ ગયા છે. આવા લેભાગુ એજન્ટોની વાહન ચાલકો લૂંટાય રહ્યા હોવા છતાં સ્થાનિક તંત્ર દ્વારા તેમના માટે કોઈ નકકર પગલા લેવામાં આવતા ન હોવાની બુમો ઉઠવા પામી છે.
વાહનચાલકોનાં ધસારાને પહોંચી વળવા શકય તમામ પગલા લેવાશે: પી.બી.લાઠીયા
આ અંગે આરટીઓ અધિકારી પી.બી.લાઠીયાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, અગાઉનાં સમયમાં કચેરીમાં ૧૦૦૦ થી ૨૫૦૦ અરજદારો આવતા હતા. નવા નિયમનાં અમલ બાદ ૫૦૦૦ થી ૬૦૦૦ લોકો પોતાનું કામ કરાવવા માટે આવે છે તો તેમને કોઈપણ પ્રકારની અગવડતા ના પડે તે માટે લાયસન્સ માટે ઓનલાઈન અરજી કરી શકે છે. ચોકકસ ઘસારો તો છે જ તે માટે આરટીઓની પ્રક્રિયા છે તે સમયસર પુરી થઈ શકે તેવા પગલા લેવાશે. એચએસઆરપી નંબર પ્લેટ માટે પહેલા ૧૦૦ થી ૧૨૦ અરજદારો આવતા છતાં તેના સ્થાને હાલમાં ૭૦૦ થી ૭૨૦ અરજદારો આવે છે. ઘસારાનાં કારણે કાઉન્ટરોમાં વધારો કરાયો છે. સોસાયટી લેવલે કેમ્પનું આયોજન કરવામાં આવે છે. ભવિષ્યમાં વાહન વ્યવહારોનું કેમ્પ લીસ્ટ સાથે એચએસઆરપી વધુ વાહનો હશે ત્યાં કેમ્પનું આયોજન કરવામાં આવશે. તેમજ રજાનાં દિવસે પણ આરટીઓની કામગીરી ચાલુ રહેશે.