- કલેક્ટર પ્રભવ જોશીના અધ્યક્ષસ્થાને આયોજન અંગે બેઠક યોજાઈ: વોકિંગ પાથ, નવા ફળાઉ ઝાડ વાવવા, વીજ કનેક્શન અને પાણીની સંપૂર્ણ સુવિધાઓ વિકસાવવા સૂચના
Rajkot : લોકોને પર્યાવરણ સંરક્ષણ તરફ વાળવા કલેક્ટર પ્રભવ જોશી દ્વારા રાજકોટ જિલ્લામાં નવતર પ્રાકૃતિક શિક્ષણ કેન્દ્રનો પ્રારંભ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. માલિયાસણ નેચર એજ્યુકેશન કેમ્પ(માણેક)ને વિકસાવવા કલેકટરના અધ્યક્ષસ્થાને કેમ્પ ખાતે કમિટીની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કેન્દ્રને વધુ સારી સગવડો તેમજ સંપૂર્ણ પ્રાકૃતિક પદ્ધતિથી વધુમાં વધુ કુદરતી તત્વો થકી વિકસાવવા વિષે ચર્ચા કરવામાં આવી હતી. જેમાં કેન્દ્ર ખાતે પરંપરાગત ભૂંગા પ્રકારના મકાનો બનાવવા, વોકિંગ પાથ, નવા ફળાઉ ઝાડ વાવવા તેમજ ઉછેર, વીજ કનેક્શન, પાણીની સંપૂર્ણ સુવિધાઓ સાથે આ કેમ્પને ઉત્કૃષ્ટ તાલીમ કેન્દ્ર બનાવવા પર કલેક્ટરએ ખાસ ભાર મૂક્યો હતો.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી ડો. નવનાથ ગવ્હાણે, પ્રાંત અધિકારીની નિશા ચૌધરી, વન સંરક્ષક અધિકારી તુષાર પટેલ, માર્ગ અને મકાન વિભાગના એક્ઝિક્યુટિવ એન્જિનિયર ઝાલા, મદદનીશ બાગાયત નિયામક ઘનશ્યામભાઈ કાતરીયા, આત્માના અધિકારીઓ સહિત વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.