વાહન વ્યવસ્થા જળવાઇ રહે તે માટે પગલા લેવાશે
જૂનાગઢ ટ્રાફિક શાખા દ્વારા આજથી નો પાર્કિંગમાં પાર્ક કરેલા વાહનો પર સ્થળ પર દંડ વસૂલવામાં આવશે. ટ્રાફિકને અડચણરૂપ તેમજ નિયત પાર્કીંગ પોંઇન્ટ સિવાયની જગ્યાએ વાહનચાલકો પોતાના વાહનો પાર્ક કરી ટ્રાફીકને અડચણરૂપ થતા હોય છે. આવા વાહનમાલીકો પાસેથી દંડ વસૂલ કરવામાં આવશે.
જૂનાગઢ શહેરના જાહેર માર્ગો, શોપિંગ સેન્ટરો, એપાર્ટમેન્ટ તથા શોપિંગ મોલની આજુબાજુના જાહેર રસ્તા ઉપર જાહેર જનતા, સંબંધિત વેપારીઓ તથા વાહન માલિકો દ્વારા તેઓના ટુ વ્હીલર, થ્રી વ્હીલર અને ફોર વ્હીલર તથા ભારે વાહનો નિયત કરેલ જગ્યાને બદલે જાહેર રોડ ઉપર, ટ્રાફિક તથા સામાન્ય લોકોને અડચણરૂપ થાય તે રીતે પાર્કિંગ કરવામાં આવતા હોય છે. શહેરની ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે જૂનાગઢ ટ્રાફિક શાખા દ્વારા આજ રોજથી અનિયમિત રીતે પાર્કિંગ કરવામાં આવતા વાહનો પર સ્થળ પર દંડ કરવામાં આવશે. તથા વાહન માલિક હાજર નહીં મળી આવે તો વાહનોને ટોઇંગ કરી પોલીસ હેડકવાર્ટર્સ જૂનાગઢ ખાતેના ગ્રાઉન્ડમાં રાખવામાં આવનાર છે.જે વાહન માલિકો પાસેથી નિયત દંડની રકમ તથા ટોઇંગ ચાર્જની રકમ ભરપાઇ કરીએથી વાહન માલિક પોતાનું વાહન પરત મેળવી શકશે.
ઉપરોક્ત ટોઇંગ કરેલ વાહનો ૨૪ કલાક બાદ એટલે કે બીજા દિવસે છોડવામાં આવશે તો ઉપરોક્ત દંડ ઉપરાંત વધારાના પેનલ્ટી ચાર્જ રૂ.૫૦ દૈનિક અલગથી વસૂલ કરવામાં આવશે.
ટુ વ્હીલર માટે ટોઇંગ ચાર્જ રૂ. ૧૯૦, મોટર વ્હિકલ એકટ મુજબ કરેલ કેસનુ સમાધાન શુલ્ક રૂ.૫૦૦ એમ કુલ રૂ.૬૯૦. થ્રી વ્હીલર ટોઇંગ ચાર્જ રૂ.૨૭૦ મોટર વ્હિકલ એકટ મુજબ કરેલ કેસનુ સમાધાન શુલ્ક રૂ. ૫૦૦ એમ કુલ રૂ.૭૭૦, ફોર વ્હીલર રૂ. ૪૫૦ મોટર વ્હિકલ એકટ મુજબ કરેલ કેસનુ સમાધાન શુલ્ક રૂ.૫૦૦ એમ કુલ રૂ. ૯૫૦ અને ભારે વાહન રૂ. ૮૦૦ ટોઇંગ ચાર્જ મોટર વ્હિકલ એકટ મુજબ કરેલ કેસનુ સમાધાન શુલ્ક રૂ.૫૦૦ એમ કુલ રૂ.૧૩૦૦ દંડ વસુલ કરવામાં આવશે.