- ટ્રાફિક પોલીસનું આખા વર્ષનું સરવૈયું જાહેર
- 2023ની સરખામણીમાં ટ્રાફિક નિયમ ભંગ બદલ 1 લાખથી વધુ કેસો કરાયા : ચાલુ વર્ષે 2.98 લાખ લોકોને ’ચાંદલો’
વર્ષ 2024નાં અંતને હવે ગણતરીનાં દિવસો બાકી છે ત્યારે રાજકોટ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા આખા વર્ષમાં થયેલી કામગીરીનું સરવૈયું જાહેર કરવામાં આવ્યું છે. ટ્રાફિક પોલીસે આપેલી વિગત અનુસાર વિવિધ ઝુંબેશને પગલે ગત વર્ષ કરતા ચાલુ વર્ષમાં જીવલેણથી માંડી સામાન્ય અકસ્માતમાં 12.71%નો નોંધપાત્ર ઘટાડો થવા પામ્યો છે. ઉપરાંત ટ્રાફિક પોલોસ દ્વારા ચાલુ વર્ષે ટ્રાફિક નિયમભંગ બદલ કુલ 2,98,525 કેસો કરીને રૂ. 6,98,57,800નો દંડ ફટકારવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2023માં ટ્રાફિક કરેલા કુલ 1,95,623 કેસોની સરખામણીમાં ચાલુ વર્ષે 1.02 લાખ વધુ કેસો કરવામાં આવ્યા છે. જો કે, ટ્રાફિક પોલીસની આ કામગીરી વચ્ચે હજુ ટ્રાફિક જામની સમસ્યા યથાવત જ રહી છે.
ટ્રાફિક પોલીસ દ્વારા જાહેર કરવામાં આવેલા રિપોર્ટ અનુસાર ગત વર્ષે 166 ફેટલનાં બનાવની સામે ચાલુ વર્ષે 151 બનાવ નોંધાયા છે એટલે કે જીવલેણ અકસ્માતમાં 9.03%નો ઘટાડો થયો છે. જયારે 2023ની સરખામણીમાં ગંભીર અકસ્માતમાં 219ની સામે 203, સામાન્ય અકસ્માતમાં 79ની સામે 51 એટલે કે 2023નાં 464 અકસ્માતની સામે 2024માં 405 અકસ્માત નોંધાયા છે જે ગત વર્ષના પ્રમાણમાં 12.71% અકસ્માત ઘટ્યાનું સૂચવે છે.
ચાલુ વર્ષે ચાલુ વાહને વાત કરવી, લાયસન્સ વગર વાહન ચલાવવું, ટ્રિપલ સવારી, હેલમેટ, સીટ બેલ્ટ, કાગળોનો અભાવ, નંબર પ્લેટ વગરનાં વાહનો વિરુદ્ધ 2023માં કુલ 195623 કેસો કરી રૂ. 7,93,79,650નો દંડ ફટકારવામાં આવ્યો હતો જેની સામે ચાલુ વર્ષે 2,98,525 કેસો કરી રૂ. 6,98,57,800નો દંડ ફટકારવામાં આવ્યો છે. 2023ની સરખામણી 2024માં 1,02,902 કેસો વધુ કરવામાં આવ્યો છે તેવું સૂચવે છે.
પ્રજામાં ટ્રાફિક નિયમો અંગે જાગૃતતા આવે તેવા ઉદેશ્ય સાથે સ્કૂલ, કોલેજ, યુનિવર્સીટી ખાતે 2023ની સરખામણીએ ચાલુ વર્ષે કુલ 95 કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં 22838 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. ઉપરાંત કાળા કાચ, હેલ્મેટ, સીટ બેલ્ટ અને ઓવરસ્પીડનાં ચાલુ વર્ષે 55197 કેસો કરીને રૂ. 2,55,22,610 નો દંડ ફટકારવામાં આવ્યો છે. જયારે 452 વાહનો ડિટેઇન કરવામાં આવ્યા હતા. અલગ અલગ દબાણ હટાવની ઝુંબેશ હાથ ધરીને 78 વાહનો ટો કરવામાં આવ્યા હતા, 19 વાહનો ડિટેઇન, 141 એનસી કેસો કરી રૂ. 1,17,200નો દંડ વસુલ કરવામાં આવ્યો હતો. આરટીઓ અને ખનીજ વિભાગ સાથે સંયુક્ત ઝુંબેશ હાથ ધરી 90 વાહનો ડિટેઇન કરવામાં આવ્યા હતા જયારે 23 વિરુદ્ધ ખનીજ વિભાગે કાર્યવાહી કરી હતી. શહેરી વિસ્તારમાં વાહનોમાં ગેરકાયદે ક્ષમતા કરતા વધુ મુસાફરોની અવર જવર કરાવતા વાહનો વિરુદ્ધ 21 ડ્રાઈવ યોજી 603 વાહનો ડિટેઇન કરવામાં આવ્યા હતા. જેમાં 592 ઇકો કાર અને 11 બસનો સમાવેશ થાય છે.
હિટ એન્ડ રનના 26 કેસમાં પીડિત પરિવારોને રૂ. 41.50 લાખનું વળતર અપાવ્યું
શહેરી વિસ્તારમાં બનેલા હિટ એન્ડ રનના અલગ અલગ 26 કેસોમાં ભોગ બનનાર અને તેમના વારસદારોને કેન્દ્ર સરકારની હિટ એન્ડ રનના કિસ્સામાં મળતા વળતરનો લાભ અપાવી ટ્રાફિક પોલીસે સરાહનીય કામગીરી કરી છે. ટ્રાફિક પોલીસના પ્રયત્નોથી પીડિત પરિવારોને રૂ. 41.50 લાખનું વળતર મળ્યું છે.
ટ્રાફિક સમસ્યા ઘટાડવા અનેક સર્કલ રિ-ડિઝાઇન કરાયા
શહેરમાં ટ્રાફિક સમસ્યા વકરી રહી હોય ત્યારે ટ્રાફિકની સમસ્યા ઘટાડવા જિલ્લા પંચાયત ચોકઝ કોટેચા ચોક, આજીડેમ ચોકડી, સોરઠીયાવાડી સર્કલ, રૈયા ટેલિફોન એક્સચેન્જ, ગ્રીન લેન્ડ ચોકડી સહિતના સર્કલને રી ડિઝાઇન કરી ટૂંકા કરવામાં આવ્યા હતા.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સાથે એમઓયુ કરી ટ્રાફિક એજ્યુકેશનનો વિષય શરૂ કરાયો
વિદ્યાર્થિઓ તેઓના કોલેજ જીવનથી ટ્રાફિકના નિયમો અંગેની જાગૃતતા કેળવી શકે તેમજ માર્ગ સલામતીને લગત વિષય પર માહિતી મેળવી શકે તે હેતુથી ટ્રાફિક એજ્યુકેશનને એક વિષય તરીકે સ્નાતક કક્ષાએ સમાવેશ કરવા રાજકોટ શહેર ટ્રાફિક વિભાગ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એમઓયુ કરવામાં આવ્યો હતો. હાલમાં એમઓયુ અંતર્ગત તૈયાર કરવામાં આવેલ ટ્રાફિક એજ્યુકેશન પાર્ટ-1 અને પાર્ટ-2નો સ્નાતક કક્ષાએ અભ્યાસક્રમમાં સમાવેશ કરવામાં આવેલ છે.
બે બ્લેકસ્પોટ દૂર કરાયા અને દસ પર ડ્રાઇવ યોજી દોઢ કરોડનો દંડ કરાયો
વર્ષ 2024માં 2021-22-23ના ત્રણ વર્ષના સમયગાળા માટેના બ્લેકસ્પોટની વિગતો આખરીકરણ કરવા માટે સબંધીત જવાબદાર વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજી તેમજ સ્થળ વિઝિટ કરી બ્લેક સ્પોટની વ્યાખ્યા પ્રમાણે વર્ષ 2024ની સ્થિતિએ બ્લેકસ્પોટની વ્યાખ્યામાં સમાવિષ્ટ ન થતા રાજકોટ શહેરના બેડી માર્કેટીંગ યાર્ડ અને રાજકોટ ત્રંબા ગામ હાઇ-વે રોડ એમ કુલ-02 બ્લેકસ્પોટ દુર કરવામા આવેલ છે. ત્યારબાદ હાલમાં રાજકોટ શહેર ખાતે કુલ-10 બ્લેકસ્પોટ હયાત છે. રાજકોટ શહેર ટ્રાફિક શાખાના અધિકારીઓ અને રોડ એજન્સીના ઇજનેરો દ્વારા તમામ બ્લેકસ્પોટની સ્થળ વિઝિટ કરવામા આવેલ છે અને રોડ એન્જીનીયરીંગ સબબ સુધારાત્મક પગલા લેવામા આવેલ છે. જે દસ બ્લેકસ્પોટ પર અકસ્માત બનતા અટકાવવા બેફામ દોડતા 32531 વાહનો વિરુદ્ધ કેસો કરીને 1,42,00,200નો દંડ ફટકરવામાં આવેલ છે.