પૃથ્વીના રિમોટ સેન્સીંગ માટે છોડાયેલો ભારતીય સેટેલાઈટ રશિયાના સેટેલાઈટની લગોલગ પહોંચી ગયો: બંન્ને વચ્ચે ૨૨૪ મીટર જેટલું અંતર બચતા સંશોધકોના શ્ર્વાસ અધ્ધર
અંતરીક્ષમાં શોધ-સંશોધન માટે રોકેટ, સેટેલાઈટ અને સ્પેશ સ્ટેશન સહિતનું તરતું મુકવામાં આવે છે. વર્ષો પહેલા અમેરિકા અને રશિયા વચ્ચે અવકાશમાં પ્રભુત્વ મેળવવાની હોડ જામી હતી. અલબત હવે તો ભારત, ચીન સહિતના અનેક દેશ આ હરિફાઈમાં જોડાઈ ચૂક્યા છે. પરિણામે અંતરીક્ષમાં અનેક સેટેલાઈટ તરતા રહે છે. એકંદરે જેમ જમીન ઉપર વાહનોના કારણે ટ્રાફિકજામ સર્જાય તેવો માહોલ નજીકના ભવિષ્યમાં અવકાશમાં સર્જાશે. જેનો પુરાવો તાજેતરમાં જ ભારત અને રશિયાના સેટેલાઈટની સ્થિતિ પરથી આવ્યો છે.
નિષ્ણાંતોના મત મુજબ ભારતે અવકાશમાં તરતો મુકેલો રીમોટ સેન્સીંગ સેટેલાઈટ ‘કાર્ટોસેટ-૨એફ’ તાજેતરમાં રશિયાના અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઈટ ‘કાનોપુસ-વી’ની એકદમ નજીક આવી ગયો હતો. આ બન્ને વચ્ચે ટક્કર થઈ જાય તેવી પણ ભીતિ સેવાઈ હતી. આવી સ્થિતિમાં ભારતીય સેટેલાઈટમાં મુકાયેલી વોર્નિંગ સીસ્ટમ પણ એક્ટિવેટ થઈ હતી.
આ બન્ને સેટેલાઈટ પૃથ્વીની ભ્રમણ કક્ષામાં છે. ભારતીય સેટેલાઈટનું વજન ૭૦૦ કિલો છે. બન્ને સેટેલાઈટ વચ્ચે ટક્કર થઈ જાય તેવી સ્થિતિ હતી. આંકડા મુજબ રશિયા અને ભારતના સેટેલાઈટ વચ્ચે માત્ર ૨૨૪ મીટર અંતર જ રહ્યું હતું. આ બન્ને સેટેલાઈટ પૃથ્વીના રિમોટ સેન્સીંગ માટે બનાવવામાં આવ્યા છે. માટે ભ્રમણકક્ષા પણ એક સરખી હોવાનું માનવામાં આવે છે. અગાઉ સ્પેનના ઉપગ્રહ સાથે પણ આવી જ સ્થિતિ સર્જાઈ હતી. ભારતીય સેટેલાઈટ વર્ષ ૨૦૧૮ના જાન્યુઆરી મહિનાના હરીકોટા ખાતેથી લોન્ચ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ એવું બે વખત બન્યું કે અન્ય દેશોના સેટેલાઈટની એકદમ નજીક પહોંચી ગયો હતો.